પોરબંદરનો બુટલેગર મેરૂ ખુંટી અને તેના બે સાગરીતો વોન્ટેડ
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે 73.45 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે પોરબંદરનો મેરૂ ખુંટી સહિત સેલવાસથી ટ્રકમાં દારૂ ભરી લાવનાર અને જુનાગઢના અજાણ્યાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે ઘટના સ્થળેથી કુલ 83.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન HC મહેન્દ્રસિંહ નારાયણસિંહ તેમજ PC અર્જુન હર્ષદભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક વિદેશી દારૂ ભરેલ ટ્રક મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પરથી પસાર થઇ રહ્યો છે, જેથી પોલીસે હાઈવે પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમીવાળો ટ્રક આવતા જ પોલીસે તેને અટકાવી, ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી 73.45 લાખ રૂપિયાની વ્હીસ્કી અને રમની કુલ 14,712 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટ્રક ચાલક અને પોરબંદરના ખાપટ વિસ્તારમાં વાળંદ સોસાયટીની બાજુમાં રહેતા 35 વર્ષીય લખમણ વેજા ખુંટીની ધરપકડ કરી હતી. આરોપી લખમણની પૂછપરછમાં દારૂ ભરેલ ટ્રકનો માલિક મેરૂ ઉર્ફે રામદેવ ઓધડ ખુંટી છે, જેણે સેલવાસ કોલેજ ખાતેથી તેના માણસને ટ્રક આપી વિદેશી દારૂ ભરાવ્યો હતો. જયારે મેરૂ દારૂ ભરેલ ટ્રકની આગળ એક કારમાં પાયલોટીંગ કરી રહ્યો હતો. જયારે દારૂનો જથ્થો જુનાગઢ ખાતેના અજાણ્યા વ્યક્તિએ મેરૂ ખુંટી પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જેથી પોલીસે મેરૂ ખુંટી સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 10 લાખ રૂપિયાની ટ્રક અને 15 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળીને કુલ 83.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી તપાસને વેગ આપ્યો છે.