સમસ્યા

વાંસદા પંથકમાં દીપડાના એક પછી એક મહિલા સહિત બે માણસો ઉપર હુમલાથી ગ્રામીણોમાં ફફડાટ

Published

on

રાણીફળિયા અને ઉપસળ ગામમાં અચાનક ત્રાટકેલા દીપડાએ મહિલા અને પુરુષને કર્યા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવસારી : નવસારી જિલ્લાના આદિવાસી બાહુલ્ય વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વન્યજીવો અને માનવ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. માત્ર એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં દીપડા દ્વારા ગ્રામજનો પર હુમલાની બીજી ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે દહેશત સાથે લોકોમાં ચિંતા વ્યાપી છે. રાણી ફળિયા અને ઉપસળ ગામમાં એક પછી એક દીપડાના હિંસક હુમલાઓ બાદ વાંસદા વન વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં દીપડાને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

રાણીફળિયામાં મહિલા પર અચાનક હુમલો, ઘાયલ મણિબેન સારવાર હેઠળ

નવસારી જિલ્લામાં દીપડાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, જેમાં પણ વાંસદા ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાથી અહીં દીપડાઓની સંખ્યા વધુ છે. ત્યારે વાંસદાના રાણીફળિયા ગામે ઘર પાછળ આવેલા વાડામાં નિત્યક્રમ મુજબ કામ કરી રહેલાં મણીબેન પટેલ પર અચાનક જ ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ જીવલેણ હુમલો કરી દીધો હતો. મણીબેનની બુમ સાંભળી પરિજનો તેમજ આસપાસના લોકો દોડી આવતાં દીપડો ભાગી છૂટ્યો હતો. આ હુમલામાં મણીબેન ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે રાણીફળિયાની જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને ગ્રામજનોની સુરક્ષા માટે ઘટનાસ્થળે તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પુરવાની તજવીજ હાથ ધરી છે.

ઉપસળ ગામમાં એક પુરુષને લોહીલુહાણ કર્યો, દીપડાની શોધખોળ શરૂ

રાણીફળિયાની ઘટના શાંત થાય તે પહેલાં જ વાંસદા તાલુકાના ઉપસળ ગામના કાજિયા કુવા ફળિયામાં પણ દીપડાએ એક પુરૂષને ઘાયલ કર્યો હતો. આજે વહેલી સવારે અચાનક થયેલા દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પુરૂષને તાત્કાલિક રાણીફળિયાની જ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો . સવાર-સવારમાં જ બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ફફડાટ સાથે ભય ફેલાયો છે. નોંધનીય છે કે, ઉપસળ અને આસપાસના વિસ્તારોમાં ભૂતકાળમાં પણ દીપડા દ્વારા માણસો પર હુમલાની ઘટનાઓ બની ચૂકી છે, જેથી લોકો પોતાના જ ખેતરો અને ઘરોમાં અસુરક્ષિત અનુભવી રહ્યા છે.

ઝાડીઓમાં છુપાયેલા દીપડાને ઘેરવા વન વિભાગની સ્પેશિયલ રણનીતિ

એક જ સપ્તાહમાં બે-બે માનવ હુમલા થતાં વાંસદા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ફોરેસ્ટરોની ટીમે સમગ્ર વિસ્તારમાં કવાયત ગતિમાન કરી છે. વન વિભાગ દ્વારા ગાઢ ઝાડીઓ અને સંભવિત વિસ્તારોમાં પાંજરા મૂકવામાં આવ્યા છે. સ્થાનિક ગ્રામજનોની મદદથી કરાયેલી શોધખોળ દરમિયાન દીપડો ઝાડીઓમાં છુપાયેલો નજરે પડ્યો હતો. જોકે, ગીચ વનસ્પતિ અને ભૌગોલિક સ્થિતિને કારણે તેને સીધો પકડવો મુશ્કેલ હોવાથી વન વિભાગે તેને સલામત રીતે પાંજરે પૂરવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. આ સાથે જ વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા ખાસ અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version