કૃષિ

ગણદેવીના વલોટી ગામેથી કદ્દાવર દીપડો પાંજરે પુરાયો

Published

on

વન વિભાગે ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચે માદા દીપડો ફસાયો

નવસારી : નવસારીના ગણદેવી તાલુકાના વલોટી ગામના કાઢણીયા વિસ્તારમાંથી આજે વહેલી સવારે એક કદ્દાવર માદા દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે દીપડાનો કબ્જો લઈ, તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.

થોડા દિવસોથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં હતો ભયનો માહોલ

નવસારી જિલ્લામાં શેરડીની કાપણી શરૂ થતા દીપડા દેખાવની ઘટના સામાન્ય બની રહી છે. જિલ્લામાં થોડા દિવસોના આંતરે દીપડો પાંજરે પુરાયો હોવાના સમાચાર સામાન્ય થયા છે. ત્યારે આજે મળસ્કે નવસારીના ગણદેવી તાલુકાના વલોટી ગામના કાઢણીયા વિસ્તારમાંથી એક કદ્દાવર માદા દીપડો પાંજરે પુરાયો હતો. વલોટી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. ગ્રામજનોએ ગણદેવી વન વિભાગને જાણ કરતા ગામના કાઢણીયા વિસ્તારમાં મારણ સાથે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે શિકારની લાલચમાં એક માદા દીપડો ફસાયો હતો. દીપડાની દહાડ સાંભળી ગ્રામજનો પાંજરા પાસે ભેગા થતા, પાંજરામાં દીપડો જણાયો હતો. વન વિભાગને દીપડો પાંજરે પુરાયાની જાણ થતા પાંજરા સાથે દીપડાનો કબ્જો લઈ, તેની આરોગ્ય તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. સાથે જ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ દીપડાને જંગલમાં છોડવાની તૈયારી કરાશે. ઉલ્લેખનિય છે કે, માદા દીપડો પકડાતા વિસ્તારમાં અન્ય દીપડા હોવાની પણ લોકોમાં ચર્ચા ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version