ગુજરાત

નવસારી શહેર કોંગ્રેસમાં વિરોધી વિરોધી ભાઈ – ભાઈ

Published

on

શહેર કોંગ્રેસ પ્રમુખ સામેનો વિરોધ શાંત, વર્તમાન અને પૂર્વ પ્રમુખો એક સાથે, બની શહેર સંકલન સમિતિ

નવસારી : નવસારી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે દિપક બારોટની વરણી થતા જ બે પૂર્વ પ્રમુખો સહિત તેમના સમર્થકોએ પ્રદેશ કક્ષાએ ઈમેઈલથી રાજીનામા મોકલ્યા હતા. જેમાં રાજીનામા મુદ્દે મૌન રહેલી કોંગ્રેસે ચુંટણી ટાણે વર્તમાન પ્રમુખ અને વિરોધ કરનારા પૂર્વ પ્રમુખોને સાથે રાખી શહેર કોંગ્રેસ સંકલન સમિતિ બનાવી કોંગ્રેસે વિરોધી વિરોધી ભાઈ – ભાઈનો સંદેશ આપ્યો છે.

પૂર્વ પ્રમુખ નીરવ નાયકે શહેર પ્રમુખની વરણી સામે વિરોધ નોંધાવી, ચલાવ્યું હતું રાજીનામા અભિયાન

નવસારી શહેર કોંગ્રેસમાં લાંબા સમયથી જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. એક નેતાને બીજા નેતા સાથે નથી ફાવતું અને તેના કારણે નવસારીમાં કોંગ્રેસ નામનો જ વિરોધ પક્ષ બનીને રહી ગયો છે. જેના કારણે જ નવસારી વિજલપોર નગર પાલિકામાં કોંગ્રેસને ફાળે ફ્કત એક જ બેઠક આવી હતી. લોક પ્રશ્નો મુદ્દે વિરોધ કરવો કે કલેક્ટર, મહા પાલિકામાં રજૂઆતો કરવામાં પણ કોંગ્રેસ વચ્ચે એકજુથતા જવલ્લે જ જોવા મળે છે. ત્યારે નવસારી મહાનગર પાલિકાની ચુંટણી પૂર્વે શહેર કોંગ્રેસના પ્રમુખ પદનો તાજ ફરી દિપક બારોટના માથે મૂકતા જ કોંગ્રેસના એક જૂથના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ બદલવાની માંગ કરી હતી. સાથે જ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક બારોટના વિરોધમાં પૂર્વ શહેર પ્રમુખ નિરવ નાયક, પૂર્વ પ્રમુખ ધર્મેશ માળી સહિત શહેર કોંગ્રેસના કોંગી કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામા અભિયાન છેડ્યું હતું. જેમાં એકી સાથે પ્રદેશ, શહેરના પદાધિકારીઓ સાથે કાર્યકરોએ રાજીનામા લખી, તમામે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ઈમેઈલ કર્યા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. બાદમાં વિરોધીઓને મનાવી લેવાના પ્રયાસો થયા હતા. જોકે રાજીનામા આપનારાઓ સામે કોઈ કાર્યવાહી થઈ કે નહીં અથવા રાજીનામા સ્વિકારાયા કે નહીં એના વિશે કોઈ માહિતી આપવાથી જિલ્લાના આગેવાનો બચતા રહ્યા હતા. દરમિયાન ચુંટણી જાહેર થતા જ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શનમાં જાહેર થયેલ નવસારી શહેર કોંગ્રેસ સંકલન સમિતિમાં નવનિયુક્ત પ્રમુખ દિપક બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોશી સાથે જ પ્રમુખનો વિરોધ કરનારા પૂર્વ પ્રમુખ નિરવ નાયક, પૂર્વ પ્રમુખ ધર્મેશ માળી સાથે પ્રભારી અસલમ સાઇકલવાળા અને સુરતના ધનરાજ રાજપૂતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી શહેરમાં વિરોધી વિરોધી ભાઈ – ભાઈ ની ચર્ચા શરૂ થઈ છે. જ્યારે પ્રભારી અસલમ સાઇકલવાળાએ પરિવારની વાત હોવાનું કહીને ઘીના ઠામમાં ઘી ઢોળાયાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version