ધર્મ

અષ્ટગામમાં ધર્મપરિવર્તનની પ્રવૃત્તિને કારણે આદિવાસી સમાજમાં આક્રોશ

Published

on

ગામમાં ખ્રિસ્તીઓના પ્રવેશ પર પ્રતિબંધ, પ્રાર્થના સભા કરવા મંજુરી લેવાનો આદેશ

નવસારી : નવસારી જિલ્લામાં છેલ્લા થોડા મહિનાઓથી આદિવાસીઓનાં ધર્મ પરિવર્તનનો મુદ્દો વિવાદિત બન્યો છે. જેમાં ગરીબ આદિવાસીઓ ભોળવાઈને ખ્રિસ્તી ધર્મ અપનાવતા હોવાના આક્ષેપો થયા છે, સાથે જ આદિવાસી સમાજ અને ધર્માંતરણ કરનારાઓ વચ્ચે વિખવાદ પણ ઉભા થતા રહ્યા છે. ત્યારે નવસારી તાલુકાના અષ્ટગામ ગામે ખ્રિસ્તી ધર્મ પાળનારા બહારના લોકોએ ગામમાં પ્રવેશ ન કરવો અને કરશે તો કાયદાકીય પગલા લેવામાં આવશેના બોર્ડ લગાવી ધર્મ પરિવર્તનનો વિરોધ કરવામાં આવ્યો છે. જેની સામે ખ્રિસ્તી ધર્મમાં જોડાયેલા પરિવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ધાર્મિક સ્વતંત્રતાની વાત સાથે સમસ્યાના સમાધાનની માંગણી કરી છે.

નવસારી જિલ્લાનાં ગામડાઓમાં વસતા આદિવાસી સમાજનાં ઘણા લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવતા થયા છે. જેમાં આદિવાસીઓને જ ખ્રિસ્તી ધર્મના પ્રચારક બનાવી દેવામાં આવતા લગભગ દરેક ગામોમાં ખ્રિસ્તી ધર્મ પાળતા આદિવાસીઓની સંખ્યા વધી છે. ધર્મ પરિવર્તન બાદ એક બીજાનાં ગામોમાં જઇ શુક્રવારે અને રવિવારે પ્રાર્થના સભાઓ પણ કરતા મૂળ આદિવાસી સમાજ સાથે સંકળાયેલા લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. નવસારીના તાલુકાના અષ્ટગામ ગામે પણ પ્રાર્થના સભાઓને કારણે ગામના લોકો વચ્ચે વિવાદ સર્જાયો છે. ગામના સરપંચ ઉમેશ તલાવીયાએ હેક્ષિલોન સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા ધર્મ પરિવર્તન બાદ પરિવારમાં જ વિખવાદ ઉભા કરે છે. મરણ પ્રસંગે કે લગ્ન પ્રસંગમાં પણ નથી આવતા, સાથે જ તેઓ હિંદુ રીતિ રીવાજોને માનતા બંધ થયા છે અને હિંદુ દેવી દેવતાઓના ફોટોને પણ અપમાનિત કરે છે. જેને કારણે ગામના લોકોએ જ પંચાયતમાં ફરિયાદ કરતા એમને પોલીસ અથવા પંચાયતમાંથી મંજુરી લીધા બાદ અને કેટલા લોકો પ્રાર્થનામાં આવશે એની માહિતી આપ્યા બાદ પ્રાર્થના કરવા સમજાવ્યા હતા. જયારે અમારો ખ્રિસ્તી ધર્મ સામે વિરોધ નહિ, પણ તેઓને આદિવાસીઓને મળતા લાભો બંધ કરીને સરકાર તેમની ખ્રિસ્તીઓ તરીકે જ નોંધણી કરે એવી માંગ છે.

ધર્માંતરણ કરનારાઓએ કલેકટરને આવેદન પાઠવી સમસ્યાના સમાધાનની કરી માંગ

જયારે ધર્મ પરિવર્તનના વિવાદ સામે ખ્રિસ્તી ધર્મ અપનાવારાઓમાંના એક એવા જયેશ હળપતિનું કહેવું છે કે ખ્રિસ્તી ધર્મમાં આવવાથી અમારા જીવનમાં પરિવર્તન આવ્યા છે. કુટેવોથી અમે દુર થયા છે, સાથે જ સારી રીતે જીવતા પણ થયા છે. જયારે ભારતના બંધારણે જ એમને ધાર્મિક સ્વતંત્રા આપી છે. અમે ખ્રિસ્તી ધર્મ અનુસાર શુક્રવાર અને રવિવારે પ્રાર્થના સભા કરીએ છે, ત્યાં આવીને અમને યેન કેન પ્રકારે ધમકાવવામાં આવે છે. અમે વિવાદમાં નથી પડવા માંગતા એટલે જ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને ન્યાયની માંગ કરી છે. જિલ્લા કલેકટર અમને સહકાર આપીને સમસ્યાનું સમાધાન કરાવે એજ આશા છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આદિવાસીઓમાં ચાલતા ધર્મ પરિવર્તનના વિવાદને કારણે આદિવાસી સમાજમાં પણ સરકારી તંત્રને મધ્યસ્થી કરી, ખ્રિસ્તી ધર્મ અપનાવનારા આદિવાસીઓનો સર્વે કરાવી એમને આદિવાસી સમાજમાંથી બહાર કાઢી, તેમની ખ્રિસ્તી તરીકે નોંધણી કરે એવી માંગ ઉઠવા પામી છે. સાથે જ વર્ષના પ્રારંભે તંત્રને સમસ્યાના સમાધાન માટેની રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ પગલા લેવામાં ન આવતા આદિવાસી સમાજમાં રોષ વ્યાપ્ત છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર મુદ્દે શું પગલા લે છે એ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version