આરોગ્ય

હું તમારી નોકર નથી… અકળાયેલી ડોકટરે દર્દીના સગાને સંભળાવ્યુ

Published

on

નવસારી સિવિલ હોસ્પિટલમાં રજા મેળવવા મુદ્દે દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે બોલાચાલી

નવસારી : નવસારી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીએ રજા મેળવવા DAMA ફોર્મ ઉપર ડોક્ટરની સહીની જરૂર હતી, પણ અન્ય દર્દીની સારવારમાં વ્યસ્ત ડોક્ટર પાસે સહી લેવા જતા દર્દીના સગા અને જુનીયર ડોક્ટર વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં અકળાયેલી જુનિયર ડોકટરે હું તમારી નોકર નથી… સંભળાવ્યાનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ડોક્ટરને વર્તન ઉપર ધ્યાન રાખવા તાકીદ કરી છે.

જુનિયર ડોક્ટર અને દર્દીના સગા વચ્ચેની બોલાચાલીનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવસારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. નવસારીના જલાલપોરના 63 વર્ષીય ગોવર્ધન સાવલિયાને સુગર તેમજ પ્રેશરની સમસ્યાને કારણે લકવાનો એટેક આવતા, મધ્યમ વર્ગીય પરિવાર તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ગોવર્ધનભાઈનો બ્લડ રીપોર્ટ, એક્સ-રે, ECG કરવા સાથે સીટી સ્કેન પણ નિશુલ્ક કરાવડાવી સારવાર શરૂ કરી હતી, જેમાં તેમને 5 દિવસ સારવારની જરૂર હતી. પરંતુ કોઈક કારણસર ગોવર્ધનભાઈના પુત્ર તેમજ અન્ય સગાઓ તેમને સિવિલ હોસ્પિટલમાંથી રજા લઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા માંગતા હતા. ગોવર્ધન સાવલિયાને ડીસ્ચાર્જ અગેઈન્સ મેડીકલ એડવાઈઝ DAMA હેઠળ સિવિલ હોસ્પીટલે રજા આપી, જે ફોર્મ ઉપર ડોક્ટરની સહી જરૂરી હતી. જેથી ગત રોજ સાંજે ગોવર્ધનભાઈના સગા ઈમરજન્સી વોર્ડમાં સેવારત જુનિયર ડૉ. પ્રિયંકા ગુપ્તા પાસે સહી લેવા ગયા હતા. જ્યાં ડૉ. પ્રિયંકા અન્ય દર્દીને તપાસતા હતા, પણ ગોવર્ધનભાઈના સગાએ તેમની પાસે તાત્કાલિક સહી કરી આપવા દબાણ કર્યુ હતું. ડૉ. પ્રિયંકાએ થોડીવાર બાદ સહી કરવાનું કહ્યું, જેમાં ગોવર્ધનભાઈના સગાએ સહી માટે જીદ કરતા ડૉ. પ્રિયંકા સાથે ગોવર્ધન સાવલિયાના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં ડૉ. પ્રિયંકાએ અકળાઈને “ મારા ઉપર ગરમ નહી થાઓ, એ ભાઈ તમારી નોકર નથી, મેં… તમારી ઉંમરનો લીહાઝ કરૂ છું… મેં રજા આપવા ના નથી બોલી… મોટા ડોક્ટર આવ્યા તો તમે એમને વાત કેમ ન કરી… ડોક્ટર એમને જોઇને તો ગયા, ત્યારે એમને કહ્યું કેમ ની… કહીને બાદમાં રજા આપી હતી. જોકે જુનિયર ડૉ. પ્રિયંકા સાથે થયેલી બોલાચાલીને ગોવર્ધન સવાલિયાના સગાએ મોબાઈલમાં કંડારી તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ સિવિલ તંત્ર દ્વારા જુનિયર ડૉ. પ્રિયંકા ગુપ્તાને બોલાવી તેમને તેમની ગેરવર્તન મુદ્દે ટકોર કરી, ભવિષ્યમાં દર્દીઓ સાથે ધીરજ અને સંયમથી વર્તવાની તાકીદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version