સુરતથી દેશી બંદૂક લઇ પરિવાર સાથે લેવાનો હતો બદલો
નવસારી : નવસારીના ઘેલખડી સ્થિત તળાવ નજીકથી દેશી બંદૂક લઇને પરિવારના સગીર ઉપર હુમલો કરવાની ફિરાકમાં આવેલા યુવાનને સ્થાનિક લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો હતો. SOG પોલીસે આરોપિત યુવાનની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
યુવાનને બંદૂક સાથે જોઈ સ્થાનિકોએ પકડી બાંધી દીધો, પોલીસને સોંપ્યો
નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘેલખડીના જય મામાદેવ મંદિર પાછળ આવેલ તળાવ નજીક જીવતા કારતૂસ ભરેલી દેશી હાથ બનાવટની બંદૂક લઇને ફરતો યુવાન પોતાના પરિવારના જ સગીરને મારવાના ઈરાદે દુકાનમાં ઘુસી જતા સ્થાનિકોએ તેને તાત્કાલિક પકડી પાડ્યો હતો. લોકોએ યુવાનને પકડી, તેની પાસેથી બંદૂક લઇ લીધા બાદ તેને બાંધી દીધો હતો અને નવસારી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચેલી SOG પોલીસની ટીમે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ નવસારીમાં ભાડેના મકાનમાં રહેતા શિવન પ્રસાદની ધરપકડ કરી હતી. પોલીસે શિવન પાસેથી કારતૂસ, બંદૂક અને મોબાઈલ ફોન મળી કુલ 10,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, જલાલપોર પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જયારે આરોપી શિવનને નવસારી કોર્ટમાં રજૂ કરી, એક દિવસના રિમાન્ડ મેળવી તપાસને વેગ આપ્યો છે.
પરિવારજનોએ માર માર્યો હતો, જેથી બદલો લેવાની મંશાએ પરત નવસારી આવ્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી શિવનને પરિવારજનોએ કોઈક વાતે માથાકૂટ થતા માર માર્યો હતો. જેનો બદલો લેવા તેણે સુરતથી દેશી બનાવટની બંદૂક જીવતા કારતૂસ સાથે ખરીદી હતી. જોકે શિવન કોઈ ઘટનાને અંજામ આપે એ પૂર્વે જ પોલીસના હાથે પકડાયો હતો. ત્યારે શિવનની કરતૂતથી પરિવાર પણ હેબતાઈ ગયો હતો, જયારે આ ઘટના સમાજ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે.