આસિફ, ઇમરાન અને સિદ્ધુ સિવિલમાં ખસેડાયા, ગ્રામ્ય પોલીસની તપાસ શરૂ
નવસારી : નવસારી શહેરમાં ફરી એકવાર ગેંગવોર જોવા મળી હતી. ગત રાત્રે 12 વાગ્યા આસપાસ વિરાવળ જતા રસ્તા પર, બોસ્ટન ટી સામે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. જેમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી એકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
રીઢા ગુનેગાર સિદ્ધુ થોરાટની ટોળકી અને અન્ય ગેંગ વચ્ચે થઈ હતી મારામારી
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગત રાતે રીઢા ગુનેગારો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના વિરાવળ નજીક બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલી માથાકૂટમાં બંને જૂથોએ રેમ્બો છરો સાથે ધારદાર હથિયારોથી એકબીજા ઉપર પ્રાણઘાતક વાર કરી મારામારી કરી હતી. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મારામારીમાં પંકાયેલો સિદ્ધુ થોરાટ, ઈમરાન શેખ અને આસિફને ઘાયલાવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આસિફની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
જૂની અદાવત અથવા વર્ચસ્વ માટે ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણ
વિવાવળના બોસ્ટન ટી સ્ટોલ પાસે થયેલ આ ખૂની મારમારી જૂની અદાવત અથવા વર્ચસ્વની લડાઈમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસે મારામારી મુદ્દે કાયદેસરની તપાસ શરૂ કરી છે. જ્યારે મોડી રાત્રે થયેલી આ મારામારીને કારણે વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ ચોપડે હજી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય અને પોલીસ ફરાર થયેલા આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરે એવી સંભાવના જોવાઈ રહી છે.
સિદ્ધુ થોરાટ અને તેની ટોળકીનું અગાઉ પોલીસે કાઢ્યું હતું સરઘસ
ઘાયલ થયેલો આરોપી સિદ્ધુ થોરાટ વિજલપોર વિસ્તારમાં રીઢો ગુનેગાર છે અને અગાઉ અનેકવાર મારમારી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. જેમાં મારામારીની અન્ય ઘટનામાં પોલીસે સિદ્ધુ અને તેના બે સાથીઓનો ગુનાના રિકંસ્ટ્રક્ષન કરવા સાથે કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.