ઓપરેશન કારાવાસ 2 હેઠળ નવસારી LCB પોલીસની કાર્યવાહી
નવસારી : નવસારીના ચીખલીમાં નાકોડા જવેલર્સમાં ફાયરીંગ કરી, 35.70 લાખનાં સોનાના દાગીનાની લૂટ અને વડોદરાનાં જવેલર્સમાં પણ ફાયરીંગ કરીને 4.80 લાખ રૂપિયાની 24 કિલો ચાંદીની ધાડનાં ગુનાનો આરોપી તેમજ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી વચગાળાનાં જામીન લઇ ફરાર થયેલા રીઢા ગુનેગારને નવસારી LCB પોલીસે મહરાષ્ટ્રના કલ્યાણ શહેરના રેલ્વે યાર્ડમાંથી દબોચી જેલ હવાલે કર્યો હતો.
જૂન, 2018 માં વચગાળાનાં જામીન લઇ ફરાર થયો હતો આરોપી રાકેશ વસુનીયા
મળતી માહિતી અનુસાર, ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત શરૂ થયેલી વિશેષ ડ્રાઈવમાં નવસારી LCB પોલીસે જેલમાંથી પેરોલ, ફર્લો જમ્પ અને વચગાળાનાં જામીન લઇ ફરાર થયેલા આરોપીઓની માહિતી મેળવી, ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી, 6 મહિનાથી ફરાર આરોપીઓને શોધવામાં કાર્યરત હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ ભરતસિંહ, કોન્સ્ટેબલ મનોજકુમાર સમાધાનભાઈ અને અવિનાશસિહ જગજીતસિહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, નવસારીના ચીખલી બજારમાં સ્થિત નાકોડા જવેલર્સમાં વર્ષ 2016 માં હથિયારો સાથે ધસી જઈ, ફાયરીંગ કરીને જવેલર્સમાંથી 35.70 લાખ રૂપિયાના 4 થી 5 કિલો સોનાના દાગીનાની લૂટ ચલાવનાર અને વર્ષ 2015 માં વડોદરાના વડુ પોલીસ મથક વિસ્તારની ઉમિયા જવેલર્સમાંથી પણ ફાયરીંગ કરીને 4.80 લાખ રૂપિયાની 24 કિલો ચાંદીની લૂટ ચલાવનાર રીઢો ગુનેગાર રાકેશ પ્રેમા વસુનીયા સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો. જેને ગુજરાત હાઈકોર્ટમાંથી ગત 14 જૂન 2018 થી 20 જૂન 2018 સુધીના અઠવાડીયાના વચગાળાનાં જામીન મળ્યા હતા. પરંતુ જામીન પૂર્ણ થતા રાકેશ વસુનીયા ફરાર છે અને જેલમાં હાજર થયો નથી. જે ફરાર થઇ થોડા સમય અગાઉ મધ્યપ્રદેશથી રેલ્વે યાર્ડમાં મજૂરી કામ અર્થે હાલમાં મહારાષ્ટ્રના કલ્યાણ શહેરમાં આવેલા રેલ્વે યાર્ડમાં મજૂરી કરી, પોતાના પરિવાર સાથે રહે છે. જેથી નવસારી LCB પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના કલ્યાણ શહેરમાં રેલ્વે યાર્ડમાં પહોંચી હતી, જ્યાં પોલીસ જવાનોએ કુલી, પોર્ટર અને રેલ્વે ટ્રેક પર મજુરી કરતા મજૂરો બની રાકેશ પ્રેમા વસુનીયાની ઓળખ કરી, તેને દબોચી લીધો હતો. પોલીસે રીઢા ગુનેગાર રાકેશ વસુનીયાની ધરપકડ કરી, તેને નવસારી લાવ્યા બાદ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.