નવસારી : સત્તા અને પદના સીમાડા જ્યારે લાગણીના પવિત્ર પ્રવાહ સામે ઓગળી જાય છે, ત્યારે રક્ષાબંધન જેવા તહેવારો સાચા અર્થમાં સાર્થક થતા હોય છે. દેશના જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની નવસારી મુલાકાત દરમિયાન રાજકીય ગંભીરતા બાજુ પર રહી ગઈ હતી અને નવસારી સર્કિટ હાઉસ ખાતે માત્ર ને માત્ર ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનો રંગ જોવા મળ્યો હતો.
રેશમના દોરામાં બાંધ્યો દીર્ઘાયુ અને અવિરત દેશસેવાનો વિશ્વાસ
દિલ્હીના કાર્યો અને દેશસેવાની વ્યસ્તતા વચ્ચે પણ જ્યારે લાગણીનો તાર જોડાય છે, ત્યારે સમય આપોઆપ નીકળી જાય છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે નવસારીની મુલાકાતે આવ્યા ત્યારે ભાજપ મહિલા મોર્ચાની બહેનો પોતાના લાડકા ભાઈને રાખડી બાંધવા ઉમટી પડી હતી. મંત્રી કે સાંસદના કોઈ પ્રોટોકોલ વગર, બહેનોએ પોતાના ભાઈના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અવિરત દેશસેવા માટે પ્રાર્થના કરી તેમના કાંડા પર રક્ષાકવચ બાંધ્યું હતું.
બહેનોના આ નિર્મળ પ્રેમે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલનું હૃદય પણ જીતી લીધું. ભાઈએ પણ બહેનોને એક એવી અનન્ય ભેટ આપી કે જેનાથી બહેનોના હરખનો પાર ન રહ્યો! સી. આર. પાટીલે તમામ બહેનોને આશીર્વાદ આપવાની સાથે ખાસ ‘દિલ્હી આવવાનું નિમંત્રણ’ આપ્યુ હતું. દેશનું નવું સંસદ ભવન અને દિલ્હીના પ્રવાસની ભેટ મળતા જ બહેનોના ચહેરા ખીલી ઉઠ્યા હતા.
ભાઈ બહેનના સબંધમાં ઉચ્ચ હોદ્દો નહીં, પણ હેત સર્વોપરી
કાંડા પર બંધાયેલી રેશમી દોરી જ્યારે સત્તાના શિખરો પર બેઠેલા ભાઈને પણ જમીન સાથે જોડાઈ રહેવાની પ્રેરણા આપે, ત્યારે જ રક્ષાબંધનનો તહેવાર સાર્થક બને છે. નવસારીમાં સર્જાયેલો આ લાગણીસભર પ્રસંગ સાબિત કરે છે કે સંબંધોમાં હોદ્દો નહીં, પણ હેત જ સર્વોપરી હોય છે.