અપરાધ

ચોરીની બાઈક સાથે બે રીઢા ચોર વાઘરેચ પુલ પરથી પકડાયા

Published

on

બંને ચોરટાઓ સામે ભૂતકાળમાં કુલ 11 ગુનાઓ નોધાયા હોવાનું ખુલ્યુ

નવસારી : નવસારીના બીલીમોરા શહેર નજીક વાઘરેચ પુલ પરથી બે દિવસ અગાઉ ચોરાયેલી બાઈક સાથે બીલીમોરા પોલીસે બે રીઢા ચોરોને પકડી પાડ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ સામે ભૂતકાળમાં 11 ગુનાઓ નોંધાયા હોવાનું ખુલ્યુ હતું.  

પોલીસે 6૦ હજાર રૂપિયાની બાઈક કબ્જે કરી

મળતી માહિતી અનુસાર, બીલીમોરા પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, બે શંકાસ્પદ ઇસમો શહેર નજીક આવેલા વાઘરેચ પુલ પાસે ફરી રહ્યા છે. જેથી તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાઈક ઉપર ફરી રહેલા બે શંકાસ્પદ ઈસમોને રોકી પૂછપરછ કરતા તેમની પાસેની બાઈક ચોરીની હોવાનું ખુલ્યુ હતું. જેથી પોલીસે બંનેને અટકમાં લઇ કડકાઈથી પૂછપરછ કરતા તેમણે ગત ગુરૂવારે વાઘરેચ પુલ પરથી જ બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેમાં ગણદેવી તાલુકાના ગોયંદી ગામે વચલા ફળિયામાં રહેતો 25 વર્ષીય હાર્દિક પટેલ ગત ગુરૂવારે મોડી સાંજે પોતાની બાઈક લઇને વાઘરેચ પુલ ઉપર આંટો મારવા ગયો હતો. જ્યાં પુલ ઉપર બાઈક પાર્ક કરી, ચાલતા ચાલતા થોડે આગળ ગયો અને પરત ફર્યો ત્યાં તેની બાઈક ચોરી થઇ હોવાનું જણાયુ હતું. સમગ્ર મુદ્દે હાર્દિકે બીલીમોરા પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં જોતરાઈ હતી. જેમાં બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરતા પોલીસને સફળતા મળી અને આજે બાતમીને આધારે ચોરાયેલી હાર્દિકની બાઈક સાથે પકડી પાડ્યા હતા. પોલીસે વડોદરાના તાંદલજા રોડ સ્થિત ખ્વાજા ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય મોહસીન હાજી કડીવાલા અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશનની બહાર ફૂટપાથ પર રહેતા 40 વર્ષીય માનસિંહ ઉર્ફે મની હનીફસિંહની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમની સામે વડોદરા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં વિવિધ ધારાઓ હેઠળ કુલ 11 ગુનાઓ નોંધાયા હોવાનું જણાયુ હતું. સમગ્ર મુદ્દે બીલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડાએ તપાસને વેગ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version