આરોપીઓ દારૂ ભરેલ થેલાઓ સાથે વાહનની રાહ જોતા ઉભા હતા
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર ગણદેવીની ખારેલ ચોકડી પાસે થેલીઓમાં ભરેલ વિદેશી દારૂના જથ્થા સાથે વાહનની રાહ જોતા ઉભેલા બે મહિલા સહિત ત્રણને ગણદેવી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી, ત્રણેયની ધરપકડ કરી હતી. જયારે દમણ અને નવસારીના બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આરોપીઓ દમણથી થેલીઓમાં વિદેશી દારૂ ભરી વેચવા માટે લાવ્યા હતા
મળતી માહિતી અનુસાર, નવસારીની ગણદેવી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન HC રામજી ગયાપ્રસાદ અને HC યોગેશ ઠાકોરભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે નં. 48 પર ગણદેવીના ખારેલ ચોકડી પાસે ખારેલ ઓવરબ્રિજ નીચે બે મહિલાઓ અને એક પુરૂષ વિદેશી દારૂનો જથ્થો ભરેલ થેલીઓ સાથે ઉભા છે. જેથી પોલીસ ટીમ તાત્કલિક મહિલા પોલીસને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં રસ્તાનાં કિનારે વાહનની જોતા નવસારીના ટેકનીકલ હાઈસ્કૂલની સામે રહેતી 66 વર્ષીય ફરહાના અબ્બાસ શેખ અને 56 વર્ષીય સરોજ ભાનુ પટેલ સુરતના ઉન પાટિયા પાસે તિરૂપતિનગર ખાતે રહેતા 65 વર્ષીય જયશેન લક્ષ્મણ દાલાબહેરા સાથે દારૂના થેલા સાથે ઉભા હતા. પોલીસે ત્રણેયની અટક કરી, તેમની પાસેની થેલીઓ તપાસતા તેમાંથી 2.51 લાખ રૂપિયાની વ્હીસ્કી, રમ અને ટીન બીયરની કુલ 798 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ફરહાના શેખ, સરોજ પટેલ અને જયશેન દાલાબહેરાની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં વિદેશી દારૂ ભરેલ થેલીઓ અજાણ્યા વ્યક્તિ પાસેથી મેળવી હતી, જેને પોતે વેચવા માટે લાવ્યા હતા, જયારે પોલીસે દમણના અજાણ્યા સાથે નવસારીના કબીલપોરના કુમાર પેરાશ્વારીને વોન્ટેડ જાહેર કરી ગણદેવી પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ PSI પી. ડી. લુણસરને સોંપી છે.