નવસારી LCB પોલીસે વેશ પલટો કરી આરોપીને હરિયાણાના બજારમાંથી દબોચી લીધો
નવસારી : નવસારી LCB પોલીસને મોટી સફળતા મળી છે, ફરાર આરોપીઓને શોધવા માટે પ્રયાસરત પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ત્રણ ચાર દિવસ સુધી હરિયાણાના પલ્લાના બજારમાં વેપારી બનીને 25 વર્ષ અગાઉ નવસારી સબજેલની ઉંચી દિવાલ કૂદીને ભાગી છુટેલા લૂટ અને આર્મ્સ એક્ટનાં આરોપીને દબોચી, તેની ધરપકડ કરી હતી. આરોપી સામે વલસાડ અને નવસારી જિલ્લામાં કુલ 4 ગુનાઓ નોંધાયા હતા.
આરોપી પીન્ટુસીંગ અન્ય બે સાથીઓ સાથે વર્ષ 2000 માં થયો હતો ફરાર

મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના પૈકોલી ખાતે રહેતા શશીભૂષણ ઉર્ફે સતભૂષણ ઉર્ફે પીન્ટુસીંગ તપેબહાદૂર રાજપૂતે પોતાના સાથીઓ સાથે વર્ષ 1999 માં વલસાડ જિલ્લાના પારડી, ઉંમરગામ અને વલસાડ ગ્રામ્ય તથા નવસારી જિલ્લાના ટાઉન પોલીસ મથક વિસ્તારમાં લૂટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનાઓને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં પીન્ટુસીંગ સાથે ટોળકીના અન્ય બે મળી કુલ ત્રણની પોલીસે ધરપકડ કરી, નવસારી સબજેલમાં પૂર્યા હતા. કાચા કામના કેદી તરીકે સજા કાપતા પીન્ટુસીંગ તેમજ તેના સાથીદારોએ જેલમાંથી ભાગવાનો પ્લાન બનાવ્યો અને જેને આધારે હેકસો બ્લેડ મેળવી, ત્રણેય જણાએ વર્ષ 2000 માં સબજેલના બાથરૂમની બારીના સળિયાને હેકસો બ્લેડથી કાપી, બહાર નીકળી જેલની ઉંચી દિવાલની ઇલેક્ટ્રિક ફેન્સીંગ ઉપર ચાદર નાંખીને દિવાલ કૂદી ભાગી છૂટ્યા હતા. જેલમાંથી ભાગીને આરોપીઓ મધ્યપ્રદેશના ભુસાવળ સુધી અંદાજે 350 કિમી પગપાળા ચાલ્યા હતા અને ત્યાંથી અલગ થઇ પોતપોતાની દિશામાં પહોંચ્યા હતા. સાથીદારોથી અલગ પડી પીન્ટુસીંગ બેંગલોર અને ત્યાંથી કેરાલા પહોંચ્યો હતો. થોડા વર્ષો ત્યાં રહ્યા બાદ કેરાલાથી દિલ્હી અને દિલ્હી થોડો સમય રહ્યા બાદ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના પલ્લા ખાતે રહી રંગકામ કરીને જીવન વ્યતીત કરી રહ્યો હતો.
ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટલીજન્સની મદદથી પોલીસે પીન્ટુસીંગનું પગેરૂ શોધ્યુ
નવસારી LCB પોલીસની ટીમે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઈંટલીજંસની મદદથી જેલ ફરારી આરોપી પીન્ટુસીંગનું પગેરૂ શોધી કાઢ્યું હતુ. પરંતુ 25 વર્ષો થવાથી પીન્ટુને ઓળખવું થોડું મુશ્કેલ હતું. નવસારી LCB ના સબ ઇન્સ્પેક્ટર બી. સી. ગઢવી અને ટીમ ફરીદાબાદ પહોંચી હતી. જ્યાં તેને પકડવા માટે પોલીસે સ્થાનિક વેપારીઓનો વેશ ધારણ કર્યો હતો. પોલીસે પલ્લાની શની માર્કેટમાં સ્વેટર વેચાણ, રીક્ષા ચાલક, ફ્રૂટની લારી, ફાસ્ટફૂડની લારી અને મુસાફર બનીને પીન્ટુસીંગ માટે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન શની માર્કેટમાં આરોપી પીન્ટુસીંગ આવતા જ પોલીસે તેને ઘેરીને દબોચી લીધો હતો. બાદમાં તેને ફરીદાબાદથી નવસારી લાવી, ધરપકડ કરી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો.