અપરાધ

શાકભાજીની આડમાં લાખોનો વિદેશી દારૂ ભાવનગર લઇ જતા પીકઅપ સાથે ચાલક પકડાયો

Published

on

પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર લાલાને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નેશનલ હાઈવે નં.. 48 પર બોરીયાચ ટોલનાકા નજીકથી LCB પોલીસે બાતમીને આધારે શાકભાજીની આડમાં 4.62 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ પીકઅપ સાથે ભાવનગરના ચાલકની ધરપકડ કરી, દારૂ મંગાવનાર અને ભરાવનાર ભાવનગર જિલ્લાના ત્રણ લાલાને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસે ઘટના સ્થળેથી કુલ 9.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબ્જે

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી રોજના લાખો રૂપિયાનાં વિદેશી દારૂનાં જથ્થાની હેરાફેરી થતી હોય છે. ત્યારે નવસારી LCB પોલીસની ટીમના ASI દિગ્વિજયસિંહ જગતસિંહ અને ASI લલિત અશોકભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક સફેદ રંગની પીકઅપમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે. જેને આધારે નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકાની ઉત્તરે LCB પોલીસની ટીમે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો પીકઅપ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાં શાકભાજીનાં પોટલાઓની પાછળ સંતાડેલ 4.62 લાખ રૂપિયાનો વ્હીસ્કીની 1824 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ, પીકઅપ ચાલક અને ભાવનગર જિલ્લાના પાલીતાણાના નાની રાજસ્થળી ગામના 22 વર્ષીય રોહિત અશોક પાંગળની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન પીકઅપની આગળ પાલીતાણાનો લાલો પાયલોટીંગ કરી રહ્યો હતો. જયારે દારૂનો જથ્થો પાલીતાણાનાં લાલાએ ભરાવી આપ્યો હતો અને પાલીતાણાના ગારીયાધારના લાલાએ દારૂ મંગાવ્યો હતો. જેથી પોલીસે ત્રણેય લાલાને વોન્ટેડ જાહેર કરી, ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 5 લાખ રૂપિયાનો પીકઅપ અને 10 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 9.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી, ગ્રામ્ય પોલીસને તપાસ સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version