અપરાધ

2 કરોડ રૂપિયાની સાયબર ઠગીમાં સંકળાયેલો વોન્ટેડ ઠગબાજ પકડાયો

Published

on

ભારતનાં 15 થી વધુ રાજ્યોમાં 35 સાયબર છેતરપીંડીના ગુનાનો છે આરોપી

નવસારી : સાયબર જાળ ફેલાયા બાદ સોશ્યલ મીડિયા થકી લાખો લોકોને યેનકેન પ્રકારે ફસાવી સાયબર ઠગો કરોડો રૂપિયા ખંખેરી લે છે. ત્યારે તગડા કમીશનની લાલચે જરૂરીયાતમંદોના બેંક એકાઉન્ટ ભાડે લઇ 15 થી વધુ રાજ્યોમાં 35 સાયબર ગુનાઓને અંજામ આપી 2 કરોડ રૂપિયાની છેતરપીડીમાં વોન્ટેડ ભેજાબાજની બીલીમોરા પોલીસે ધરપકડ કરી હતી.

બીલીમોરાનાં 3 અને ગણદેવીનો 1 મળી કુલ 35 ગુનાઓનો ભેદ ઉકેલાયો

મળતી માહિતી અનુસાર, ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં સાયબર છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે. જેમાં ભેજાબાજો લોકોને હાઉસ એરેસ્ટ કરી અથવા શેર માર્કેટમાં રોકાણ કરાવવાની લાલચ સહિત અનેક તિકડમ લગાવી તેમના બેંક એકાઉન્ટમાંથી લાખો અથવા કરોડો રૂપિયા કઢાવી લેતા હોય છે. પરંતુ આ સાયબર ઠગી કરવા માટે ગુનેગારોએ ભારતના નાના મોટા દરેક શહેરોમાં જરૂરીયાતમંદોના બેંક એકાઉન્ટ મેળવવા જાળ પાથરી છે. ગુનેગારોની જાળમાં ફસાયેલા બેંક એકાઉન્ટ ધારકોના એકાઉન્ટનો ઉપયોગ કરી, સાયબર ઠગબાજો છેતરપીંડી કરી કરોડો રૂપિયા ગજવે ઘાલી જાય છે. સાયબર ઠગોને પકડવા માટે ભારત સરકારે ઓપરેશન મ્યુલ હન્ટ છેડ્યુ છે, જેમાં આવા ભાડે આપેલા એકાઉન્ટને શોધીને સાયબર ગુના સાથે સંકળાયેલા બદમાશોને પકડવામાં આવી રહ્યા છે. બીલીમોરા પોલીસે પણ બીલીમોરા પોલીસ મથકે નોંધાયેલા 3 અને ગણદેવી પોલીસ મથકે નોંધાયેલા એક સાયબર છેતરપીંડીનાં ગુનામાં વોન્ટેડ આરોપી સુરજીતસીંગ હરદેવસીંગ લબાનાની ધરપકડ કરી, સાયબરની દુનિયામાં આચરેલા 2 કરોડની છેતરપીંડીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

બીલીમોરાનો ઠગ મધ્યપ્રદેશ અને બિહારના તેના આકાઓને આપતો હતો બેંક એકાઉન્ટ

પોલીસ પકડમાં આવેલ સુરજીતસિંગ સાયબર ઠગોના હાથની કઠપુતળી હોવાનું સામે આવ્યું છે. સુરજીતસિંગ મધ્યપ્રદેશ અને બિહારમાં બેઠેલા તેના આકાઓના ઇશારે કમીશન ઉપર બેંક એકાઉન્ટ ભાડે લેતો હતો. જયારે તેને પણ બેંક એકાઉન્ટ ભાડે અપાવવા બદલ તગડું કમીશન મળતું હતું. સુરજીતસિંગ પકડાતા જ બીલીમોરા શહેરના ત્રણ અને ગણદેવીનો એક ગુના સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કશ્મીર, તાલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામીલનાડુ, કેરળ અને દિલ્હી જેવા 15 થી વધુ રાજ્યોમાં 35 સાયબર ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું ખુલ્યું છે. આ ગુનાઓમાં સુરજીતસિંગે અદાજે 2 કરોડની સાયબર ઠગીને અંજામ અપાવ્યો હતો. જેમાં ભાડેના એકાઉન્ટમાં રૂપિયા મેળવ્યા બાદ, તેમાંથી પોતાનું કમીશન કાઢી લઇ બાકીની રકમ તેના આકાઓ સુધી પહોંચાડતો હવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version