Connect with us

રાષ્ટ્રીય

દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવા માટે તૈયાર, સુરત-બિલીમોરા વચ્ચે ‘હાઈ-વોલ્ટેજ’ પાવર સપ્લાય શરૂ

Published

on

મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટમાં ઐતિહાસિક માઇલસ્ટોન : 2027 માં થશે પ્રથમ ટ્રાયલ રન

નવસારી/સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી મહત્વાકાંક્ષી યોજના એવા મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (Bullet Train) પ્રોજેક્ટે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આગામી વર્ષ 2027 માં સુરતથી નવસારીના બિલીમોરા વચ્ચે યોજાનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ટ્રાયલ રન પૂર્વે, સૌથી નિર્ણાયક ગણાતી ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સિસ્ટમને વીજળી આપીને કાર્યરત કરી દેવામાં આવી છે. 50 કિલોમીટરના આ એલિવેટેડ રૂટ પર 2 × 25 kV ની અત્યાધુનિક પાવર સિસ્ટમ શરૂ થતા જ હવે હાઈ-સ્પીડ ટ્રેનના ટેસ્ટિંગનો માર્ગ સંપૂર્ણપણે મોકળો બન્યો છે.

ટ્રાયલ રન પૂર્વેનો સૌથી મોટો પડાવ પાર

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનામાં 20 નવેમ્બર 2026 નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. સુરત–બિલીમોરા સેક્શનમાં એલિવેટેડ એલાઇનમેન્ટ પર અપ અને ડાઉન એમ બંને લાઇનો પર ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમને સફળતાપૂર્વક એનર્જાઇઝ કરવામાં આવી છે. વિશ્વસ્તરીય હાઈ-સ્પીડ રેલ પ્રણાલીમાં વપરાતી 2 × 25 kV ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમને તબક્કાવાર અને ટેકનિકલ ટીમોની કડક દેખરેખ હેઠળ વીજ પ્રવાહ આપવામાં આવ્યો છે. 2027 માં જ્યારે આ રૂટ પર પ્રથમ ટ્રાયલ રન થશે, ત્યારે ટ્રેનને પૂરપાટ ઝડપે દોડાવવા માટે આ પાવર સિસ્ટમ કરોડરજ્જુ સમાન સાબિત થશે.

નવસારીના બિલીમોરાથી મળશે હાઈ-ટેક પાવર સપ્લાય

સમગ્ર 508 કિલોમીટર લાંબા કોરિડોરમાં કુલ 14 ટ્રેક્શન સબ-સ્ટેશન (TSS) બની રહ્યા છે, જેમાંથી નવસારી જિલ્લાના બિલીમોરા ખાતેનું પ્રથમ ટ્રેક્શન સબ-સ્ટેશન સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. અહીં ટ્રાન્સફોર્મર, કંટ્રોલ પેનલ અને સર્કિટ બ્રેકર સહિતના ઉપકરણોનું ઇન્સ્ટોલેશન પૂર્ણ થતા GETCO ના 220 kV અંબેઠા ગ્રીડ સબ-સ્ટેશનમાંથી વીજ પુરવઠો મેળવવાનું શરૂ થયું છે. આ સમગ્ર વિદ્યુત નેટવર્કનું સંચાલન એક કેન્દ્રીયકૃત કંટ્રોલ સેન્ટર દ્વારા થશે, જે ટ્રેનના સુરક્ષિત અને અવિરત સંચાલનની ખાતરી આપશે.

એન્જિનિયરિંગનો અદભુત નમૂનો અને જાહેર ચેતવણી

સુરતથી બિલીમોરા વચ્ચેનો આ 50 કિલોમીટરનો એલિવેટેડ રૂટ આધુનિક એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં ચાર નદીઓ પરના પુલ, NH-53 પરનો ભવ્ય સ્ટીલ બ્રિજ અને આસપાસના વિસ્તારોમાં અવાજનું પ્રદૂષણ રોકવા 94,000 જેટલા નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. જોકે, હવે ઓવરહેડ લાઇનોમાં હાઈ-વોલ્ટેજ વીજ પ્રવાહ શરૂ થઈ ગયો હોવાથી તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકો, મુસાફરો અને શ્રમિકોને કડક ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ટ્રેક કે વિદ્યુત ઉપકરણોની નજીક ન જાય અને કોઈપણ પ્રકારની અનધિકૃત પ્રવૃત્તિથી દૂર રહે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

નવસારી

નવસારી બનશે દેશની પ્રથમ ‘યુનિફોર્મ’ મહાનગરપાલિકા : શહેરમાં એકસરખી લારીઓ હશે

Published

on

By

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લુન્સીકુઈ ચોપાટીના વેપારીઓને 45 આધુનિક સ્ટીલ બોડી લારીઓનું વિતરણ

નવસારી : નવસારી શહેરના નાના વેપારીઓ અને રોજગાર મેળવતા મધ્યમ વર્ગીય પરિવારોની આર્થિક સ્થિતિને સુદ્રઢ બનાવવા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલના હસ્તે લુન્સીકુઈ ચોપાટીના વેપારીઓને વધુ 45 નવી આધુનિક સ્ટીલ બોડી લારીઓ અર્પણ કરવામાં આવી છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવસારી પ્રવાસ સમયે અપાયેલી 25 લારીઓ સાથે હવે લુન્સીકુઈ ચોપાટીના કુલ 70 લારી ધારકોને સુસજ્જ અને હાઇજેનિક વ્યવસાયિક સુવિધા પ્રાપ્ત થઈ છે. સમગ્ર શહેરમાં તબક્કાવાર 700 એકસરખી સ્ટીલ બોડી લારીઓ આપવાના આયોજન સાથે નવસારી દેશની પ્રથમ ‘યુનિફોર્મ મહાનગરપાલિકા’ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

શહેરમાં 700 યુનિફોર્મ લારીઓનો લક્ષ્યાંક, બેંકના સંકલનથી વધુ 100 લારીઓનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવસારી મુલાકાત દરમિયાન શહેરના તમામ લારી ધારકો માટે એકસમાન અને આધુનિક વ્યવસ્થા ઊભી કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તે અંતર્ગત હાથ ધરાયેલા સર્વે મુજબ શહેરમાં કુલ 700 યુનિફોર્મ સ્ટીલ બોડી લારીઓનું તબક્કાવાર વિતરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. આ લારીઓ માત્ર સુંદરતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વેપારીઓની જરૂરિયાત મુજબ જરૂરી સુધારા-વધારા, નીચે સ્ટોરેજ સુવિધા અને સરળતાથી સાફ-સફાઈ થઈ શકે તેવું આધુનિક મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં મહાપાલિકાના મેયર અને બેંક ઓફ બરોડાના સંકલનથી વધુ 100 નવી લારીઓનું લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી શહેરની સુંદરતા વધવાની સાથે સ્વચ્છતા અને હાઈજીનમાં પણ મોટો સુધારો જોવા મળશે.

વ્યાજના વિષચક્રમાંથી મુક્તિ અને સ્વમાનભેર રોજગારી : નાના વેપારીઓની અર્થવ્યવસ્થાને મળશે મજબૂત બુસ્ટ

નાના લારી-ગલ્લા ધારકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘણીવાર પઠાણી કે ઊંચા વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા હોય છે. આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે PM સ્વાનિધિ યોજના હેઠળ લારી ધારકોને 15 હજારથી લઈને 50 હજાર સુધીની ખૂબ સરળ બેંક લોન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ યોજનાકીય લાભો થકી નાના વેપારીઓ આત્મનિર્ભર બનીને પોતાનો વેપાર વધારી શકશે. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના આ સઘન પ્રયાસોથી નવસારીના સ્થાનિક અને મધ્યમ વર્ગીય અર્થતંત્રને એક નવી ઊર્જા અને મજબૂત ઇકોનોમિક બુસ્ટ મળવા જઈ રહ્યું છે, જે અન્ય નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે પણ એક મોડેલ પૂરવાર થશે.

Continue Reading

સમસ્યા

વલસાડ-સુરત મેમુ ટ્રેનનો વિધિવત પ્રારંભ: દક્ષિણ ગુજરાતના લાખો મુસાફરોને મળી મોટી રાહત

Published

on

By

કોરોના કાળ બાદ સર્જાયેલી હાડમારીનો અંત ; વલસાડમાં પડતર રહેતી વિરાર મેમુ સુરત સુધી લંબાઈ

નવસારી : સુરત, નવસારી અને વલસાડ વચ્ચે રોજના ધોરણે અપડાઉન કરતા લાખો નોકરિયાત અને મધ્યમવર્ગીય મુસાફરો માટે આજે આશાનું નવું પ્રભાત ઉગ્યું છે. છેલ્લા સાત વર્ષથી ટ્રેનોના અભાવે આર્થિક બોજ અને સમયનો વ્યય સહન કરી રહેલા મુસાફરોની રજૂઆતને ધ્યાને લઈ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ કરેલી સફળ રજૂઆતના પરિણામે વલસાડ-સુરત મેમુ ટ્રેનને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના નોકરિયાતો માટે રોડ માર્ગે થતો મોંઘો પ્રવાસ અટકી જશે અને તેમના સમય તથા પૈસા બંનેની બચત થશે.

વર્ષો જૂની હાડમારીનો અંત અને આર્થિક બોજમાંથી મુક્તિ

કોરોના મહામારી બાદ અનેક સ્થાનિક લોકલ ટ્રેનો બંધ થઈ જતાં સુરત, નવસારી અને વાપી વચ્ચે રોજગારી અર્થે જતા હજારો શ્રમજીવીઓ તથા નોકરિયાતો રોડ માર્ગે મોંઘા ભાડાં ચૂકવીને મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. નવસારી રેલ્વે સલાહકાર સમિતિના સભ્ય જયદીપ દેસાઈની વ્યવહારુ રજૂઆતને સાંસદ સી. આર. પાટીલે દિલ્હી દરબાર સુધી પહોંચાડીને આ સુવિધા પુનઃ શરૂ કરાવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ, બપોરના સમયે વલસાડ ખાતે પડી રહેતી વિરાર મેમુને હવે સુરત સુધી લંબાવવામાં આવી છે. દરરોજ બપોરે 3:18 કલાકે નવસારી થઈ સુરત પહોંચતી અને સાંજે 6 કલાકે સુરતથી પરત નવસારી આવતી આ ટ્રેનના પ્રારંભથી મધ્યમ વર્ગના ખિસ્સા પરનો ભારે આર્થિક બોજ હળવો થશે.

જનહિતમાં સમયનો સદ્ઉપયોગ અને નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત

નવસારી રેલ્વે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં આ ટ્રેનનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વલસાડ ખાતે વિનાકારણ પડતર પડી રહેલી રેલ્વે સંપત્તિનો સમયસર અને યોગ્ય ઉપયોગ કરીને તેને પ્રજાના હિતમાં સુરત સુધી લંબાવવાનો નિર્ણય વહીવટી કુશળતાનો ઉત્કૃષ્ટ પુરાવો પૂરો પાડે છે. આ ટ્રેનની શરૂઆત માત્ર એક પરિવહન સેવા નથી, પરંતુ મુસાફરોના કિંમતી સમયની બચત કરીને તેમના દૈનિક જીવનને સુગમ બનાવતી એક મહત્વપૂર્ણ આર્થિક રાહત સાબિત થઈ છે.

Continue Reading

અપરાધ

RTO ઇ-ચલણની લિંક મોકલીને મોબાઈલ હેકિંગથી સાયબર ફ્રોડ આચરતી આંતરરાજ્ય ટોળકીના બેની ધરપકડ

Published

on

By

આરોપીઓએ RTO ચલણની નકલી APK ફાઇલ મોકલી 10 લાખની કરી હતી સાયબર છેતરપિંડી

નવસારી : સાયબરની જાળ ફેલાવા સાથે એમાં અપરાધની ગૂંચ પણ વધતી જાય છે. ઠગબાજો અનેક તિકડમ લગાવી, સેંકડો કે હજારો કિમી દૂર બેઠેલા નાગરિકને શિકાર બનાવી, તેમના એકાઉન્ટને હેક કરીને લાખો રૂપિયા સાયબર ફ્રોડ થકી સેરવી લેતા હોય છે. RTO ઈ ચલણની APK ફાઈલ મોકલી જલાલપોરના દુકાનદારના ખાતામાંથી 10 લાખ રૂપિયા પડાવી લેનારા મહારાષ્ટ્રના ઠગબાજોને પકડવામાં જલાલપોર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મહારાષ્ટ્રના પુણે અને બારામતી ખાતેથી બે સાયબર ઠગોને દબોચી લીધા છે. ટેકનિકલ એનાલિસિસ થકી જલાલપોર પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાને ઉકેલી કાઢ્યો છે.

બોગસ RTO ચલણની APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કર્યો અને 10 લાખ ટ્રાન્સફર કરી લીધા

મળતી માહિતી મુજબ, નવસારીના જલાલપોર વિસ્તારમાં ગૌરીશંકર મોહલ્લામાં રહેતા દીપકકુમાર પ્રવીણભાઈ ડુમાસીયા લિફ્ટ રિપેરિંગનું કામ કરે છે. ગત 31 ઓગસ્ટના રોજ દીપકના કારીગર નવનાથના વ્હોટસએપ નંબર પરથી RTO ચલણની APK ફાઈલ આવી હતી. જેથી RTO માંથી કોઈ ચલણ આવ્યું હશે એવી વિચારીને દીપક ડુમસીયાએ APK ફાઈલ ઓપન કરી લીધી હતી. જે ઓપન કર્યા બાદ open કે denay ઓપ્શન આવતા, દીપકે તેને denay કરી વ્હોટસએપમાંથી બહાર નીકળી ગયો હતો. પરંતુ બાદમાં ગત 6 સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર HDFC Bank ના અને જિયોના કોલ ફોરવર્ડના તથા Email ID ના પાસવર્ડ બદલાયેલા હોય એવા મેસેજ આવતા, દીપકને ધ્રાસ્કો પડ્યો હતો અને તેણે તાત્કાલિક બેંક મેનેજરને ફોન કરી, તેમના 4 બેંક એકાઉન્ટ બ્લોક કરવા વિનંતી કરી હતી. બેંક એકાઉન્ટ બ્લોક કર્યા બાદ છેલ્લા ટ્રાન્ઝેક્શન છેક કરતા 5 સપ્ટેમ્બરના રોજ દીપકના એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયાની FD ની રકમ ‘બેંક ઓફ મહારાષ્ટ્ર’માં ખાતું ધરાવતા અને મહારાષ્ટ્રના પુણેમાં રહેતા સાંસર ગામે રહેતા નિખિલ સુનીલ અંબોડે નામના ઈસમના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાની માહિતી મળી હતી. જેથી દીપક ડુમસીયાએ જલાલપોર પોલીસ મથકે સાયબર છેતરપિંડી અંતર્ગત ગુનો નોંઘવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

ટેકનિકલ એનાલિસિસના આધારે જલાલપોર પોલીસની પુણે અને બારામતીમાં રેડ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જલાલપોર PI એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ વિશેષ પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલા ટેકનિકલ એનાલિસિસમાં મુખ્ય આરોપી નિખિલ અંબોડે મહારાષ્ટ્રના પુણે વિસ્તારમાં હોવાનું લોકેશન મળ્યું હતું. પોલીસ ટુકડી તાત્કાલિક પુણેના સાંસર ગામે પહોંચી હતી અને 25 વર્ષીય નિખિલ સુનીલ અંબોડેને દબોચી લીધો હતો. નિખિલની કડકાઈથી પૂછપરછ કરતા તેણે તેના સાથીદાર અને મહારાષ્ટ્રના બારામતીમાં સોમેશ્વર નગરમાં રહેતા 25 વર્ષીય સૈરાજ અશોક લોંઢેનું નામ ખુલ્યું હતું . જેથી પોલીસે બારામતી ખાતેથી સૈરાજ લોન્ઢેની પણ ધરપકડ કરી હતી. બંને સાયબર ઠગોને પોલીસે નવસારી લાવી, સાયબર છેતરપિંડીના ગુનામાં તેમની સાથે અન્ય કેટલા આરોપીઓ છે..? ટ્રાન્સફર કરેલી 10 લાખ રૂપિયાની રકમ ક્યાં મોકલી અથવા એનું શું કર્યું..? વગેરે સવાલોના જવાબ મેળવવા રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading
Advertisement

Trending