રેડ ક્રોસના સહયોગથી 75 રક્તદાતાઓ દ્વારા રક્તદાન; સોમવારે પૂર્વ ગૃહ સચિવ અને માહિતી કમિશનર નિખિલ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ
નવસારી : વિશ્વભરમાં પ્રેમ, શાંતિ, એકતા અને ધર્મનો સંદેશ ફેલાવનાર ભગવાન સત્ય સાંઈબાબાના શતાબ્દી જયંતિ મહોત્સવની નવસારી સેન્ટર દ્વારા ભવ્ય અને સેવાભાવી ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે હોસ્પિટલોમાં સેવાકાર્યો અને રક્તદાન શિબિર યોજાયા છે, જ્યારે આવતીકાલે સોમવાર, 23 નવેમ્બરે વિશેષ અતિથિની હાજરી, ભેટ અર્પણ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
સેવાકાર્યો અને રક્તદાનથી જનહિતની પહેલ
શતાબ્દી જયંતિ મહોત્સવના ભાગરૂપે નવસારીની સિવિલ હોસ્પિટલ તેમજ મરોલીયા હોસ્પિટલમાં વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સત્ય સાંઈ સેન્ટર અને રેડ ક્રોસ નવસારીના સંયુક્ત ઉપક્રમે વિવેકાનંદ સોસાયટી ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 75 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને માનવતાની મહેક પ્રસરાવી છે.
સોમવારે વિશેષ ઉપસ્થિતિ અને પાદુકા અર્પણ
આવતીકાલે સોમવાર, તારીખ 23 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ હોમ સેક્રેટરી, હાલના રાજ્ય માહિતી કમિશનર અને પ્રખર સત્ય સાંઈ ભક્ત નિખિલ ભટ્ટ વિશેષ અતિથિ તરીકે પધારશે. તેઓ સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન સેન્ટર ખાતે ઉપસ્થિત રહેશે, જ્યાં નવસારીના ભક્ત જી.પી. મહેતા પરિવારના ભાવનાબેન અને ગૌતમભાઈ મહેતા તરફથી ભગવાન સત્ય સાંઈબાબાએ ભેટ આપેલ પાદુકા નિખિલ ભટ્ટને અર્પણ કરવામાં આવશે.
મહાપ્રસાદનું આયોજન અને ભક્તોને ભાવભર્યું આમંત્રણ
સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે કન્વીનર જયદીપ દેસાઈ અને તેમની ટીમ ખડેપગે સેવારત રહીને જહેમત ઉઠાવી રહી છે. સોમવારે સાંજે 7 થી 9 વાગ્યાના કાર્યક્રમ બાદ સત્ય સાંઈ મહાપ્રસાદનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોને જોડાવા કન્વીનર જયદીપ દેસાઈ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.