દક્ષિણ-ગુજરાત

નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ‘હાથતાળી’ આપતો વરસાદ મન મુકીને વરસ્યો

Published

on

કાળાડિબાંગ વાદળો વચ્ચે નવસારી પાણી-પાણી, વાવણી લાયક વરસાદની આશા બંધાઈ

નવસારી : સામાન્ય રીતે જૂનના મધ્ય સુધીમાં ચોમાસું સક્રિય થઈ જતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે મેઘરાજાએ નવસારી પંથકને લાંબી પ્રતીક્ષા કરાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ એક અજીબ પેટર્ન પકડી ચૂક્યું હતું. રોજ સવારે કાળાડિબાંગ વાદળો ઘેરાતા, હવામાં ઠંડક પ્રસરી જતી અને થોડીવાર વરસાદ પડીને બંધ થઈ જતો. આ ‘હાથતાળી’ આપતા વરસાદે ખેડૂતો અને સામાન્ય નાગરિકો બંનેને ભારે ચિંતામાં મુક્યા હતા. કારણ વરસાદ મોડો પડે, તો પાકની પેટર્ન પણ પ્રભાવિત થાય, જેથી સમયે વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ બેઠા છે.

પવનના સુસવાટા સાથે સમગ્ર નવસારી શહેર વરસાદથી ભીંજાયું

હવામાન વિભાગની સચોટ આગાહી વચ્ચે, આજે સોમવારની વહેલી સવારથી જ નવસારીના આકાશમાં પ્રકૃતિએ અદ્ભુત દ્રશ્યો સર્જ્યા હતા. સવારથી જ આખું આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં પવનના સુસવાટા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. નવસારી શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે દૂધિયા તળાવ, રેલ્વે સ્ટેશન, એસ.ટી. ડેપો, તીધરા, ઇટાળવા, છાપરા, કાળિયાવાડી અને ગ્રીડ સહિતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પવન સાથે શરૂ થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. રસ્તાઓ પાણી પાણી થતા લાંબા સમય પછી નવસારી અસલી ચોમાસાના રંગે રંગાયેલું જોવા મળ્યું છે.

ચાતક નજરે રાહ જોતા જગતના તાતના મનમાં સારા ચોમાસાની આશા બંધાઈ

આજનો વરસાદ માત્ર પાણીનું ટીપું નથી, પણ ખેડૂતો માટે આશાનું કિરણ સમાન છે. છેલ્લા થોડા દિવસોમાં હાથતાળી આપતા વરસાદને કારણે ખેડૂતો ચિંતિત હતા, તેમના મનમાં આજના ધમાકેદાર પ્રારંભથી સારા વરસાદની દ્રઢ આશા બંધાઈ છે. ખેડૂતો લાંબા સમયથી ‘વાવણી લાયક’ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. આજના આ સાર્વત્રિક અને મન મૂકીને વરસેલા વરસાદથી હવે ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ પ્રવૃત્તિઓ વેગ પકડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version