Connect with us

ગુજરાત

ટ્રક એસોસીએશનની હડતાલની વાતે નવસારીના પેટ્રોલ પંપો ઉપર લાગી લાંબી કતારો

Published

on

કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસીએશન સાથેની બેઠક બાદ હડતાલ થઇ સ્થગિત  

નવસારી : ભારત સરકાર દ્વારા હીટ એન્ડ રન કેસમાં લાગુ કરાયેલા નવા કાયદાનો દેશભરના ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા હતા અને જેમાં ટ્રાન્સપોર્ટ એસોસીએશને સરકાર સાથે વાતો પણ શરૂ કરી હતી, પરંતુ ટ્રક ચાલકોના વિરોધને પગલે 5 દિવસની હડતાલની વાત પ્રસરતા જ નવસારી શહેરના તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ ભારાવવા લોકોએ લાંબી કતારો લગાવી હતી. જોકે આજે રાતે જ કેન્દ્ર સરકાર સાથેની બેઠક બાદ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા હાલ પુરતી હડતાલ સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવતા લોકોને રાહત મળી છે.

5 દિવસ હડતાલની વાતને લઇ શહેરીજનો પેટ્રોલ, ડીઝલ ભરાવવા નીકળી પડ્યા

ભારત સરકાર દ્વારા હાલમાં જ ભારતીય કાયદાઓમાં સુધારા કરીને કેટલાક કાયદાઓમાં સુધારા કર્યા છે, જયારે કાયદાઓની પરિભાષા પણ બદલી છે. ત્યારે અકસ્માતના કેસમાં હિટ એન્ડ રન પ્રકરણમાં ચાલકને 10 વર્ષની સજાની જોગવાઈ કરી હોવાનું સામે આવતા જ સમગ્ર દેશના ભારે વાહનોના ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સાથે જ કાયદાની વિરૂદ્ધમાં દેખાવો સાથે ઘણી જગ્યાઓએ હાઇવે પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા હતા. ટ્રક ટેમ્પો ચાલકોના વિરોધને કારણે ભારે વાહનોના પૈંડા થંભી જતા અનેજ ચીજવસ્તુઓનાં ટ્રાન્સપોર્ટેશન ઉપર અસર વર્તાવા માંડી હતી. જેમાં પણ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા હડતાલની જાહેરાત કરતા જ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સમયે ન પહોંચે તો ભાવ વધારાની ભીતિ હતી. જેમાં પણ પેટ્રોલ ડીઝલની સપ્લાય અટકે તો મોટી મુશ્કેલી પડે એવી સ્થિતિ બની હતી. નવસારી શહેરમાં પણ મોડે મોડે લોકોને ટ્રાન્સપોર્ટરોની હડતાલની વાત સંભાળતા શહેરના પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી કતારો લાગવા માંડી હતી. પેટ્રોલ પંપ પર પહોંચેલા લોકો વાહનની ટાંકી ફૂલ કરાવવા સાથે જ પોતાની સાથે પ્લાસ્ટિક બોટલ, મોટા કારબા લાવીને પેટ્રોલ ડીઝલ ભરાવવા માંડ્યા હતા. જોકે મોડે મોડે કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસીએશન વચ્ચે થયેલી બેઠકમાં સુખદ સમાધાન થતા, હાલ પુરતી હડતાલ સ્થગિત કરવાની જાહેરાત થઇ છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશનની સમાસ્યાની નિરાકરણ આવ્યું છે. જેથી પંપ સંચાલકોએ લોકોને પેટ્રોલ ડીઝલનો પુરતો જથ્થો હોવા સાથે જ સપ્લાય ઉપર પણ કોઈ અસર નથી પડવાનું જણાવી ગભરાટ ન કરવા અને અફવા ઉપર ધ્યાન ન આપી, ખોટું પેનિક ન થવા અપીલ કરી છે.

એક પંપ પર ત્રણ કલાકમાં જ હજારો લીટર પેટ્રોલ ડીઝલ વેચાયું

ટ્રક ચાલકોની હડતાલની વાત ફેલાતા જ નવસારી શહેરના તમામ પેટ્રોલ પંપ ઉપર લોકોએ લાંબી કતારો લગાવી હતી. જેમાં શહેરના ટાટા સ્કૂલ નજીકના પેટ્રોલ પંપના સંચાલક આશિષ મેહતાએ જણાવ્યું હતું કે, લોકો હડતાલની અફવાથી પ્રેરાઈને લાઈન લગાવી રહ્યા છે અને વાહનની ટાંકી ફૂલ કરાવી રહ્યા છે. જોકે હડતાલ સમેટાઈ જવાથી સપ્લાયની કોઈ સમસ્યા જ નથી રહેવાની અને અમારી પાસે પુરતો જથ્થો છે. પણ આ લાઈન લાગવાને કારણે જ્યાં દિવસ દરમિયાન અમારે લગભગ 500 લીટર પેટ્રોલનું વેચાણ થાય છે, એ આજે થોડા સમયમાં જ અંદાજે 5 હજાર લીટર સુધી વેચાણ પહોંચશે એવું લાગી રહ્યું છે. સાથે જ મહેતાએ લોકોને પેનિક ન થવા અપીલ પણ કરી હતી.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અપરાધ

નવસારીમાં ખનન માફિયાઓ પર ભૂસ્તર વિભાગની સર્જિકલ સ્ટ્રાઈક : અંબિકા નદીમાં ડ્રોનથી ગેરકાયદે રેતી ચોરી પકડી

Published

on

By

જિલ્લામાં પ્રથમવાર આધુનિક ટેકનોલોજીથી મેગા ઓપરેશન : 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

નવસારી : નવસારી જિલ્લામાં કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા ખનન માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી કરી હતી. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગે નવસારીમાં પ્રથમ વખત ડ્રોન કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કરી અંબિકા નદીના પેટાળમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગણદેવી તાલુકાના બીલીમોરા સ્મશાન નજીકથી બાજની મદદથી ગેરકાયદે થતા રેતી ખનનને પકડી 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇકથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બીલીમોરા સ્મશાન ભૂમિ પાછળથી ચાલતા કાળા કારોબાર પર ડ્રોનનું ‘હવાઈ સર્વેલન્સ’

નવસારી ભૂસ્તરશાસ્ત્રી પી. આર. ખાંભલાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા અંબિકા નદીપટ્ટમાં એક ગુપ્ત સર્ચ ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિવ્યાંત શિરોયા, માઇન્સ સુપરવાઇઝર સંદીપ રાઉત અને સ્પેશિયલ ડ્રોન ટીમે ગણદેવી તાલુકાના બીલીમોરા ગામની સ્મશાન ભૂમિ પાછળથી પસાર થતી અંબિકા નદીના દુર્ગમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ટીમે આધુનિક ડ્રોન સર્વેલન્સની મદદથી નદીના પેટાળમાંથી યાંત્રિક બાજ (બોટ) વડે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પદ્ધતિને રંગેહાથ ઝડપી પાડીને માફિયાઓના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું.

ગેરકાયદે ખનન કરનારા માફીયાઓ સામે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

આ હાઇ-ટેક દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર રેતી ખનનમાં વપરાતા 2 અત્યાધુનિક યાંત્રિક બાજ અને રેતીની હેરાફેરીમાં સંકળાયેલા 11 ટ્રકો મળીને કુલ 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ જપ્ત કરાયેલા તમામ વાહનો અને સાધનોને આગળની કાનૂની કાર્યવાહી માટે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કસૂરદારો સામે ‘ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017’ હેઠળ ગુનો નોંધાવી, ગેરકાયદે ખનન નેટવર્કના મૂળ સુધી પહોંચવાની કવાયત તેજ કરવામાં આવી છે.

Continue Reading

આરોગ્ય

કુપોષણ સામે નવસારીનો જંગ : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ‘આંગણ ઉત્સવ’ ઉજવાયો

Published

on

By

નવસારીના પોષણ ચેમ્પિયન્સનું બહુમાન અને નાગલીની સુખડીથી બાળ સ્વાસ્થ્ય મજબૂત કરવાનો પ્રયાસ

નવસારી : બાળકનું સ્મિત એ સમાજની સૌથી મોટી મૂડી છે અને એ સ્મિત ત્યારે જ ખીલી શકે જ્યારે એની કાયા પોષણથી સમૃદ્ધ હોય. બાળપણને કુપોષણના અંધકારમાંથી મુક્ત કરીને સ્વાસ્થ્યના ઉજાસ તરફ લઈ જવાનો એક માનવીય અને સંવેદનશીલ પ્રયાસ નવસારીના આંગણે આકાર પામ્યો છે. કબીલપોરના આંગણવાડી કેન્દ્રોમાં જ્યારે પાયાના કક્ષાએ કામ કરતી બહેનોનો સ્વેદ અને ભૂલકાંઓનું ઉત્સાહભર્યું સ્મિત એકસાથે મળ્યા, ત્યારે તે માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતાં મમતા, કાળજી અને સામાજિક જવાબદારીનો એક જીવંત ઉત્સવ બની ગયો હતો.

બાળપણને મળ્યું પોષણનું કવચ અને પ્રોત્સાહનનું ભાથું

નવસારીમાં આજે ‘આંગણ ઉત્સવ’ દરમિયાન કુપોષણની રેખા વટાવીને પૂર્ણ સ્વાસ્થ્ય તરફ આગળ વધેલા ભૂલકાંઓને ‘પોષણ ચેમ્પિયન’ તરીકે બિરદાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, સ્થાનિક ધારાસભ્ય રાકેશ દેસાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ બાળકોને ફળ, મીઠાઈ અને વિશેષરૂપે પૌષ્ટિક નાગલીની સુખડીથી ભરેલી ‘પોષણ ટોપલી’ નું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, 3 થી 6 વર્ષના તમામ બાળકો સહિત THR (ટેક હોમ રાશન) યોજના હેઠળ બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિના લાભાર્થીઓને પણ પૌષ્ટિક સામગ્રી પહોંચાડવામાં આવી હતી. આ અવસરે લાભાર્થી કિશોરીઓ અને ધાત્રી માતાઓએ પોતાના અનુભવો વાગોળતાં પોષણ સેવાઓથી જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની અનુભૂતિ વ્યક્ત કરી હતી.

પાયાના ક્ષેત્રે અદ્રશ્ય સેવા આપતી ‘માતૃશક્તિ’ નું બહુમાન

સમાજને કુપોષણમુક્ત બનાવવા માટે દિવસ-રાત જોયા વગર ગ્રાઉન્ડ લેવલ પર પરિશ્રમ કરતી આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને આશા વર્કરો ખરી અર્થમાં આ અભિયાનના વાસ્તવિક નાયકો છે. કબીલપોર 01 ની ટીમ દિપ્તીબેન મકવાણા, ગાયત્રીબેન પટેલ, રક્ષાબેન નાયકા અને કબીલપોર 04 ની ટીમ ચંપાબેન પટેલ, પારૂલબેન પટેલ, રાધાબેન પટેલને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. પાયાના આ કર્મયોગીઓના સમર્પણને બિરદાવીને આંગણ ઉત્સવે માત્ર પોષણનો સંદેશ નથી આપ્યો, પરંતુ માતૃ અને બાળ સ્વાસ્થ્ય પ્રત્યેની સામાજિક કટિબદ્ધતાને વધુ દ્રઢ બનાવી છે.

Continue Reading

આરોગ્ય

‘નમો કમલમ’ ના લોકાર્પણ પૂર્વે નવસારીમાં સ્વચ્છતા અને સુપોષણનો મહાયજ્ઞ શરૂ

Published

on

By

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં 389 ગામોમાં માઇક્રો સફાઇ ઝુંબેશનો પ્રારંભ

નવસારી : રાજકીય કે સરકારી કાર્યક્રમો માત્ર ઔપચારિકતા પૂરતા સીમિત ન રહેતા જ્યારે લોકસેવા અને માનવીય સંવેદનાનો પર્યાય બને છે, ત્યારે સમાજમાં એક નવો આશાવાદ જન્મ લે છે. નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ અને નવસારી ભાજપના હાઇટેક કાર્યાલય ‘નમો કમલમ’ ના ઉદ્ઘાટનને વધાવવા માટે તંત્રે કમર કસી છે. પરંતુ આ તૈયારીઓ માત્ર ઈમારતો કે રસ્તાઓ પૂરતી મર્યાદિત નથી રહી, પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાને સ્વચ્છ, સુપોષિત અને સ્વસ્થ બનાવવાનો એક અભૂતપૂર્વ સેવાયજ્ઞ પ્રારંભાયો છે.

જનભાગીદારીનો અનોખો સંગમ: 389 ગામોમાં યુદ્ધના ધોરણે માઇક્રો સફાઇ ઝુંબેશ

નવસારી જિલ્લાના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જનભાગીદારીનું આવું વિરાટ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ચીખલી ખાતેથી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે જિલ્લાના તમામ 389 ગામોને સ્વચ્છ બનાવવાના મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. 6 સપ્ટેમ્બર સુધીમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી કચરો હટાવી સંપૂર્ણ સ્વચ્છતા કરવાનો દ્રઢ નિર્ધાર કરાયો છે. આ ઝુંબેશની વિશેષતા એ છે કે, ક્વોરી એસોસિએશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે 50 થી વધુ JCB અને લોડર મશીનો વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. દરેક ગામમાં 1 JCB, ટ્રોલી અને 10 મજૂરોની સઘન ટીમ બનાવી માઇક્રો પ્લાનિંગ સાથે કામગીરી તેજ કરી દેવામાં આવી છે.

માનવીય સંવેદનાની મિસાલ : સેવા અને સુપોષણના ક્ષેત્રે ઐતિહાસિક પહેલ

સ્વચ્છતા અભિયાનની સાથે-સાથે નવસારીમાં માનવીય અભિગમ ધરાવતી કલ્યાણકારી યોજનાઓને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો ઉત્તમ પ્રયાસ થયો છે. નવસારીના બી.આર. ફાર્મ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ મંત્રી નરેશ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે જિલ્લાના 3,800 જેટલા કુપોષિત બાળકોને આંગણવાડી કાર્યકરો મારફતે ‘સુપોષિત કીટ’ અને TB ના દર્દીઓને આરોગ્યવર્ધક ‘પોષણ કીટ’ નું વિતરણ કરવામાં આવ્યું હતું. શાસન અને સેવાનો આ સમન્વય દર્શાવે છે કે નવસારી વિનમ્રતાથી વડાપ્રધાનના સ્વાગતની સાથોસાથ એક સ્વસ્થ અને સુદ્રઢ સમાજના નિર્માણ તરફ ડગ માંડી રહ્યું છે.

Continue Reading
Advertisement

Trending