ગુજરાત

નવસારીના વાંસદામાં વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય માટે કોંગ્રેસ મેદાને

Published

on

કોંગી ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢી 5 લાખની સહાયની માંગ સાથે TDO કચેરીએ ધરણાં કર્યા

નવસારી : નવસારી જિલ્લામાં એક અઠવાડિયા પહેલા આવેલા ભયાનક વાવાઝોડાના કારણે વાંસદા તાલુકાના સીણધઈ ગામ સહિત અન્ય ગામોમાં ઘણા ઘરોને નુકશાન થયું હતું. પરંતુ અઠવાડિયું વિતવા છતાં સરકાર અસરગ્રસ્તોને હજી સુધી સહાય આપવામાં આવી નથી. જેને કારણે કોંગ્રેસે સરકાર સામે રોષ સાથે આજે વાંસદાના વાવાઝોડાથી અસરગ્રસ્તોમાં ઘર ગુમાવનારાઓને 5 લાખની સહાયની માંગ સાથે રેલી કાઢી તાલુકા સેવા સદન બહાર ધરણા પ્રદર્શન કર્યુ હતુ.

કોંગ્રેસે સહાય આપવાના સરકારી નિયમો પર ઉઠાવ્યા સવાલ

નવસારીમાં તોફાની વાવાઝોડામાં વાંસદા તાલુકાના સીણધઈ ગામના ત્રણ ફળિયાઓ અને અન્ય અસરગ્રસ્ત ગામોના અસરગ્રસ્તોની વિકટ સ્થિતિ બની છે. પ્રારંભિક તબક્કે લોકોને સેવાભાવી સંસ્થાઓએ સહાય કીટ પહોંચાડી, પરંતુ હજુ સુધી સરકારે સહાય આપી નથી. જેમાં પણ સરકારને સ્થાનિક તંત્રએ સર્વે કરી ફક્ત 30 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર હોવાનો રિપોર્ટ કર્યો હતો. જેમાં સરકારી નિયમો સામે જ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ નિયમોમાં ‘નવથી ઓછા પતરાં હોય તો સહાય નહીં’ અને ‘સરકારી આવાસને સહાય નહીં મળે’ જેવા નિયંત્રણો છે, જે ગરીબ આદિવાસી અસરગ્રસ્તોને સહાયથી વંચિત રાખશે. જેથી વાંસદા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે. જેમાં પણ તાલુકા વિકાસ અધિકારી કચેરીએ નહીં મળતા કોંગ્રેસીઓએ કચેરીના પ્રાંગણમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.

ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી અને ધરણાં

સરકારના આ નિયમોનો વિરોધ કરવા માટે આજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને લોકોએ વાંસદા સર્કિટ હાઉસથી રેલી કાઢી તાલુકા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. જોકે, તાલુકા સેવાસદન ખાતે તાલુકા વિકાસ અધિકારી (TDO) હાજર ન મળતા, ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં તમામ આગેવાનો અને અસરગ્રસ્તો ધરણાં પર બેસી ગયા હતા. જ્યાં કોંગ્રેસ દ્વારા સરકાર દરેક નુકસાનગ્રસ્ત ઘરને 5 લાખની સહાય ચૂકવે તેવી દૃઢ માંગણી કરવામાં આવી રહી છે.

સહાય જમા થવાના દાવા સામે કોંગી ધારાસભ્યના સવાલો

બીજી તરફ, વલસાડના સાંસદ ધવલ પટેલે જાહેરાત કરી છે કે સરકાર દ્વારા સહાયની રકમ આજે જ લોકોના ખાતામાં પહોંચી જશે. સાંસદના આ દાવા સામે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી દરેક અસરગ્રસ્તને પૂરતી અને યોગ્ય સહાય નહીં મળે, ત્યાં સુધી તેઓ આ મામલે લડત ચાલુ રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version