નવસારી

નવસારી બનશે દેશની પ્રથમ ‘યુનિફોર્મ’ મહાનગરપાલિકા : શહેરમાં એકસરખી લારીઓ હશે

Published

on

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લુન્સીકુઈ ચોપાટીના વેપારીઓને 45 આધુનિક સ્ટીલ બોડી લારીઓનું વિતરણ

નવસારી : નવસારી શહેરના નાના વેપારીઓ અને રોજગાર મેળવતા મધ્યમ વર્ગીય પરિવારોની આર્થિક સ્થિતિને સુદ્રઢ બનાવવા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલના હસ્તે લુન્સીકુઈ ચોપાટીના વેપારીઓને વધુ 45 નવી આધુનિક સ્ટીલ બોડી લારીઓ અર્પણ કરવામાં આવી છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવસારી પ્રવાસ સમયે અપાયેલી 25 લારીઓ સાથે હવે લુન્સીકુઈ ચોપાટીના કુલ 70 લારી ધારકોને સુસજ્જ અને હાઇજેનિક વ્યવસાયિક સુવિધા પ્રાપ્ત થઈ છે. સમગ્ર શહેરમાં તબક્કાવાર 700 એકસરખી સ્ટીલ બોડી લારીઓ આપવાના આયોજન સાથે નવસારી દેશની પ્રથમ ‘યુનિફોર્મ મહાનગરપાલિકા’ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

શહેરમાં 700 યુનિફોર્મ લારીઓનો લક્ષ્યાંક, બેંકના સંકલનથી વધુ 100 લારીઓનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવસારી મુલાકાત દરમિયાન શહેરના તમામ લારી ધારકો માટે એકસમાન અને આધુનિક વ્યવસ્થા ઊભી કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તે અંતર્ગત હાથ ધરાયેલા સર્વે મુજબ શહેરમાં કુલ 700 યુનિફોર્મ સ્ટીલ બોડી લારીઓનું તબક્કાવાર વિતરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. આ લારીઓ માત્ર સુંદરતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વેપારીઓની જરૂરિયાત મુજબ જરૂરી સુધારા-વધારા, નીચે સ્ટોરેજ સુવિધા અને સરળતાથી સાફ-સફાઈ થઈ શકે તેવું આધુનિક મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં મહાપાલિકાના મેયર અને બેંક ઓફ બરોડાના સંકલનથી વધુ 100 નવી લારીઓનું લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી શહેરની સુંદરતા વધવાની સાથે સ્વચ્છતા અને હાઈજીનમાં પણ મોટો સુધારો જોવા મળશે.

વ્યાજના વિષચક્રમાંથી મુક્તિ અને સ્વમાનભેર રોજગારી : નાના વેપારીઓની અર્થવ્યવસ્થાને મળશે મજબૂત બુસ્ટ

નાના લારી-ગલ્લા ધારકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘણીવાર પઠાણી કે ઊંચા વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા હોય છે. આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે PM સ્વાનિધિ યોજના હેઠળ લારી ધારકોને 15 હજારથી લઈને 50 હજાર સુધીની ખૂબ સરળ બેંક લોન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ યોજનાકીય લાભો થકી નાના વેપારીઓ આત્મનિર્ભર બનીને પોતાનો વેપાર વધારી શકશે. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના આ સઘન પ્રયાસોથી નવસારીના સ્થાનિક અને મધ્યમ વર્ગીય અર્થતંત્રને એક નવી ઊર્જા અને મજબૂત ઇકોનોમિક બુસ્ટ મળવા જઈ રહ્યું છે, જે અન્ય નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે પણ એક મોડેલ પૂરવાર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version