અપરાધ

પિકઅપમાં બનેલા આધુનિક ચોરખાનામા સંતાડેલો 2.74 લાખના દારૂ સાથે એક ખેપિયો પકડાયો

Published

on

બોરીયાચ ટોલનાકા નજીકથી LCB પોલીસે કુલ 9.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

નવસારી : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અને ખેપિયાઓ અવનવા તિકડમ લગાવીને દારૂની હેરાફેરી કરતા ખચકાતા નથી. જોકે, તેમની તમામ ચાલાકીઓ સામે પોલીસ તંત્ર પણ સતર્ક રહીને તેમના મનસૂબા પર પાણી ફેરવી દેવામાં સફળ થાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે, જ્યાં બોલેરો પીકઅપમાં ખાસ આધુનિક ફેબ્રિકેશનથી ચોરખાનું બનાવીને દારૂની છુપી હેરાફેરી કરવામાં આવી રહી હતી, જેને લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) નિષ્ફળ બનાવી દીધી હતી.

પિકઅપમાં આધુનિક ચોરખાનું જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

મળતી માહિતી મુજબ, નવસારી LCB ની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 પર બોરીયાચ ટોલનાકા પહેલા નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળો શંકાસ્પદ પીકઅપ આવતા તેને અટકાવીને ચેક કરતા વાહન પ્રથમ દ્રષ્ટિએ સાવ ખાલી જણાયો હતો. પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતાં પીકઅપની અંદર જ આધુનિક ફેબ્રિકેશનથી ખૂબ જ ચાલાકીપૂર્વક બનાવવામાં આવેલું એક ચોરખાનું મળી આવ્યું હતું, જેને જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પોણા ત્રણ લાખનો દારૂ જપ્ત, સુરતના બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો

આ ગુપ્ત ચોરખાનાની તલાશી લેતાં તેમાંથી 2,74,500 રૂપિયાની વિદેશી દારૂની વ્હીસ્કી અને વોડકાની કુલ 855 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળેથી વાહનચાલક અને રાજસ્થાનના ઝાલોરના ઇશારામ ઉર્ફે ઇશ્વર કાલારામ ભીલની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી દારૂ, પીકઅપ ગાડી અને મોબાઇલ ફોન સહિત કુલ 9,79,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર અને ભરી આપનાર મુખ્ય આરોપી અને સુરતના વરાછાના નરેશકુમાર ઉર્ફે રમેશ પુરોહિતને વોન્ટેડ જાહેર કરી, નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version