અપરાધ

નવસારીમાં રખડતા શ્વાનને ક્રુરતાપૂર્વક મારનારા યુવાનની ધરપકડ  

Published

on

સોસાયટીમાં રખડતા શ્વાનને નિર્દયતાથી મારતો, પાડોશી મહિલાએ કરી પોલીસ ફરિયાદ

નવસારી : નવસારી શહેરમાં રખડતા શ્વાનની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. શેરી, ગલી, મોહલ્લા અને સોસાયટીમાં રખડતા શ્વાન ઘણા લોકોને ગમતા નથી, જયારે કેટલાક લોકો શ્વાન પ્રત્યે પ્રેમ રાખે છે. શહેરના પશ્ચિમ વિસ્તારની ક્રિશ્ના પાર્ક સોસાયટીમાં પણ આવી જ ઘટના સામે આવી, જ્યાં એક યુવાને શ્વાનને ક્રુરતાપૂર્વક મારતા પશોશી જીવદયા પ્રેમી મહિલાએ પોલીસ ફરિયાદ કરતા, યુવાને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.

યુવાને ગલુડીયાને નિર્દયતાથી મારી તેના બે પગમાં ફેકચર કર્યુ, મહિલાએ કરાવી સારવાર

નવસારી શહેરમાં રખડતા શ્વાનને નિર્દયતાથી મારવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારની ક્રિશ્ના પાર્ક સોસાયટીમાં રહેતા જીવદયા પ્રેમી રીટાબેન ઓધવજી સાપરિયા પોતાના ઘર આસપાસ ફરતા રખડતા શ્વાનની કાળજી કરી, તેમના માટે પીવાનું પાણી, દૂધ તેમજ અન્ય ખાવાની સામગ્રી આપતા રહે છે. જેના કારણે તેમની ગલીમાં શ્વાન વધુ આંટાફેરા મારે છે. પરંતુ તેમની પડોશમાં રહેતા લોકોને શ્વાનના આંટાફેરા અને શ્વાન દ્વારા રસ્તામાં કરવામાં આવતી ગંદકી પસંદ નથી. જેથી રીટાબેન અને તેમના પડોશીઓ વચ્ચે શ્વાનના મુદ્દે અનેકવાર ઝઘડા થયા કરે છે. દરમિયાન ગત 1 જાન્યુઆરી, 2026 ના રોજ રીટાબેન એક બીમાર શ્વાનની સારવાર કરાવી, બપોરે ઘરે પરત ફર્યા તો એક નાનું ગલુડિયું લોહીલુહાણ હાલતમાં પડેલું જણાયું. પૂછપરછ કરતા પડોશના રવિ ટંડેલે તેને નિર્દયતાપૂર્વક મારી અધમુવુ કરી મુક્યુ હતુ. જેથી તેઓ રવિને કહેવા જતા તેણે રીટાબેન સાથે ઝઘડો કર્યો અને તમારાથી થાય એ કરી લેજો કહ્યુ હતું. બાદમાં રીટાબેન ઘયાલ શ્વાનને એરૂ સ્થિત કૃષિ યુનીવર્સીટીની વેટરનરી હોસ્પિટલમાં લઇ ગયા, જ્યાં સારવાર દરમિયાન ગલુડીયાના બે પગમાં ફેકચર હોવાનું જણાયુ હતું. જેથી તેને પ્લાસ્ટર કરાવી, રીટાબેન ઘરે લઇ આવ્યા હતા. એજ દિવસે સાંજના સમયે ફરી સોસાયટીમાં શ્વાનનાં રડવાના અવાજ આવતા રીટાબેને જોયું તો રવિ ટંડેલ ક્રૂરતા પૂર્વક અન્ય શ્વાનને મારી રહ્યો હતો. જેથી આટલી ક્રૂરતા પૂર્વક શું કામ મારો છો..? પ્રશ્ન કરતા ફરી રવિએ તેમને ધમકીભર્યા અવાજે “ હું તો કુતરાને મારીશ જ, મારા ઘરે કહેવા માટે આવવું નહીં, તેમજ તારાથી થાય એ કરી લેજે કહી ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યુ હતુ. જેથી કંટાળેલા રીટાબેન નવસારી ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા અને પડોશી રવિ ટંડેલ વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને અન્ય ધારાઓ હેઠળ ફરિયાદ નોંધી, આરોપી રવિ ટંડેલની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version