Connect with us

સમસ્યા

વાંસદામાં રાહતનો શ્વાસ : બે માનવ હુમલા બાદ વન વિભાગના ઓપરેશનમાં દીપડાને બેભાન કરી પકડ્યો

Published

on

ઉપસળમાં ઝાડીઓમાં છુપાયેલા દીપડાને તંત્રના સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયો

નવસારી : નવસારીના વાંસદા તાલુકાના ગામડાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી ચિંતાજનક પરિસ્થિતિનો આખરે સુખદ અને સુરક્ષિત ઉકેલ આવ્યો છે. રાણીફળિયાના મણીબેન પટેલ અને ત્યારબાદ ઉપસળના ખેડૂત ગમન પટેલ પર થયેલા દીપડાના હુમલા બાદ હરકતમાં આવેલી તંત્રની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હુમલાવર દીપડાને સફળતાપૂર્વક પકડી લીધો છે. વન વિભાગ, વાંસદા પોલીસ અને વેટરનરી ડૉક્ટરોની યોગ્ય સુઝબુઝને કારણે કોઈ પણ મોટી દુર્ઘટના વિના આ રેસ્ક્યૂ કામગીરી સફળ રીતે પાર પડી છે.

સંયુક્ત ટીમનું સચોટ ઓપરેશન: ટ્રેન્ક્વિલાઈઝર ગનથી દીપડાનું સુરક્ષિત રેસ્ક્યૂ

વાંસદા તાલુકાના ઉપસળ ગામે દીપડાએ સવારે ગમન પટેલ ઉપર કહેલા હિંસક હુમલાની માહિતી ગામના સરપંચે વાંસદા પૂર્વ વન વિભાગને કરતા, વન વિભાગની ટીમ તાત્કાલિક ઉપસળ ગામે પહોંચી હતી. ફોરેસ્ટ અધિકારી દ્વારા વાંસદા પોલીસ અને વેટરનરી ડૉક્ટરને સાથે રાખી, ગ્રામજનોની હાજરીમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. દરમિયાન ઉપસળના ખેતરાળ વિસ્તારની ઝાડીઓમાં છુપાયેલા ઈજાગ્રસ્ત દીપડાનું લોકેશન મળતાં જ વેટરનરી ડૉક્ટરે ટ્રેન્ક્વિલાઈઝર ગન વડે તેને બેભાન કરી સુરક્ષિત રીતે પાંજરે પૂર્યો હતો. વન વિભાગ દ્વારા પકડાયેલા દીપડાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ તબીબી સંભાળ માટે સુરત અથવા અન્ય સુવિધા સભર કેન્દ્ર ખાતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં દીપડાઓની વધતી સંખ્યા અને સુમેળ સાધવાની જરૂરિયાત

છેલ્લા કેટલાક સમયથી નવસારી જિલ્લામાં દીપડાઓની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જંગલ વિસ્તાર, નદીઓની કોતરો, વાડી વિસ્તાર અને શેરડીના ખેતરો દીપડાના આશ્રય સ્થાન બન્યા છે. આ વિસ્તારોની નજીક આવેલા ગામડાઓમાં દીપડાઓની અવરજવર અને પાલતુ પશુઓના શિકારના બનાવો પણ વધ્યા છે. વન્યજીવ નિષ્ણાંતોના મતે, વધતી વસ્તી વચ્ચે માનવ અને પ્રાણીઓ એકબીજાના સંપર્કમાં આવે તે કુદરતી છે, પરંતુ યોગ્ય સાવચેતી અને જાગરૂકતા રાખવામાં આવે તો આ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ અને સંઘર્ષને સહેલાઈથી અટકાવી શકાય છે.

દીપડાનો શિકાર સ્વભાવ જાણવો જરૂરી : આટલી કાળજી ચોક્કસ રાખો

વાઇલ્ડલાઇફ સાયન્સ અનુસાર, દીપડો સામાન્ય રીતે માનવ પર હુમલો કરતો નથી. દીપડાની દ્રષ્ટિ પોતાની આંખની સીધ (Eye Level) માં આવતા પ્રાણીઓને જ શિકાર તરીકે ઓળખે છે. જ્યારે કોઈ વ્યક્તિ કે ખેડૂત ખેતરમાં ઉકળૂ બેસીને ઘાસ કાપતા હોય, પાકની લણણી કરતા હોય કે બાળકો જમીન પર બેઠા હોય, ત્યારે દીપડાને ભ્રમ થાય છે અને તે તેને પોતાનો કુદરતી શિકાર સમજી બેસે છે. આથી, ખેતરમાં કે સીમ વિસ્તારમાં કામ કરતી વખતે નીચે મુજબના સાવચેતીના પગલાં લેવા જરૂરી છે :

* જૂથમાં કામ કરવું : ખેતરમાં કે જંગલ નજીકના વિસ્તારમાં એકલા જવાના બદલે હંમેશા અન્ય લોકો સાથે રહો.

* અવાજ ચાલુ રાખવો : કામ કરતી વખતે આપસમાં વાતચીત કરવી અથવા રેડિયો/મોબાઇલ પર સંગીત ચાલુ રાખવું, જેથી અવાજ સાંભળીને દીપડો દૂર રહે.

* સતર્કતા દાખવવી : ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારમાં જતી વખતે આસપાસની સ્થિતિ ચકાસી લેવી.

નવસારી

વાયરલ રીલનો ક્રેઝ કે અકસ્માતને આમંત્રણ?નવસારીના રેલ્વે ઓવરબ્રિજ પર યુવાનોનો જોખમી ‘બાહુબલી’ સ્ટંટ

Published

on

By

રાત્રિના સમયે બાઈક ખભા પર ઊંચકી બનાવ્યો વીડિયો

નવસારી : સોશિયલ મીડિયા પર માત્ર થોડી લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાની આંધળી દોડમાં નવસારીનો રેલ્વે ઓવરબ્રિજ હવે જોખમી રીલ્સ બનાવવાનું ગેરકાયદેસર હોટસ્પોટ બની ગયો છે. મધ્યરાત્રિના સમયે અન્યના જીવ જોખમમાં મૂકીને બાઈક ખભા પર ઉંચકીને બાહુબલી સ્ટંટ કરતા યુવાનોનો વધુ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાત્રિના સમયે બાઈક ખભા પર ઊંચકી રીલ બનાવતો વીડિયો થયો વાયરલ

પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારી રેલ્વે ઓવરબ્રિજ પર રાત્રિના અંધારામાં કેટલાક યુવાનોએ ટ્રાફિકના તમામ નિયમો અને સુરક્ષાને નેવે મૂકીને જોખમી સ્ટંટ હાથ ધર્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવાન ‘બાહુબલી’ ફિલ્મના દ્રશ્યની જેમ પોતાના ખભા પર આખી બાઈક ઊંચકતો જોવા મળે છે, જ્યારે તેના અન્ય મિત્રો આ જોખમી હરકતને કેમેરામાં કેદ કરીને તેને સપોર્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ બ્રિજ પર અગાઉ પણ આવા જીવલેણ સ્ટંટના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આવા ‘રીલબાજો’ના હોંસલા વધતા જાય છે. સાર્વજનિક સંપત્તિ અને રસ્તા પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો માટે મોટું અકસ્માતનું જોખમ ઊભું કરતા આ યુવાનો સામે પોલીસ અને સ્થાનિક પ્રશાસન ક્યારે કડક કાનૂની બ્રેક મારશે, તે જ હવે શહેરીજનોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.

Continue Reading

આરોગ્ય

સ્વચ્છતા હી સેવા-2026 : કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

Published

on

By

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં 2 જી ઓક્ટોબરે યોજાશે મુખ્ય કાર્યક્રમ

નવસારી : નવસારી જિલ્લામાં આગામી ગાંધી જયંતિના પાવન પ્રસંગે ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અને ત્યારબાદ યોજાનારા વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોના સુચારૂ અમલીકરણ માટે જિલ્લા તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. આજે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં 2 જી ઓક્ટોબરે ચીખલીના મજીગામ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સ્વચ્છતા કાર્યક્રમ તથા અન્ય વહીવટી આયોજનોની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

2 થી 4 ઓક્ટોબર : સઘન સ્વચ્છતા ઝુંબેશ અને ‘કેચ ધ રેઇન’ જનજાગૃતિ

ગાંધી જયંતિના વિશેષ અવસરે મજીગામ ખાતે મુખ્ય કાર્યક્રમની સાથે સાથે સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહેસુલી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જાહેર સ્થળોની સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે કાયમી જાગૃતિ કેળવાય તે માટેના વિવિધ આયોજનો ઘડવામાં આવ્યા છે. વધુમાં, 4 ઓક્ટોબરના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારના અધિકારીઓ-પદાધિકારીઓ અને પ્રજાજનોની સક્રિય ભાગીદારીથી સઘન સફાઈ ઝુંબેશ તેમજ ‘કેચ ધ રેઇન’ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંચયને લગતા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

5 અને 6 ઓક્ટોબર : મજીગામના દિનકર ભવન ખાતે એલીમ્કો સહયોગથી વિશિષ્ટ કેમ્પ

સ્વછતા અભિયાન ઉપરાંત આગામી 5 અને 6 ઓક્ટોબરે મજીગામના દિનકર ભવન ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને ‘એલીમ્કો’ (ALIMCO) ના સંયુક્ત ઉપક્રમે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સ્થળની પૂર્વતૈયારીઓ, જરૂરી ભૌતિક સુવિધાઓ તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સુચારુ સંકલન અંગે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને વિગતવાર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કલેક્ટરે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને માત્ર એક સરકારી કાર્યક્રમ ન રાખતા, લોકભાગીદારી વધારીને એક વ્યાપક જનઆંદોલન બનાવવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ વિભાગોને પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન સાથે કામગીરી કરવા સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા હતા.

Continue Reading

સમસ્યા

ઘોલાઈ બંદરે 2000 ચો. મી. સરકારી જમીન પર બુલડોઝર ફર્યું

Published

on

By

દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી તંત્રનું મોટું ડિમોલિશન

નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધોલાઈ ગામે આવેલા નવસારીના એકમાત્ર દરિયાઈ બંદર, ઘોલાઈ બંદર ખાતે સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ લાલ આંખ કરી હતી. દરિયાઈ સુરક્ષાના અત્યંત સંવેદનશીલ મુદ્દાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીમાં આશરે 2000 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન પરથી 18 થી વધુ અનઅધિકૃત દુકાનો, શેડ અને કેબિનોના દબાણો દૂર કરી જમીન સંપાદિત કરવામાં આવી હતી.

માનવતા દાખવ્યા બાદ વહીવટી તંત્રની આકરી કાર્યવાહી

ઘોલાઈ બંદર ખાતે સરકારી હેડની જમીન પર અનઅધિકૃત રીતે દુકાનો, ગેરેજ, પતરાના શેડ અને કેબિનો ઊભા કરી દેવાયા હોવાની ફરિયાદો મળતા તંત્ર દ્વારા ગત 24 સપ્ટેમ્બરના રોજ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, સ્થાનિક દબાણકારોએ પોતાનો સામાન અન્ય જગ્યાએ ખસેડવા માટે વિનંતી કરતા વહીવટી તંત્રએ માનવતાવાદી અભિગમ દાખવી 27 સપ્ટેમ્બર સુધીની મુદત આપી હતી. મુદત પૂર્ણ થતાં જ જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ચીખલી પ્રાંત અધિકારી નિશાંત કુગસીયા, ગણદેવી મામલતદાર દીપિકા શેઝ, મહેસુલી ટીમ, GEB અને વલસાડ રૂરલ ડિવિઝનના ઇજનેરોની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તમામ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી દેવાયા હતા.

અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની સ્પષ્ટ ચેતવણી

કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગાડે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વહીવટી તંત્રએ આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સરકારી મિલકતો કે પર્યાવરણને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોની આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહીં. આગામી દિવસોમાં પણ સમગ્ર જિલ્લામાં સરકારી જમીનો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની આ કડક ઝુંબેશ નિરંતર ચાલુ રહેશે.

Continue Reading
Advertisement

Trending