Connect with us

રાજકારણ

મતદાર યાદી સુધારણા (SIR) પર રાજકીય જંગ : નવસારીમાં ભાજપનો પ્રબુદ્ધ નાગરિકો સાથે જનસંવાદ, વિપક્ષના આક્ષેપો સામે તથ્યો રજૂ કરવાનો પ્રયાસ

Published

on

કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની પ્રક્રિયા પર સવાલ અને રાજીનામાની માંગ વચ્ચે ભાજપે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન હેઠળ મતદાર જાગૃતિ ઝુંબેશ તેજ કરી

નવસારી : ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR – Special Intensive Revision) પ્રક્રિયાને લઈને દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન હેઠળ નવસારી જિલ્લામાં વિવિધ એસોસિએશનના સભ્યો અને સામાજિક આગેવાનો સાથે વિશેષ જનસંવાદ યોજીને ચૂંટણી પંચની પારદર્શી કામગીરી અંગે તથ્યાત્મક સમજ આપવામાં આવી હતી.

ચૂંટણી પંચની કામગીરી અને વિપક્ષના આક્ષેપો વચ્ચે ભાજપનો કાઉન્ટર-પ્લાન

ચૂંટણી પંચની SIR પ્રક્રિયા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ગેરરીતિના ગંભીર આરોપો લગાવી સરકારને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી છે. કોંગ્રેસના આ આક્ષેપો અને દાવાઓના જવાબમાં ભાજપે રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડ્યું છે. નવસારીમાં યોજાયેલી આ બેઠકમાં ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા આ પ્રક્રિયા અંગે લોકોમાં ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેની સામે સમાજના પ્રબુદ્ધ વર્ગને સાચી અને વાસ્તવિક હકીકતોથી અવગત કરાવવા આ જનસંવાદ યોજવામાં આવ્યો છે.

મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા પર વિશેષ ભાર

નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ અને માજી ધારાસભ્ય પીયૂષ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોને SIR પ્રક્રિયાની કાર્યપદ્ધતિ સમજાવવામાં આવી હતી. ભાજપ નેતાઓના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચની આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને વધુ શુદ્ધ અને ચોક્કસ બનાવવાનો છે, જેથી કોઈપણ પાત્ર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહે અને અયોગ્ય નોંધણીઓ દૂર થઈ શકે. આ તકે ઉપસ્થિત મહાનુભાવોને ‘મનોગત’ના SIR વિશેષાંકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

લોકશાહીની મજબૂતી માટે જનજાગૃતિ અભિયાન આગળ વધારવાની જાહેરાત

બેઠકમાં ઉપસ્થિત ભાજપના આગેવાનોએ મત વ્યક્ત કર્યો હતો કે લોકશાહી વ્યવસ્થાની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે મતદાર યાદીનું શુદ્ધિકરણ અત્યંત આવશ્યક છે. ચૂંટણી પંચની પ્રક્રિયા મતદારોના અધિકારોના રક્ષણ માટે અને પારદર્શી ચૂંટણી વ્યવસ્થા માટે યોગ્ય હોવાનું જણાવી, સમાજના તમામ વર્ગોને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા અપીલ કરાઈ હતી. નવસારી જિલ્લા ભાજપ દ્વારા આગામી સમયમાં પણ મતદાર જાગૃતિ માટે આવા જનસંવાદ કાર્યક્રમો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજકારણ

કોંગ્રેસનો હલ્લાબોલ: નવસારી કલેક્ટર કચેરી નજીક ચૂંટણી પંચ વિરૂદ્ધ ઉગ્ર પ્રદર્શન

Published

on

By

મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિતના કાર્યકરો ડિટેન

નવસારી : ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારની કામગીરી સામે આયોગના જ અન્ય બે કમિશ્નરો દ્વારા ગંભીર આરોપો મુકાતાં સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. દેશભરમાં વિપક્ષો દ્વારા EVM અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેમાં આજે નવસારી કોંગ્રેસ દ્વારા નવસારી કલેક્ટર કચેરી નજીક ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જોકે કોંગ્રેસીઓ રસ્તા પર પહોંચતા જ પોલીસે જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સહિતના કાર્યકરોને ડિટેન કર્યા હતા.

મુખ્ય ચૂંટણી કમિશ્નરના રાજીનામા અને પુનઃ ચૂંટણીની માંગ સાથે વિરોધ

પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારના ફોટા સળગાવીને અને પ્લેકાર્ડ દર્શાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ તકે આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી આયોગ વર્તમાન મોદી સરકાર સાથે મળીને બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જ્ઞાનેશકુમાર તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપે તેમજ તેમના કાર્યકાળ દરમિયાન યોજાયેલી ચૂંટણીઓની તટસ્થ સમીક્ષા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કોંગ્રેસે પશ્ચિમ બંગાળ અને બિહારમાં ફરીથી ચૂંટણીઓ યોજવાની સ્પષ્ટ માંગણી રજૂ કરી હતી.

રસ્તા પર ચક્કાજામના પ્રયાસ બાદ પોલીસ કાર્યવાહી : તમામ અગ્રણીઓ ડિટેન

કલેક્ટર કચેરીથી થોડે દૂર હાથ ધરાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો આવેશમાં આવીને રસ્તા પર પહોંચી ગયા હતા અને વાહનવ્યવહાર ઠપ્પ કરવાનો (ચક્કાજામ) પ્રયાસ કર્યો હતો. સ્થિતિ વણસતી જોઈને ઘટનાસ્થળે હાજર પોલીસે ત્વરિત પગલાં ભરી, પરમિશન વિના વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોષી, મહિલા કોંગ્રેસ પ્રમુખ સમીરા શેખ, પ્રભા વલસાડીયા, યુથ કોંગ્રેસ પ્રમુખ આદિલ શાહ સહિત મનીષ બારોટ, એ.ડી. પટેલ અને વીરેન્દ્રભાઈ દેસાઈ જેવા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોને ડિટેન કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

Continue Reading

રાજકારણ

રાહુલ ગાંધી ઝૂઠ્ઠું બોલવાની ફેક્ટરી : અશોક ધોરાજીયા

Published

on

By

SIR અને ચૂંટણી પંચ મુદ્દે કોંગ્રેસ દેશની સ્વાયત્ત સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરી રહી હોવાના ભાજપના આક્ષેપ

નવસારી : ભારતના ચૂંટણી આયોગ, EVM અને SIR (Special Intensive Revision) મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ગત દિવસોમાં કરવામાં આવેલા આક્ષેપો સામે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપ નેતાગીરીએ રાહુલ ગાંધીના નિવેદનોને સખત શબ્દોમાં વખોડ્યા હતા. સાથે જ ચૂંટણીઓમા થતી સતત હારથી ઘેરાયેલી કોંગ્રેસ હવે બંધારણીય સંસ્થાઓ પર સવાલો ઉઠાવીને પોતાની રાજકીય નિષ્ફળતા છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપ પણ કર્યા હતા.

હારની હતાશામાં બંધારણીય સંસ્થાઓ અને ન્યાયતંત્ર પરથી ભરોસો ઊઠ્યો

નમો કમલમ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ અને નવસારી મહાનગર પાલિકાના મેયર અશોક ધોરાજીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. પત્રકારોને સંબોધિત કરતા મેયર અશોક ધોરાજીયાએ ભારતના ચુંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને ફોર્મ 6 કે જેમાં મૃત વ્યક્તિના નામ કમી કરવાની વાતો સાથેની સુધારણા પદ્ધતિને યોગ્ય ગણાવી, હાલમાં જ કોંગ્રેસી નેતા અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનો અને આક્ષેપોને મુદ્દે રાહુલ ગાંધીને ‘ઝૂઠ્ઠું બોલવાની ફેક્ટરી’ ગણાવ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું કે, જ્યારે પણ પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવે છે ત્યારે જ તેમને ચૂંટણી પંચ અને EVM યોગ્ય લાગે છે. સુપ્રીમ કોર્ટે પણ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને ચકાસીને માન્ય રાખી હોવા છતાં, કોંગ્રેસને દેશના ન્યાયતંત્ર કે બંધારણીય પ્રક્રિયા પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરીને લોકોને ભરમાવવાની આ રાજનીતિ લોકશાહી માટે અત્યંત દુઃખદ છે.

વિકાસની રાજનીતિ સામે કોંગ્રેસની આક્ષેપબાજી નકામી, પોતાની આબરૂ બચાવે

પ્રેસ કોન્ફરન્સનું સંચાલન મીડિયા ઈન્ચાર્જ સમકિત શ્રીશ્રીમાળે કર્યું હતુ. જેમાં ભાજપના મહામંત્રીઓ જીગર દેસાઈ, શાંતિલાલ પટેલ અને લોચન શાસ્ત્રી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ નેતાઓએ એકસૂરે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહેલાં અભૂતપૂર્વ વિકાસકામો અને ગરીબ કલ્યાણની નીતિઓને કારણે દેશની જનતા ભાજપ સાથે મજબૂતીથી ઉભી છે અને આવી આક્ષેપબાજીથી ગેરમાર્ગે દોરાવાની નથી. કોંગ્રેસ પોતાની રાજકીય જમીન ગુમાવી ચૂકી છે, તેથી હવે દેશની છબી ખરાબ કરવાને બદલે પક્ષમાં જે થોડીઘણી આબરૂ બચી છે તેને બચાવવા તરફ ધ્યાન આપવું જોઈએ.

Continue Reading

રાજકારણ

ભારતના પ્રથમ AI સજ્જ હાઈટેક નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ નું PM નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ

Published

on

By

40 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં10 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યુ છે આધુનિક નમો કમલમ

નવસારી : દેશના રાજકીય ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પક્ષના જિલ્લા કક્ષાના કાર્યાલયનું લોકાર્પણ પ્રાદેશિક નેતાઓના હસ્તે થતું હોય છે, પરંતુ પ્રથમ વખત દેશના વડાપ્રધાન પોતે એક જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરવા નવસારીના આંગણે આવી રહ્યા છે. આગામી 8 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીમાંથી પસાર થતા હાઇવે નજીક આકાર પામેલા દેશના પ્રથમ AI સજ્જ અને હાઈટેક કાર્યાલય ‘નમો કમલમ’ નું લોકાર્પણ કરશે, જે નવસારી માટે એક અત્યંત ગૌરવશાળી અને ઐતિહાસિક ક્ષણ બની રહેશે.

હાઈટેક ટેકનોલોજી અને ગ્રીન એનર્જીનો અદ્ભુત સમન્વય

માત્ર પોણા બે વર્ષના વિક્રમી સમયમાં અને અંદાજે 10 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ 40 હજાર સ્ક્વેર ફૂટનું ‘નમો કમલમ’ માત્ર રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર નથી, પરંતુ આધુનિક ભારતનું એક રોલ મોડલ છે. કોર્પોરેટ શૈલીમાં નિર્મિત આ કેમ્પસ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, સોલર પેનલ્સ અને વોટર હાર્વેસ્ટિંગ જેવી પર્યાવરણપૂરક સુવિધાઓથી સુસજ્જ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કાર્યક્ષમ ઉપયોગ કરીને સંગઠનને વધુ સક્રિય અને સુગ્રથિત બનાવતું આ કાર્યાલય દેશના તમામ રાજકીય કાર્યાલયો માટે આધુનિકતા અને ગ્રીન એનર્જીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

રાજકીય સુસજ્જતા સાથે જનકલ્યાણનો મહાયજ્ઞ

આ ઐતિહાસિક મુલાકાત માત્ર સંગઠનની શક્તિ પ્રદર્શન પૂરતી સીમિત નથી, પરંતુ તેને જનસેવાના મહાયજ્ઞ સાથે જોડવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને વધાવવા નવસારી જિલ્લા પ્રશાસન અને ભાજપ સંગઠન દ્વારા જનભાગીદારીથી એક વ્યાપક કલ્યાણકારી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. TB મુક્ત નવસારી, કુપોષણ નાબૂદી, 350 થી વધુ ગામોમાં સ્વચ્છતા અભિયાન અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સરકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. એક તરફ હાઇટેક કાર્યાલયની ગૌરવવંતી ભેટ અને બીજી તરફ છેવાડાના માનવી સુધી પહોંચતો સશક્તિકરણનો લાભ – નવસારી આજે દેશ સામે વિકાસ, આધુનિકતા અને સુશાસનનું નવું શિખર સર કરી રહ્યું છે.

 

Continue Reading
Advertisement

Trending