ગુજરાત

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના માટે પોર્ટલ ફરી ખુલ્લું મુકાયુ

Published

on

સ્કોલરશીપ યોજનાના બાકી રહેલ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને ચોઈસ ફીલિંગની અંતિમ તક

ગાંધીનગર : ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના’ અમલી બનાવવામાં આવી છે. જેમાં વર્ષ 2025-26 માટેની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા, પરંતુ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે http://gssyguj.in પોર્ટલ 15 જાન્યુઆરી, 2026 સુધી ફરી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં સમાવેશ ન થયો હોય, રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ કરી શકશે અરજી

જે વિદ્યાર્થીઓએ ગત 12 એપ્રિલ, 2025 ના રોજ લેવામાં આવેલી પરીક્ષા આપી હોય, પ્રથમ કામચલાઉ (Provisional) મેરીટ યાદીમાં સમાવેશ થયો હોય, પરંતુ પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં સમાવેશ ન થયો હોય તેમજ રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગની કામગીરી બાકી રહી ગઈ હોય તેવા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત આગામી 15 જાન્યુઆરી, 2026 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય મેળવવાની વધુ એક તક મળશે. ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના’ અંતર્ગત કુલ 25000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનું લક્ષ્ય છે, જેમાં ખાલી રહેલી બેઠકોમાં આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આગામી 15 જાન્યુઆરી, 2026 સુધી http://gssyguj.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં પોર્ટલ ઉપર  ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી જરૂરી આધાર-પુરાવા અપલોડ કરવાના રહેશે. રજીસ્ટ્રેશન માટેની વિગતવાર માર્ગદર્શિકા અને સૂચનાઓ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્કોલરશીપ યોજના અંગેની અપડેટ્સ મેળવવા માટે સમયાંતરે પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version