આરોપી અલ્તાફ દિવાન જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ હતો અંડરગ્રાઉન્ડ, નવસારી LCB એ દબોચ્યો
નવસારી : સુરત ગ્રામ્યના ઓલપાડ બજારમાં બોગસ ચલણી નોટો (Fake Indian Currency) વટાવવાના ગુનામાં પકડાયા બાદ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા રીઢા આરોપીને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે બાતમીના આધારે જામનગરથી દબોચી લીધો હતો. છેલ્લા 8 મહિનાથી પોલીસને હાથતાળી આપી રહેલા અલ્તાફ દિવાનને પકડીને ફરી લાજપોર મધ્યસ્થ જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.
લેધર બેગમાં 100 રૂપિયાના દરની 97 નકલી નોટો સાથે પકડાયો હતો આરોપી
મળતી માહિતી મુજબ, ગત 12 જુલાઈ, 2024 ના રોજ ઓલપાડ પોલીસને સચોટ બાતમી મળી હતી કે, અલ્તાફ અહેમદ ઐયુબશા દિવાન નામનો શખ્સ લેધર બેગમાં નકલી ચલણી નોટો લઈને ઓલપાડ બજારમાં વટાવવા માટે નીકળ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ફિલ્ડિંગ ગોઠવીને અલ્તાફને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી 100 રૂપિયાના દરની 97 નકલી ચલણી નોટો મળી આવી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી, તેના પર્સમાંથી મળેલ રોકડ અને મોબાઈલ ફોન મળીને કુલ 6,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.
વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ 8 મહિનાથી હતો ફરાર
ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ, કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા અલ્તાફ દિવાનને અદાલત તરફથી વચગાળાના જામીન મળ્યા હતા. પરંતુ જામીનની મુદત પૂરી થયા બાદ તે જેલમાં હાજર થવાને બદલે નાસતો ફરતો હતો. છેલ્લા 8 મહિનાથી તે પોલીસને સતત ચકમો આપી રહ્યો હતો. દરમિયાન ફરાર આરોપીને પકડવા માટેની ખાસ ઝુંબેશમાં નવસારી LCB પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી, ચોક્કસ માહિતી મેળવી કે, આરોપી અલ્તાફ દિવાન પોતાની ઓળખ છુપાવીને જામનગરના કાલાવાડ રોડ પર આવેલા ખોડીયાર નગર વિસ્તારમાં રહી રહ્યો છે. જેને આધારે નવસારી LCB ની એક ટીમ તાત્કાલિક જામનગર રવાના થઈ હતી અને ઘેરાબંધી કરીને આરોપી અલ્તાફ દિવાનને દબોચી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી, નવસારી લાવ્યા બાદ તેને ફરી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.