ફાફડા જલેબીની લારી, દુકાનો પર લાંબી કતારો જોવા મળી
નવસારી : અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી. વિજયના આ પર્વને ગુજરાતીઓ ફાફડા અને જલેબી ખાઈને ઉજવે છે. ત્યારે આજે નવસારીવાસીઓએ ફાફડા અને જલેબી લારીઓ, દુકાનો પર લાંબી કતારો લગાવી હતી અને એક અંદાજ મુજબ એક જ દિવસે 2.5 કરોડના ફાફડા અને જલેબી આરોગી ગયા હતા.
ફાફડા 700 રૂપિયે કિલો અને જલેબી 480 રૂપિયે કિલો વેચાઈ
અધર્મ પર ધર્મની જીત ગુજરાતીઓ ધામધૂમથી ઉજવે છે. જેમાં વર્ષોની પરંપરા મુજબ દશેરાની શરૂઆત ગુજરાતીઓ ફાફડા જલેબી ખાઈને કરતા હોય છે. ત્યારે આજે વહેલી સવારથી નવસારી શહેરમાં આવેલી ફાફડા જલેબીની લારીઓ અને દુકાનો પર ગ્રાહકોએ લાંબી કતારો લગાવી હતી. ગરમ ગરમ ફાફડા અને જલેબી મેળવવા લોકો કલાકો ઉભા રહ્યા હતા. જ્યારે બજારમાં ગ્રાહકો ઉમટી પડતાં દુકાનદારોમાં પણ સારા વેપારને લઇને ખુશી જોવા મળી હતી. જોકે તેલ અને અન્ય સામગ્રીના વધેલા ભાવો વચ્ચે ફાફડા 700 રૂપિયે કિલો અને જલેબી 480 રૂપિયે કિલો વેચાઈ હતી. ત્યારે એક અંદાજ મુજબ શહેર અને જિલ્લામાં 25 હજાર કિલો ફાફડા વેચાયા હતા. જ્યારે 12 હજાર કિલો આસપાસ જલેબીનું વેચાણ થયું હતું. જેને જોતા નવસારીવાસીઓ અંદાજે 2.5 કરોડ રૂપિયાના ફાફડા જલેબી આરોગી ગયા હતા.