Connect with us

ધર્મ

નવસારી BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિમય માહોલમાં ભવ્ય ‘હાટડી મહોત્સવ’ ઉજવાયો

Published

on

પ્રબોધિની એકાદશી નિમિત્તે ઠાકોરજી સમક્ષ વિવિધ શાકભાજી અને ફળોનો અનોખો શણગાર

નવસારી : સનાતન હિંદુ સંસ્કૃતિના પાવન પર્વ દેવઉઠી એકાદશી (પ્રબોધિની એકાદશી) નિમિત્તે નવસારી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અત્યંત ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે પરંપરાગત ‘હાટડી મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન સમક્ષ તાજા શાકભાજી અને ફળોની સુંદર હાટડી સજાવવામાં આવી હતી, તેમજ નાળિયેરના કાચલામાં કપાસિયાના તેલના દીવડા પ્રગટાવી વિશેષ આરતી ઉતારવામાં આવી હતી. ઉત્સવના સમાપન સમયે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ આગામી 1 થી 14 ડિસેમ્બર દરમિયાન નવસારી પધારી રહ્યા હોવાની જાહેરાત થતાં સમગ્ર સત્સંગ સમાજમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી.

સનાતન સંસ્કૃતિ અને હાટડી ઉત્સવનું આધ્યાત્મિક મહત્વ

ભારતીય સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિ અને પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અનોખી પરંપરા રહી છે. જે રીતે વર્ષાઋતુમાં પાકેલા નવા અનાજ અને કઠોળમાંથી વિવિધ વ્યંજનો તૈયાર કરીને નૂતન વર્ષે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે, તે જ ભાવના સાથે દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસે ખેતરોમાં પાકતા વિવિધ શાકભાજી અને ફળો ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે. નવસારી BAPS મંદિર ખાતે ભગવાન સમક્ષ વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોની કલાત્મક ‘હાટડી’ (બજાર) રચવામાં આવી હતી, જેના દર્શન કરીને હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

નાળિયેરના દીવડાની વિશેષ આરતી અને પ્રસાદ વિતરણ

હાટડી મહોત્સવની પરંપરા મુજબ મંદિર પરિસરમાં અત્યંત દિવ્ય માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે પરંપરાગત રીતે નાળિયેરના અડધા ભાગમાં કપાસિયાનું તેલ પૂરીને પ્રગટાવેલા દીવડાઓ વડે ભગવાનની મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેના અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લીધો હતો. આરતી બાદ ભગવાનને અર્પણ કરાયેલા તમામ શાકભાજી અને ફળોનું ‘ભગવાનના હાટ’ સ્વરૂપે ઉપસ્થિત સૌ હરિભક્તોમાં પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું.

મહંત સ્વામી મહારાજના આગમનની જાહેરાતથી હરિભક્તોમાં હર્ષોલ્લાસ

આ ભક્તિમય ઉત્સવના અંતે મંદિર પ્રશાસન દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને આનંદદાયક જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ, BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગામી તા. 1 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન નવસારીના આંગણે પધારી રહ્યા છે. ગુરુહરિના આગમનના સમાચાર સાંભળતા જ મંદિર પરિસર જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર પરિવાર દ્વારા નવસારી અને સમગ્ર દક્ષિણ ગુજરાતના હરિભક્તોને મહંત સ્વામી મહારાજના દિવ્ય દર્શન અને આશીર્વાદનો અવશ્ય લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ધર્મ

નવસારીમાં ભગવાન સત્ય સાંઈબાબાનો શતાબ્દી જયંતિ મહોત્સવ : સેવા, શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ

Published

on

By

રેડ ક્રોસના સહયોગથી 75 રક્તદાતાઓ દ્વારા રક્તદાન; સોમવારે પૂર્વ ગૃહ સચિવ અને માહિતી કમિશનર નિખિલ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ

નવસારી : વિશ્વભરમાં પ્રેમ, શાંતિ, એકતા અને ધર્મનો સંદેશ ફેલાવનાર ભગવાન સત્ય સાંઈબાબાના શતાબ્દી જયંતિ મહોત્સવની નવસારી સેન્ટર દ્વારા ભવ્ય અને સેવાભાવી ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે હોસ્પિટલોમાં સેવાકાર્યો અને રક્તદાન શિબિર યોજાયા છે, જ્યારે આવતીકાલે સોમવાર, 23 નવેમ્બરે વિશેષ અતિથિની હાજરી, ભેટ અર્પણ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

સેવાકાર્યો અને રક્તદાનથી જનહિતની પહેલ

શતાબ્દી જયંતિ મહોત્સવના ભાગરૂપે નવસારીની સિવિલ હોસ્પિટલ તેમજ મરોલીયા હોસ્પિટલમાં વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સત્ય સાંઈ સેન્ટર અને રેડ ક્રોસ નવસારીના સંયુક્ત ઉપક્રમે વિવેકાનંદ સોસાયટી ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 75 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને માનવતાની મહેક પ્રસરાવી છે.

સોમવારે વિશેષ ઉપસ્થિતિ અને પાદુકા અર્પણ

આવતીકાલે સોમવાર, તારીખ 23 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ હોમ સેક્રેટરી, હાલના રાજ્ય માહિતી કમિશનર અને પ્રખર સત્ય સાંઈ ભક્ત નિખિલ ભટ્ટ વિશેષ અતિથિ તરીકે પધારશે. તેઓ સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન સેન્ટર ખાતે ઉપસ્થિત રહેશે, જ્યાં નવસારીના ભક્ત જી.પી. મહેતા પરિવારના ભાવનાબેન અને ગૌતમભાઈ મહેતા તરફથી ભગવાન સત્ય સાંઈબાબાએ ભેટ આપેલ પાદુકા નિખિલ ભટ્ટને અર્પણ કરવામાં આવશે.

મહાપ્રસાદનું આયોજન અને ભક્તોને ભાવભર્યું આમંત્રણ

સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે કન્વીનર જયદીપ દેસાઈ અને તેમની ટીમ ખડેપગે સેવારત રહીને જહેમત ઉઠાવી રહી છે. સોમવારે સાંજે 7 થી 9 વાગ્યાના કાર્યક્રમ બાદ સત્ય સાંઈ મહાપ્રસાદનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોને જોડાવા કન્વીનર જયદીપ દેસાઈ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

Continue Reading

તહેવાર

નવસારીમાં વિઘ્નહર્તાની વિદાયમાં દિવ્યાંગ બાળાનો નિશ્ચલ પ્રેમ અને પોલીસની પ્રશંસનીય પહેલ

Published

on

By

ઓવારા પર દિવ્યાંગ બાળા બાપ્પાને ભેટીને રડી પડી; તો વહેલા વિસર્જન માટે પહોંચેલા ગણેશ મંડળોને પોલીસે ‘ગુલાબ’ આપ્યા

નવસારી : દસ દિવસ સુધી મન મૂકીને પૂજા-અર્ચના કર્યા બાદ નવસારી શહેરમાં આજે વિઘ્નહર્તા શ્રીજીને ભારે હૈયે વિદાય આપવામાં આવી રહી છે. ભક્તિ અને ઉલ્લાસ વચ્ચે નવસારીના વિસર્જન ઓવારાઓ પર આજે બે અનોખા અને સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ભક્ત અને ભગવાન વચ્ચેનો લાગણીસભર સંબંધ અને બીજી તરફ પોલીસ તથા નાગરિકો વચ્ચેના સુચારુ સહયોગનું ઉત્તમ ઉદાહરણ.

ખુરશી પર આવેલી દિવ્યાંગ બાળા બાપ્પાને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી

નવસારીના વિરાવળ વિસર્જન ઓવારા પર આજે એક અત્યંત ભાવુક ક્ષણ સર્જાઈ હતી. એક પરિવાર પોતાના ઘરના નાના ગણપતિનું વિસર્જન કરવા માટે પોતાની દિવ્યાંગ બાળાને ખુરશી પર બેસાડીને આસ્થાના ઓવારે લાવ્યો હતો. દસ દિવસ સુધી ઘરમાં મહેમાન બનીને રહેલા દાદાને વિદાય આપવાનો સમય આવ્યો, ત્યારે આ દિવ્યાંગ બાળા પોતાની લાગણીઓ રોકી નહોતી શકી. વિસર્જન પૂર્વે બાળા શ્રીજીની પ્રતિમાને ગાઢ ભેટી પડી હતી અને તેની આંખોમાંથી અશ્રુની ધારા વહી નીકળી હતી. બાપ્પાના વિરહમાં બાળાને રડતી જોઈને ત્યાં હાજર અન્ય ભક્તો અને તંત્રના કર્મચારીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બાદમાં પરિવારજનોએ તેને વહાલથી સમજાવીને શાંત પાડી હતી અને ભાવભીના અંબર સાથે શ્રીજીની પ્રતિમાને જળમાં વિસર્જિત કરી હતી.

પોલીસની અનોખી પહેલ: સમયસર વિસર્જન કરનારા મંડળોનું પોલીસે ‘ગુલાબ’ આપી કર્યું સન્માન

બીજી તરફ, સમગ્ર વિસર્જન યાત્રા નિર્વિઘ્ને અને સમયસર પૂર્ણ થાય તે માટે નવસારી ટાઉન પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને સકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો. વિસર્જન પ્રક્રિયામાં જોડાયેલા હજારો સુરક્ષા કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓને મોડી રાત સુધી ઉજાગરા ન કરવા પડે અને વ્યવસ્થા સચવાય તે માટે પોલીસે મંડળોને વહેલું વિસર્જન કરવા અપીલ કરી હતી. જેને માન આપીને જે ગણેશ મંડળો સમયસર વિસર્જન યાત્રામાં જોડાયા અને વહેલા ઓવારા પર પહોંચ્યા, તે તમામ મંડળોનું નવસારી ટાઉન PI કે.ડી. નકુમ અને તેમની ટીમે ગુલાબનું ફૂલ આપીને સન્માન કર્યું હતું. મંડળોએ પણ પોલીસની આ અપીલ અને સન્માનની પદ્ધતિને ઉષ્માભેર આવકારીને કાયદા-વ્યવસ્થા અને સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Continue Reading

તહેવાર

અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય: નવસારીમાં હજારો શ્રીજી પ્રતિમાઓનું ભાવસભર વિસર્જન

Published

on

By

ગુલાલની ડમરીઓ, ડીજેના તાલ અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન પર્વ સંપન્ન

નવસારી : દસ-દસ દિવસ સુધી મંડપોમાં રેલાયેલી અનન્ય ભક્તિ, મહાઆરતીના મધુર સૂર અને અવિરત સેવા-પૂજા બાદ આજે નવસારી જિલ્લો એક અત્યંત લાગણીસભર ક્ષણનો સાક્ષી બન્યો હતો. વિઘ્નહર્તા શ્રીજીને આગામી વર્ષે વહેલા આવવાના ભાવભીના નિમંત્રણ સાથે હજારો ભક્તોએ અશ્રુભીની આંખો અને ભારે હૈયે વિદાય આપી હતી. સવારથી જ નવસારીના માર્ગો ગુલાલની ગુલાબી ડમરીઓ અને ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ’ ના જયઘોષથી ગુંજી ઊઠ્યા હતા. વિરાવળ પૂર્ણા નદીના ઓવારેથી લઈને દાંડીના અનંત દરિયા કિનારા સુધી સમગ્ર વાતાવરણ ગણપતિમય અને ભક્તિરસમાં સરોબોર બની ગયું હતું.

પૂર્ણાના ઓવારેથી દાંડીના દરિયા સુધી અંદાજે 20 હજાર પ્રતિમાઓ વિસર્જિત

ડીજે, ઢોલ-નગારા અને બેન્ડવાજાના તાલ પર ઉડતા ગુલાલ વચ્ચે ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો, પરંતુ સાથે જ દરેક શ્રદ્ધાળુના હૃદયમાં દાદાના જવા નો અજંપો અને વિરહ સ્પષ્ટપણે છલકાતો હતો. નવસારી શહેરના વિરાવળ સ્થિત પૂર્ણા નદીના ઓવારે, ધારાગિરી, જલાલપોર તેમજ દાંડીના વિશાળ દરિયા કિનારે નાની-મોટી મળીને હજારો ગણેશ પ્રતિમાઓનું પૂર્ણ શ્રદ્ધા અને વિધિવિધાન સાથે જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. માત્ર શહેર જ નહીં, પરંતુ બીલીમોરા, ગણદેવી સહિત ગ્રામ્ય વિસ્તારોના નદીઓ, તળાવો અને કૂત્રિમ કુંડ પણ બાપ્પાના વિસર્જન સાથે ગણપતિમય બન્યા હતા. ભક્તોએ જળમાં પ્રતિમા પધરાવતી વખતે આરતી ઉતારી, ચરણસ્પર્શ કરી દાદાના આશીર્વાદ લીધા હતા.

ચોકસાઈભર્યું તંત્ર : 1898 જવાનો, ડ્રોન સર્વેલન્સ અને સાયબર મોનિટરિંગથી શોભાયાત્રા રહી સુરક્ષિત

નવસારી શહેર સહિત જિલ્લામાં વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અભેદ સુરક્ષા ચક્ર રચવામાં આવ્યું હતું. સમગ્ર વિસર્જન રૂટ પર કોઈ વિઘ્ન ન આવે તે માટે, પોલીસ અધિકારીઓ, પોલીસકર્મીઓ, હોમગાર્ડ, GRD, તાલીમાર્થીઓ મળીને 1998 પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિસર્જન યાત્રામા મંડળોના આગેવાનનો મોબાઈલ ફોન GPS ટ્રેકર સાથે જોડી, ડ્રોન સર્વેલન્સ અને સાયબર મોનિટરિંગ દ્વારા ટેકનિકલ સર્વેલન્સથી ટ્રાફિક અને સાયબર પોલીસ દ્વારા પળેપળની હિલચાલ પર કડક નજર રાખવામાં આવી હતી. તંત્રના ઉત્કૃષ્ટ આયોજન અને નાગરિકોના સહયોગના કારણે સમગ્ર નવસારી જિલ્લામાં શ્રીજીની આ ભવ્ય વિદાય વેળા એકદમ સુરક્ષિત, સૌહાર્દપૂર્ણ અને આનંદદાયક વાતાવરણમાં વિસર્જન યાત્રા સંપન્ન થઈ હતી.

Continue Reading
Advertisement

Trending