Connect with us

દક્ષિણ-ગુજરાત

Blinkit દ્વારા પે આઉટમાં ઘટાડો કરાતા 60 થી વધુ ડિલીવરી કર્મચારીઓની હડતાળ

Published

on

સ્થાનિક મેનેજરને રજૂઆતો બાદ પણ ઉકેલ ન આવતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

નવસારી : નવસારી શહેરમાં લોકોના ઘરે ઘરે સમાન પહોચાડતી ઈ કોમર્સ કંપની Blinkit દ્વારા નવસારીમાં કામ કરતા ડિલીવરી કર્મચારીઓના પે આઉટમાં કિલોમીટર અનુસાર 3 રૂપિયા કે તેનાથી વધારે ઘટાડો કરી દેતા ડિલીવરી કર્મીઓએ મેનેજરને રજૂઆતો કરી હતી, પરંતુ બે મહિના વીતવા છતાં પણ કંપની દ્વારા કોઈ ઉકેલ ન લાવતા 60 થી વધુ ડિલીવરી કર્મચારીઓએ હડતાળ કરી ન્યાયની માંગ કરી હતી.

હડતાળ સામે Blinkit કંપની પણ અડગ, સુરતથી હંગામી ડિલીવરી કર્મીઓ બોલાવ્યા

ભારતમાં ખુબ ઝડપથી વિકાસ પામી રહેલી કરિયાણાથી લઇ નાનામાં નાની વસ્તુ પણ લોકોના ઘરે પહોંચાડનારી ઈ કોમર્સ કંપની Blinkit દ્વારા નવસારીમાં પણ પોતાની સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં છેલ્લા 11 મહિનામાં નવસારીમાં 60 થી વધુ ડિલીવરી કર્મચારીઓ જોડાયા છે. જેમને કંપની દ્વારા કિલોમીટર અનુસાર પ્રતિ ઓર્ડર પે આઉટ આપવામાં આવે છે. જેમાં લાંબા અંતરે પ્રતિ ઓર્ડર 15 રૂપિયા, જયારે નજીકની ડિલીવરીમાં પ્રતિ ઓર્ડર 12 રૂપિયા આપવામાં આવતા હતા. પરંતુ છેલ્લા થોડા મહિનામાં કંપની દ્વારા ડિલીવરી કર્મચારીઓના પે આઉટમાં 3 રૂપિયા કે તેથી વધુનો ઘટાડો કરતા કર્મચારીઓમાં નારાજી વ્યાપી હતી. પે આઉટ ઘટાડતા કર્મચારીઓને મહીને અંદાજે 10 હજાર જેટલાનું નુકશાન થઇ રહ્યું છે, જે મુદ્દે ડિલીવરી કર્મીઓએ સ્થાનિક મેનેજરને રજૂઆત કરી, તેમની વાત કંપનીના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી હતી. પરંતુ કંપની દ્વારા તેમની વાતને ધ્યાને ન લેતા આજે Blinkit માટે કામ કરતા 60 થી વધુ ડિલીવરી કર્મીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. સાથે જ કર્મચારીઓએ તેમનો પે આઉટ અગાઉ મુજબ કરવાની માંગ કરી હતી. બીજી તરફ ડિલીવરી કર્મીઓ હડતાળ પર ઉતર્યાની જાણ થતા જ કંપની દ્વારા સુરતથી ડિલીવરી કર્મચારીઓને પ્રતિ ઓર્ડર 100 રૂપિયા આપીને નવસારી બોલાવ્યા હતા. જેને લઈને સ્થાનિક કર્મચારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ મુદ્દે કંપની દ્વારા કોઈ સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હોવાની માહિતી મળી નથી.

અપરાધ

કોટનના ગાભાની આડમાં ટ્રકમાં સંતાડી લઇ જવાતો 61.92 લાખનો દારૂ પકડાયો

Published

on

By

નવસારી LCB પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી, બેને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે કોટન ગાભાની આડમાં સંતાડીને લઇ જવાતો 61.92 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂ ભરાવનાર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ભારાવાયો હતો, જેને વડોદરા તરફ લઇ જવાતો હતો

મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસને ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે, ગોવાથી એક ટ્રકમાં કોટનના ગાભાની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઇ જવાઈ રહ્યો છે, જે હાલમાં નેશનલ હાઈવે નં. 48 પરથી પસાર થઇ રહ્યો છે. જેને આધારે LCB પોલીસની ટીમે હાઇવે પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ગાભાના 50 પાર્સલ સંતાડેલ 61.92 લાખ રૂપિયાની વ્હીસ્કીની 41,280 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના માણકી ગામના 32 વર્ષીય ભગીરથરામ જાગુની ધરપકડ કરી, તેની કડકાઈથી પૂછપરછ કરતા દારૂનો જથ્થો રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોરના શ્રવણ બિશ્નોઈએ ભરાવી આપ્યો હતો. જયારે અન્ય એક અજાણ્યો પણ તેની સાથે સામેલ હતો. જેથી પોલીસે શ્રવણ સાથે બેને વોન્ટેડ જાહેર કરી, ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 20 લાખનો ટ્રક અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 81.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.  

Continue Reading

અપરાધ

સોમવારી બજાર નજીકથી રીક્ષા ચોરનાર પકડાયો

Published

on

By

ફરિયાદ નોંધતા જ પોલીસે ચોરાયેલી રીક્ષા પણ કબ્જે કરી

નવસારી : નવસારીના છાપરા ચાર રસ્તા નજીક ભરાતા સોમવારી બજાર નજીક પાર્ક કરેલી રીક્ષા ચોરી કરી ફરાર થયેલા ચોરને વિજલપોર પોલીસે બાતમીને આધારે ચોરાયેલી રીક્ષા સાથે પકડી પાડ્યો હતો.

રીક્ષા માલિક પત્ની સાથે સોમવારી બજારમાં ખરીદી કરવા ગયો અને રીક્ષા ચોરાઈ

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરના ફુવારા નજીક દાબુ હોસ્પિટલ નજીકમાં રહેતા ભીખુ નાયકાએ પોતાના જીવન નિર્વાહ માટે વર્ષ 2003 માં રીક્ષા લીધી હતી. છેલ્લા 23 વર્ષોથી રીક્ષા ચલાવતો ભીખુ ગત 19 જાન્યુઆરીના રોજ સાંજે તેની પત્ની સાથે શહેરના છાપરા ચાર રસ્તા પાસે ભરાતા સોમવારી બજારમાં ખરીદી કરવા ગયો હતો. ભીખુએ પોતાની રીક્ષા ચાર રસ્તા નજીક રસ્તાનાં કિનારે પાર્ક કરી હતી. બજારમાંથી ખરીદી કરીને બહાર આવ્યા બાદ ભીખુને રીક્ષા નહીં દેખાતા ચોરી થયાનું જણાયુ હતું. જેથી ભીખુ નાયકાએ વિજલપોર પોલીસ મથકે રીક્ષા ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ તપાસમાં જોતરાયેલી પોલીસે બાતમીને આધારે વિજલપોર વિસ્તારમાં નવદુર્ગા નગરમાં ભાડેથી રહેતા મૂળ મધ્યપ્રદેશના ૩૦ વર્ષીય સંદીપ બસદેવાને ચોરીની રીક્ષા સાથે પકડી, તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 12 હજાર રૂપિયાની રીક્ષા કબ્જે કરી આગળની તપાસ આરંભી છે.

Continue Reading

અપરાધ

2 કરોડ રૂપિયાની સાયબર ઠગીમાં સંકળાયેલો વોન્ટેડ ઠગબાજ પકડાયો

Published

on

By

ભારતનાં 15 થી વધુ રાજ્યોમાં 35 સાયબર છેતરપીંડીના ગુનાનો છે આરોપી

નવસારી : સાયબર જાળ ફેલાયા બાદ સોશ્યલ મીડિયા થકી લાખો લોકોને યેનકેન પ્રકારે ફસાવી સાયબર ઠગો કરોડો રૂપિયા ખંખેરી લે છે. ત્યારે તગડા કમીશનની લાલચે જરૂરીયાતમંદોના બેંક એકાઉન્ટ ભાડે લઇ 15 થી વધુ રાજ્યોમાં 35 સાયબર ગુનાઓને અંજામ આપી 2 કરોડ રૂપિયાની છેતરપીડીમાં વોન્ટેડ ભેજાબાજની બીલીમોરા પોલીસે ધરપકડ કરી હતી.

બીલીમોરાનાં 3 અને ગણદેવીનો 1 મળી કુલ 35 ગુનાઓનો ભેદ ઉકેલાયો

મળતી માહિતી અનુસાર, ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં સાયબર છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે. જેમાં ભેજાબાજો લોકોને હાઉસ એરેસ્ટ કરી અથવા શેર માર્કેટમાં રોકાણ કરાવવાની લાલચ સહિત અનેક તિકડમ લગાવી તેમના બેંક એકાઉન્ટમાંથી લાખો અથવા કરોડો રૂપિયા કઢાવી લેતા હોય છે. પરંતુ આ સાયબર ઠગી કરવા માટે ગુનેગારોએ ભારતના નાના મોટા દરેક શહેરોમાં જરૂરીયાતમંદોના બેંક એકાઉન્ટ મેળવવા જાળ પાથરી છે. ગુનેગારોની જાળમાં ફસાયેલા બેંક એકાઉન્ટ ધારકોના એકાઉન્ટનો ઉપયોગ કરી, સાયબર ઠગબાજો છેતરપીંડી કરી કરોડો રૂપિયા ગજવે ઘાલી જાય છે. સાયબર ઠગોને પકડવા માટે ભારત સરકારે ઓપરેશન મ્યુલ હન્ટ છેડ્યુ છે, જેમાં આવા ભાડે આપેલા એકાઉન્ટને શોધીને સાયબર ગુના સાથે સંકળાયેલા બદમાશોને પકડવામાં આવી રહ્યા છે. બીલીમોરા પોલીસે પણ બીલીમોરા પોલીસ મથકે નોંધાયેલા 3 અને ગણદેવી પોલીસ મથકે નોંધાયેલા એક સાયબર છેતરપીંડીનાં ગુનામાં વોન્ટેડ આરોપી સુરજીતસીંગ હરદેવસીંગ લબાનાની ધરપકડ કરી, સાયબરની દુનિયામાં આચરેલા 2 કરોડની છેતરપીંડીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

બીલીમોરાનો ઠગ મધ્યપ્રદેશ અને બિહારના તેના આકાઓને આપતો હતો બેંક એકાઉન્ટ

પોલીસ પકડમાં આવેલ સુરજીતસિંગ સાયબર ઠગોના હાથની કઠપુતળી હોવાનું સામે આવ્યું છે. સુરજીતસિંગ મધ્યપ્રદેશ અને બિહારમાં બેઠેલા તેના આકાઓના ઇશારે કમીશન ઉપર બેંક એકાઉન્ટ ભાડે લેતો હતો. જયારે તેને પણ બેંક એકાઉન્ટ ભાડે અપાવવા બદલ તગડું કમીશન મળતું હતું. સુરજીતસિંગ પકડાતા જ બીલીમોરા શહેરના ત્રણ અને ગણદેવીનો એક ગુના સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કશ્મીર, તાલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામીલનાડુ, કેરળ અને દિલ્હી જેવા 15 થી વધુ રાજ્યોમાં 35 સાયબર ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું ખુલ્યું છે. આ ગુનાઓમાં સુરજીતસિંગે અદાજે 2 કરોડની સાયબર ઠગીને અંજામ અપાવ્યો હતો. જેમાં ભાડેના એકાઉન્ટમાં રૂપિયા મેળવ્યા બાદ, તેમાંથી પોતાનું કમીશન કાઢી લઇ બાકીની રકમ તેના આકાઓ સુધી પહોંચાડતો હવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Continue Reading
Advertisement

Trending