પોલીસે 9,500 રૂપિયાનો મોબાઈલ કબ્જે લીધો
નવસારી : નવસારીના બીલીમોરા શહેર નજીક બીલીમોરા ITI માંથી વર્ષ 2023 માં મોબાઇલ ફોન ચોરનારા ચોરને બીલીમોરા પોલીસે ટેકનીકલ સર્વેલન્સને આધારે સુરતના ખટોદરા ખાતેથી ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો.
આરોપી ખટોદરાની નિલકંઠ ક્રિએશનમાં રહેતો હતો
મળતી માહિતી અનુસાર, નવસારી તાલુકાના નાગધરા ગામે પારસી ફળિયામાં રહેતા ભાવનાબેન પટેલે તેમના દીકરા ચિરાગ પટેલને તેના ભણતરમાં ઉપયોગી થાય અને તેની સાથે સંપર્ક બની રહે એ માટે મોબાઈલ ફોન અપાવ્યો હતો. ચિરાગ બીલીમોરાના આંતલિયા સ્થિત ITI ખાતે ડીઝલ મિકેનિકનો કોર્ષ કરતો હોવાથી રોજના અપડાઉન કરતો હતો. ગત 9 ડિસેમ્બર, 2023 નાં રોજ ચિરાગના જેકેટમાં મુકેલ મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોરી ફરાર થયો હતો. મોબાઈલ શોધ્યા બાદ પણ ન મળતા ભાવનાબેને સિટીઝન પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી, ત્યારબાદ બીલીમોરા પોલીસ મથકે ગત 14 ડિસેમ્બર, 2023 નાં રોજ મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. બીલીમોરા પોલીસે મોબાઈલ ટેકનીકલ સર્વેલન્સને આધારે શોધવાના પ્રયાસો કર્યા હતા, જેમાં 2 વર્ષે પોલીસને સફળતા મળી છે. બીલીમોરા પોલીસના PC નીલેશ રતિલાલ અને PC અર્જુન હર્ષદભાઈને મળેલ સંયુક્ત બાતમીને આધારે સુરતના ખટોદરા સ્થિત નાથુભાઈ કંપાઉંડમાં આવેલી નિલકંઠ ક્રિએશનમાં કામ કરવા સાથે ભાડે રહેતા મનોજ રાજુકમાર પ્રસાદને ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી, તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી મનોજ પાસેથી ભાવનાબેન પટેલનો ચોરાયેલ મોબાઈલ ફોન કબ્જે લઇ આગળની તપાસને વેગ આપ્યો છે.