દક્ષિણ-ગુજરાત

વયોશ્રી કેન્દ્ર : નવસારીના આંગણે આશાનું નવું કિરણ

Published

on

ગુજરાતના ચોથા PM-DVK કેન્દ્રથી દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સ્વાવલંબન અને સન્માનજનક જીવનનો માર્ગ થશે મોકળો

નવસારી : નવસારી જિલ્લાના ચીખલી ખાતે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પરિસરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા-વયોશ્રી કેન્દ્ર (PM-DVK) નો આજથી શુભારંભ થયો છે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયેલું આ સેવાકેન્દ્ર માત્ર એક સરકારી ઉપક્રમ નથી, પરંતુ ઉંમરના ઉત્તરાધાર્ધમાં પહોંચેલા વડીલો અને શારીરિક પડકારોનો સામનો કરતા દિવ્યાંગજનોના જીવનમાં નવી રોશની લાવતો એક સંવેદનશીલ પ્રયાસ છે. જિલ્લા પ્રશાસન અને કલેક્ટર મનીષ ગુરવાનીની અંગત કાળજીના પરિણામે આકાર પામેલું આ કેન્દ્ર હવેથી જરૂરિયાતમંદ નાગરિકોને કાયમી ધોરણે નિઃશુલ્ક સહાયક સાધનો અને આરોગ્ય વિષયક સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવશે.

પ્રશાસનિક સંવેદનશીલતા અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ

એક સરકારી યોજના જ્યારે કેવળ કાગળ પર ન રહેતા માનવીય સ્પર્શ મેળવે છે, ત્યારે તે સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ વડીલો અને દિવ્યાંગજનોની દૈનિક તકલીફોને પોતાની સમજીને જે સબળ નેતૃત્વ પૂરું પાડ્યું, તેના લીધે જ આ કેન્દ્ર રેકોર્ડ સમયમાં કાર્યરત થઈ શક્યું છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળની ‘એલીમ્કો’ કંપનીના સહયોગથી શરૂ થયેલા આ કેન્દ્ર માટે કલેક્ટ મનીષ ગુરવાનીએ સતત ફોલોઅપ લીધું હતું. અમદાવાદ, ભાવનગર અને આણંદ બાદ હવે ચીખલી ખાતે શરૂ થયેલું આ ગુજરાતનું ચોથું કેન્દ્ર દર્શાવે છે કે જ્યારે વહીવટીતંત્રમાં ઈચ્છાશક્તિ હોય, ત્યારે પ્રજાકલ્યાણના કાર્યો ઝડપથી આકાર લે છે.

સ્થળ પર જ તપાસ, સારવાર અને સાધનોનું કાયમી નિદાન

ઘણીવાર દિવ્યાંગો કે વયોવૃદ્ધો માટે સાધનો કે આરોગ્ય સેવાઓ મેળવવા દૂર-દૂર સુધી ધક્કા ખાવા અત્યંત કષ્ટદાયક હોય છે. આ કેન્દ્ર તેમની આ પીડાનો કાયમી અંત લાવશે. હવેથી જરૂરિયાતમંદ નાગરિકોને સહાયક સાધનો માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે. PM-DVK કેન્દ્ર ખાતે જ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોનું નિષ્ણાતો દ્વારા સ્થળ પર જ મૂલ્યાંકન કરવામાં આવશે. અહીં નિઃશુલ્ક સાધન વિતરણ ઉપરાંત, કૃત્રિમ અંગ તથા ઓર્થોસિસ ફિટમેન્ટ, શ્રવણશક્તિની સુક્ષ્મ તપાસ અને શ્રવણયંત્ર (Hearing Aid) સંબંધિત તમામ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવાશે, જે તેમના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

વહીવટી તંત્ર અને સમાજનો સંયુક્ત સંકલ્પ

આ ઉદ્ઘાટન પ્રસંગ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ ન રહેતા, સમાજના વંચિત વર્ગ પ્રત્યેની સામાજિક જવાબદારીનો ઉત્સવ બની રહ્યો હતો. કાર્યક્રમમાં ચીખલી પ્રાંત અધિકારી નિશાંત કુગાશીયા, તાલુકા વિકાસ અધિકારી ભાવનાબેન યાદવ, મામલતદાર હિરેનભાઈ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વયના કારણે શ્રવણશક્તિ ગુમાવી ચૂકેલા વડીલને સાંભળવાની ક્ષમતા પરત મળવી કે ચાલવામાં અસમર્થ દિવ્યાંગને કૃત્રિમ અંગનો ટેકો મળવો, જેનાથી આ કેન્દ્ર આવનારા દિવસોમાં હજારો ચહેરાઓ પર આત્મવિશ્વાસભર્યું સ્મિત લાવવા માટે સજ્જ બન્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version