Connect with us

દક્ષિણ-ગુજરાત

સુપા ગામે ધમાચકડી મચાવનાર તોફાની કપીરાજ પાંજરે પુરાયો

Published

on

વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કપીરાજ પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી

નવસારી : નવસારીના સુપા ગામે છેલ્લા એક મહિનાથી ધમાચકડી મચાવી, લોકો પાછળ દોડી હુમલો કરતો કપીરાજ આજે સવારે વન વિભાગ દ્વારા ગોઠવેલા પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. તોફાની કપીરાજની આરોગ્ય તપાસ કરાવી જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાશે.

કપીરાજને પકડવા એનિમલ સેવીંગ ગ્રુપના સભ્યની મહેનત કામ લાગી

નવસારી તાલુકાના સુપા ગામે છેલ્લા એક મહિનાથી એક કપીરાજ તોફાને ચડ્યો હતો. ગામના અલગ અલગ ફળિયામાં પહોંચી જઈ લોકોને હેરાન કરી રહ્યો હતો. જેમાં છેલ્લા થોડા દિવસોથી રસ્તે ચાલતા કે ઘરના વાડામાં કામ કરતા ગ્રામજનો પાછળ દોડતો અને તેમના ઉપર હુમલો કરી ઘાયલ પણ કરતો હતો. કપીરાજથી કંટાળી ગ્રામજનોએ નવસારી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરતા, વન વિભાગ દ્વારા ગામના બ્રાહ્મણ ફળિયામાં પાંજરૂ ગોઠવ્યું હતું. પરંતુ તોફાની કપીરાજ પાંજરે પુરાતો ન હતો. કપીરાજને પકડવા નવસારીની એનિમલ સેવીંગ ગ્રુપના સભ્યો પણ કામે લાગ્યા હતા. જેમાં આજે સવારે એનિમલ સેવીંગ ગ્રુપના સમીસ ઢીમ્મરે ગ્રામજનોની મદદથી મહા મહેનતે તોફાની કપીરાજને પાંજરે પૂર્યો હતો. ધમાલી કપીરાજ પાંજરે પુરાતા સુપાના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે વન વિભાગે તોફાની કપીરાજનો કબજો લઈ, તેની આરોગ્ય તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી છે. કપીરાજની સારવાર બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર તેને જંગલમાં છોડવામાં આવશે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

દક્ષિણ-ગુજરાત

બીલીમોરા સ્ટેશન નજીક ગાદલાની દુકાનમાં ભીષણ આગ : 6 દુકાનો ખાખ

Published

on

By

ગણદેવી અને બીલીમોરા ફાયર બ્રિગેડના 5 ફાયર ફાઇટરો થકી કલાકોની જહમત બાદ આગ કાબૂમાં આવી

નવસારી : નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ધમધમતા સ્ટેશન વિસ્તારમાં શનિવારે બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગાદલાની દુકાનમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ રૂપ લેતા આસપાસની અન્ય દુકાનોને પણ પોતાની ચપેટમાં લીધી હતી. આ ગોઝારી ઘટનામાં દવાની દુકાન સહિત કુલ 6 દુકાનોમાં આગ પ્રસરતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ બીલીમોરા અને ગણદેવી ફાયર સ્ટેશનના 5 ફાયર ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચેલા લાશ્કરોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

વિકરાળ જ્વાળાઓ વચ્ચે ફાયર ફાઈટરોનું રેસ્ક્યૂ ઓપરેશન : રસ્તો ન મળતા એક દુકાન તોડવી પડી

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બીલીમોરા સ્ટેશન રોડ પર આવેલી એક ગાદલાની દુકાનમાં શનિવારે બપોરે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. દુકાનમાં યાર્ન, કપાસી રૂ અને કાપડનો જથ્થો હોવાથી આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ઝડપથી પ્રસરી કે બાજુમાં આવેલી મેડિકલ સ્ટોર સહિત આસપાસની અન્ય 5 દુકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ઘટનાની ગંભીરતા જોઈ બીલીમોરા અને ગણદેવીથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, પાછળના ભાગેથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવા માટે પૂરતી જગ્યા કે રસ્તો ન હોવાથી ફાયર વિભાગે ભારે મથામણ બાદ એક દુકાનને તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. કલાકોની ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો, જેના બાદ JCB મશીન વડે બળેલો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સામી દિવાળીએ વેપારીઓ પર આભ તૂટી પડ્યું

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વેપારીઓએ તહેવારોની કમાણી અને ગ્રાહકોની ભીડને ધ્યાનમાં રાખીને દુકાનોમાં મોંઘોદાટ સ્ટોક અને માલસામાન ભરી રાખ્યો હતો. પરંતુ કાળમુખી આગની આ ઘટનાએ વેપારીઓના તમામ ઓરતા અને મહેનત પર પાણી ફેરવી દીધું છે. સામી દિવાળીએ વર્ષભરની રોજીરોટી અને સ્વપ્નાઓ બળીને ભસ્મીભૂત થઈ જતાં પીડિત વેપારીઓ અને તેમના પરિવારજનોમાં ભારે વિષાદ ફેલાયો છે. હજુ ગઈકાલ સુધી જે દુકાનોમાં ગ્રાહકોની ચહલપહલ હતી, ત્યાં આજે માત્ર કાળો કોલસો અને રાખનો ઢગલો નજરે પડે છે. આર્થિક રીતે તૂટી પડેલા આ વેપારીઓ માટે આ દિવાળીનો ઉત્સવ અંધકારમય બની ગયો છે.

Continue Reading

વિશિષ્ટ

નવસારીમાં આકાર પામ્યું 1.83 કરોડનું આધુનિક સિટી બસ પોર્ટ

Published

on

By

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કર્યું લોકાર્પણ; દરરોજ 10 હજાર મુસાફરોની લાઈફલાઈન બનેલી બસ સેવા

નવસારી : શહેરીકરણની ઝડપી દોડમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ જે-તે શહેરની આર્થિક અને સામાજિક ગતિશીલતાનું દર્પણ હોય છે. નવસારી શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રજાજનો માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી સિટી બસ સેવાને આજે એક નવું સરનામું અને નવી ઊંચાઈ મળી છે. નવસારી રેલ્વે સ્ટેશનની પૂર્વ દિશામાં 1.83 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક અને સુવિધાસભર ‘સિટી બસ પોર્ટ’ નું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાગરિકો માટે સસ્તી, સુગમ અને સુરક્ષિત મુસાફરીની ખાતરી આપતું આ બસ પોર્ટ માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ નવસારીની પરિવહન ક્ષેત્રે બદલાતી આધુનિક ઓળખની સાક્ષી છે.

આધુનિક સુવિધાઓ અને સગવડનું નવું કેન્દ્ર

નવનિર્મિત સિટી બસ પોર્ટમાં મુસાફરોની સુવિધા અને સુચારુ સંચાલનને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે. ડેપો પરિસરમાં એકસાથે 60 થી 70 મુસાફરો આરામદાયક રીતે બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથે સંચાલન સરળ બને તે માટે 6 બસ પ્લેટફોર્મ અને એકસાથે 8 બસો પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે. મુસાફરોને સમયસર માહિતી મળી રહે તે હેતુથી બસ ટ્રાવેલિંગ શેડ્યૂલ ડિસ્પ્લે અને ઈન્ક્વાયરી વિન્ડોની સગવડ પણ શરૂ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાના જણાવ્યા મુજબ, આ સુવિધાથી દૈનિક મુસાફરી કરતા હજારો નાગરિકોનો સમય બચશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે.

વિકાસ અને ઐતિહાસિક વારસાનો અનોખો સમન્વય

આ બસ પોર્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે, આધુનિકીકરણની દોડમાં શહેરની પ્રકૃતિ અને ઐતિહાસિક વારસાને જાળવી રાખવાનો સંવેદનશીલ અભિગમ દાખવવામાં આવ્યો છે. ડેપો પરિસરમાં સ્થિત મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડજીની ઐતિહાસિક પ્રતિમાને યથાવત રાખીને તેમની સ્મૃતિઓને સન્માનિત કરાઈ છે, તો બીજી તરફ પરિસરમાં હયાત વૃક્ષોને કાપવાને બદલે તેનું જતન કરીને પર્યાવરણીય સંતુલન જાળવવામાં આવ્યું છે. આમ, રાજાશાહી સમયના વારસા અને પર્યાવરણની ગ્રીન ચેતના સાથે આધુનિક વિકાસનો આ એક અનોખો અને સુમેળભર્યો સમન્વય બની રહ્યો છે.

ગ્રામીણ કનેક્ટિવિટી અને ફ્યુચર એક્સપાન્શન પ્લાન

હાલ નવસારી શહેરમાં 20 સિટી બસો 14 વિવિધ રૂટ પર સફળતાપૂર્વક દોડી રહી છે. આ સેવા માત્ર શહેર પૂરતી સીમિત ન રહેતા ઐતિહાસિક દાંડી, આટ, ઘેલખડી, અબ્રામા, સુપા ગામ, સિસોદ્રા, ઉન ITI અને કસ્બા જેવા દૂર-સુદૂરના ગ્રામ્ય વિસ્તારોને પણ શહેર સાથે જોડે છે. દરરોજ 10 હજારથી વધુ લોકો માટે લાઈફલાઈન બનેલી આ સેવાનું ભવિષ્ય પણ ખૂબ જ રોશન છે. સીટી બસ સેવાના સંચાલક વિરેન્દ્રસિંહ રાણાના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મુસાફરોના પ્રવાસને વધુ સુખદ બનાવવા માટે ‘AC બસ’ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ‘PM ઈ-બસ’ યોજના હેઠળ નવી ઇલેક્ટ્રિક બસો મંજૂર થઈ ચૂકી છે, જે આગામી સમયમાં નવસારીના પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ ગ્રીન, ક્લીન અને ખિસ્સાને પોષાય તેવું સસ્તું બનાવશે.

Continue Reading

અપરાધ

નવસારીમાં ખનન માફિયાઓ પર ભૂસ્તર વિભાગની સર્જિકલ સ્ટ્રાઈક : અંબિકા નદીમાં ડ્રોનથી ગેરકાયદે રેતી ચોરી પકડી

Published

on

By

જિલ્લામાં પ્રથમવાર આધુનિક ટેકનોલોજીથી મેગા ઓપરેશન : 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

નવસારી : નવસારી જિલ્લામાં કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા ખનન માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી કરી હતી. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગે નવસારીમાં પ્રથમ વખત ડ્રોન કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કરી અંબિકા નદીના પેટાળમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગણદેવી તાલુકાના બીલીમોરા સ્મશાન નજીકથી બાજની મદદથી ગેરકાયદે થતા રેતી ખનનને પકડી 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇકથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બીલીમોરા સ્મશાન ભૂમિ પાછળથી ચાલતા કાળા કારોબાર પર ડ્રોનનું ‘હવાઈ સર્વેલન્સ’

નવસારી ભૂસ્તરશાસ્ત્રી પી. આર. ખાંભલાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા અંબિકા નદીપટ્ટમાં એક ગુપ્ત સર્ચ ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિવ્યાંત શિરોયા, માઇન્સ સુપરવાઇઝર સંદીપ રાઉત અને સ્પેશિયલ ડ્રોન ટીમે ગણદેવી તાલુકાના બીલીમોરા ગામની સ્મશાન ભૂમિ પાછળથી પસાર થતી અંબિકા નદીના દુર્ગમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ટીમે આધુનિક ડ્રોન સર્વેલન્સની મદદથી નદીના પેટાળમાંથી યાંત્રિક બાજ (બોટ) વડે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પદ્ધતિને રંગેહાથ ઝડપી પાડીને માફિયાઓના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું.

ગેરકાયદે ખનન કરનારા માફીયાઓ સામે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

આ હાઇ-ટેક દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર રેતી ખનનમાં વપરાતા 2 અત્યાધુનિક યાંત્રિક બાજ અને રેતીની હેરાફેરીમાં સંકળાયેલા 11 ટ્રકો મળીને કુલ 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ જપ્ત કરાયેલા તમામ વાહનો અને સાધનોને આગળની કાનૂની કાર્યવાહી માટે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કસૂરદારો સામે ‘ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017’ હેઠળ ગુનો નોંધાવી, ગેરકાયદે ખનન નેટવર્કના મૂળ સુધી પહોંચવાની કવાયત તેજ કરવામાં આવી છે.

Continue Reading
Advertisement

Trending