પોલીસે વલસાડના પારડી અને દમણના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર દમણથી સુરત તરફ વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર પસાર થવાની બાતમીને આધારે ચીખલી પોલીસે બલવાડા ઓવરબ્રિજ નીચેથી 2.71 લાખ રૂપિયાનો દારૂ ભરેલ કાર સાથે બેની ધરપકડ કરી હતી. જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસે ઘટના સ્થળેથી 5.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારીની ચીખલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન HC મહેન્દ્ર નેભાભાઈ અને PC અલ્પેશ ધરમશીભાઈ ને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, દમણથી વિદેશી દારૂ ભરેલ કાર વલસાડથી ચીખલી તરફ આવી રહી છે. જેને આધારે પોલીસે ચીખલીના બલવાડા ઓવરબ્રિજ નીચેથી સર્વિસ રોડ ઉપર નાકાબંધી કરી હતી. દરમિયાન દારૂ ભરેલ કાર આવતા પોલીસે તેને અટકાવી, તપાસ કરતા 2.71 લાખ રૂપિયાની વ્હિસ્કી, બીયરની કુલ 1632 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક અને વલસાડના પરિયા ગામે રહેતા જીગ્નેશ ઉર્ફે પિન્ટુ પટેલ અને બાલદા GIDC ખાતે રહેતા અનિકેત છેત્રીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની પૂછપરછમાં દારૂનો જથ્થો પારડીમાં મેહુલ ઉર્ફે બોખો અને તેના સાગરીતે ભરાવી આપ્યો હતો. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે ઘટના સ્થળેથી દારૂ, કાર અને મોબાઈલ ફોન્સ મળીને કુલ 5.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ચીખલી પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.