લક્ઝરી કાર બળીને ખાક, જાનહાની ટળી
નવસારી : નેશનલ હાઈવે નંબર 48 ઉપર ચીખલી સર્વિસ રોડ નજીક એક લક્ઝરી BMW S1 કારમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. જોકે, સમયસૂચકતાના કારણે કારચાલકનો આબાદ બચાવ થયો હતો.
BMW માં આગની ઘટના મુદ્દે હજી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી
મળતી માહિતી અનુસાર, નેશનલ હાઈવે 48 પર ચીખલી સર્વિસ રોડ ઉપરથી પસાર થતી એક BMW S1 લક્ઝરી કારમાંના આગળના બોનેટમાંથી અચાનક ધુમાડો ઉઠતા કારચાલક તરત જ સતર્ક થયો હતો અને કારને સાઈડમાં ઊભી રાખી, પોતે નીચે ઉતરી ગયો હતો. કારમાંથી ધુમાડો નીકળ્યાની ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કરી જોતજોતામાં આખી લક્ઝરી કાર બળીને ખાક થઈ ગઈ હતી. કારમાં આગ લાગતા હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. સદ્નસીબે, કારચાલક સમયસર નીચે ઉતરી ગયો હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ થતા ચીખલી પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગનું ચોક્કસ કારણ હજી જાણવા નથી મળ્યું, પણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. સમગ્ર મુદ્દે હાલ ચીખલી પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.