દક્ષિણ-ગુજરાત

નવસારી મનપાનો નવતર પ્રયોગ : ‘દેવ પ્રસાદી’ ફૂલોની સુવાસ હવે ઘરે ઘરે..!

Published

on

રોજના 700 કિલો ફૂલો ભેગા કરી, સફાઈકર્મી મહિલાઓ બનાવશે સુગંધી અગરબત્તી

નવસારી : ધાર્મિક સ્થળો અને લોકો દ્વારા ફેંકી દેવાતા સેંકડો કિલોગ્રામ ફૂલ-હારનો સદ્દઉપયોગ કરીને, નવસારી મહાનગર પાલિકાએ (NMC) એક પ્રશંસનીય ‘ગ્રીન પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ, ભગવાનને અર્પણ કરાયેલા ફૂલોમાંથી ઉત્તમ ગુણવત્તાની અગરબત્તીઓ બનાવવામાં આવી રહી છે, જેની સાથે સફાઈ કર્મી મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો પણ ઉમદા પ્રયાસ હાથ ધરાયો છે.

નદી પ્રદૂષણ અટકાવવા અને ધાર્મિક લાગણી જાળવવા પહેલ

નવસારી શહેરમાં ધાર્મિક સ્થળો અને સ્મશાનમાં રોજના સેંકડો કિલો ફૂલ અને હારનો ઉપયોગ થાય છે. આ ફૂલો મોટાભાગે કચરામાં કે નદીમાં પધરાવવામાં આવતા હોવાથી, નદી પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની રહી હતી. આ સમસ્યાના નિવારણ અને ‘દેવ પ્રસાદી’ ની ધાર્મિક લાગણી જાળવવાના ઉદ્દેશ્ય સાથે મહાનગર પાલિકાના સેનેટરી વિભાગે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં નવસારી શહેરના મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ મળી 78 ધાર્મિક સ્થળો તેમજ સ્મશાન ભૂમિમાંથી રોજના અંદાજે 700 કિલોગ્રામ ફૂલ-હાર મહાપાલિકાના વિશેષ વાહન દ્વારા એકત્ર કરવામાં આવે છે. જેનેરિંગરોડ સ્થિત ગોડાઉનમાં લાવ્યા બાદ, સફાઈ કર્મી મહિલાઓ દ્વારા તેને છૂટા પાડી, સૂકવીને મશીનમાં ક્રશ કરી પાવડર બનાવવામાં આવે છે. આ ફૂલોના પાવડરને અન્ય સામગ્રી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવવામાં આવે છે, જેમાંથી અગરબત્તીઓ તૈયાર થાય છે.

સફાઈ કર્મી મહિલાઓને ‘આવક’ અને ‘નવી ઓળખ’

આ પ્રોજેક્ટથી સફાઈ કર્મી મહિલાઓના જૂથને રોજગારી મળી છે. અત્યાર સુધીમાં આ મહિલાઓએ 3 હજારથી વધુ અગરબત્તીઓ બનાવી છે. પ્રારંભિક તબક્કે આ અગરબત્તીઓનું વિતરણ મનપાના વિવિધ વિભાગોમાં કરાશે. ત્યારબાદ, દિવાળીના તહેવાર નિમિત્તે સ્ટોલ લગાવીને તેનું વેચાણ કરવામાં આવશે. આ ‘અગરબત્તી પ્રોજેક્ટ’ દ્વારા જે ફૂલો ફેંકી દેવાતા હતા, તેની સુવાસ હવે લોકોના ઘરોમાં ફેલાશે. સાથે જ, સફાઈ કર્મી મહિલાઓને તેમની આવકમાં વધારો આપવા સાથે સમાજમાં એક નવી ઓળખ અને સન્માન પણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version