પોલીસની નાકાબંધી જોઈ, ચાલક ટેમ્પો છોડીને ભાગવામાં રહ્યો સફળ
નવસારી : નવસારીના આંતરિક માર્ગો પરથી રોજના લાખોના વિદેશી દારૂની હેરાફેરી થાય છે, જેને રોકવા નવસારી LCB પોલીસની ટીમ સતત કાર્યરત રહે છે, જેમાં આજે પોલીસને મળેલ બાતમીને આધારે ચીખલીના સાદડવેલ ચાર રસ્તાથી થોડે દૂરથી 4.01 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. જયારે ટેમ્પો ચાલક ટેમ્પો છોડી ભાગવામાં સફળ રહ્યો હતો.
પોલીસે ઘટના સ્થળેથી 7.01 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે પ્રયત્નશીલ હતી, ત્યારે HC બ્રિજેશ સતીશચંદ્ર અને PC તાહીરઅલી શાહબુદ્દીનને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક સફેદ રંગનો પીકઅપ ટેમ્પો નાનાપોંઢાથી ધરમપુર થઇ નવસારીના વડપાડા, રૂમલાથી રાનકુવા થઇને આગળ જવાનો છે. જેને આધારે LCB પોલીસની ટીમે ચીખલીના પાણીખડકથી રાનકુવા માર્ગ પર સાદડવેલ ગામના ચાર રસ્તા પાસે દારૂ ભરેલ ટેમ્પોને પકડવા નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા જ પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટેમ્પો ચાલકે ટેમ્પો સ્પીડમાં ભગાડી દીધો હતો અને પકડાઈ જવાની બીકે ૩૦૦ મીટર આગળ જઈ ઉભો રાખી, ચાલક ટેમ્પો છોડીને આંબાવાડી વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટેમ્પોમાંથી 4.01 લાખ રૂપિયાની વ્હીસ્કી, વોડકા અને બીયરની કુલ 1248 બાટલીઓ મળતા તેને કબ્જે કરી, ટેમ્પો સાથે કુલ 7.01 લાખનો મુદ્દામાલ કબ્જે કરી, ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. જયારે ચીખલી પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી તપાસને વેગ આપ્યો છે.