દક્ષિણ-ગુજરાત

નવસારીમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

નવસારી તાલુકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો, રસ્તા થયા પાણી પાણી

નવસારી : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે નવસારીમાં બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ શરૂ થતા જન જીવન પ્રભાવિત થયું હતુ. નવસારી તાલુકામાં જ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસેલા માવઠાથી ડાંગર અને ચીકુના ખેડૂતોને માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો છે.

ભારે વરસાદથી ગણદેવી બજારમાં ‘નદી’ ના દ્રશ્યો

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે સવારથી નવસારી જિલ્લામાં કાળાંડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં બફારા સાથે ઉકળાટ પણ અનુભવાતો હતો. બપોર બાદ સાંજે 4 વાગ્યાથી નવસારી અને જલાલપોર તાલુકામાં શરૂ થયેલા કમોસમી ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યુ હતું. નવસારી શહેરના ગ્રીડ, કબીલપોર, જુનાથાણા, લુંસીકુઈ, ઇટાળવા અને સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ગણદેવી નગરના મુખ્ય બજારમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જાણે બજારમાંથી કોઈ નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

કમોસમી વરસાદને કારણે ડાંગર અને ચીકુના પાકને મોટું નુકસાન

કમોસમી વરસાદને કારણે નવસારીના ડાંગર અને ચીકુના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કારણ ખેતરોમાં હાલ ડાંગરની કાપણી થઈ રહી છે, જ્યારે કપાયેલી ડાંગર ખેતરમાં સુકવવા મુકી હતી એ ઘણી જગ્યાએ પલળી ગઈ હતી. જેને કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકશાનની સંભાવના વધી છે. ચીકુના પાકમાં પણ વરસાદ મોટી નુકશાની આપશે, કારણ ચીકુની પ્રથમ સીઝન લાભ પાંચમથી શરૂ થતી હોય છે, પણ કમોસમી વરસાદને કારણે ચીકુની સાઈઝ અને ઉત્પાદન ઉપર પણ અસર પાડી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવા પડશે.

સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં નવસારી તાલુકામાં 4 ઈંચ વરસાદ

નવસારીમાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો ભારે વરસાદે જન જીવનને પ્રભાવિત કર્યું હતું. જેમાં નવસારી તાલુકામાં સાંજે 4 થી રાતે 8 વાગ્યા સુધીમાં 106 મિમી એટલે કે 4.41 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જલાલપોર તાલુકામાં 46 મિમી (1.91 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે આન્યા તાલુકાઓમાં ખેરગામ તાલુકામાં 28 મિમી (1.16 ઈંચ), ચીખલી તાલુકામાં 23 મિમી (0.95 ઈંચ) અને ગણદેવીમાં 9 મિમી તથા વાંસદા તાલુકામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version