ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે થયુ ભૂમિપૂજન
ડાંગ : આદિવાસી બાહુલ્ય અને કુદરતી સંપદાઓથી ભરપુર એવા ડાંગ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે, ત્યારે ડાંગના આહવાના ગામડાઓમાં પશુઓની સારવારની ચિંતા ન રહે એ હેતૂથી તાલુકાના પિંપરી અને જામલાપાડા ગામે કુલ 1.64 કરોડના ખર્ચે બનનારા પશુ ઉત્પાદન કેન્દ્ર (પશુ દવાખાના) નું ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.
પિંપરીમાં 88.31 લાખ અને જામલાપાડામાં 76.15 લાખના ખર્ચે બનશે પશુ દવાખાનું
ડાંગ જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે. પરંતુ પશુઓને કોઈ બીમારી અથવા રોગ લાગુ પડે તો ગરીબ આદિવાસીઓને દૂરના ગામડાઓમાં પશુને સારવાર અર્થે લઇ જવા પડે છે. પરંતુ સરકાર દ્વારા આદિવાસીઓની આ સમસ્યાને ઓળખી ગામમાં કે નજીકના ગામમાં જ પશુઓને સારવાર મળી રહે એ માટે પશુ દવાખાના બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ડાંગના આહવા તાલુકાના પિંપરી ગામે 88.31 લાખ રૂપિયા અને જામલાપાડા ગામે 76.15 લાખ રૂપિયાના ખર્ચે બે પશુ ઉત્પાદન કેન્દ્ર (પશુ દવાખાના) બનાવામાં આવશે. જેનું આજે ડાંગના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે તેમજ ડાંગના ભાજપી આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.
ગુજરાતમાં બે દાયકામાં આદિજાતી સમાજના ઉત્કર્ષ માટે ચાર ગણા બજેટની ફાળવણી – વિજય પટેલ
આ પ્રસંગે ધારાસભ્ય વિજય પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૫૩ તાલુકાઓ આદિજાતિ જનસંખ્યા ધરાવે છે. વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ 6 કરોડની વસ્તી સામે, રાજ્યના આદિજાતિ સમાજની વસ્તી 14.75 ટકા એટલે કે 87.17 લાખ થવા જાય છે. ત્યારે શરૂઆતથી જ ભાજપા સરકારે આદિવાસીઓની ચિંતા કરી છે, જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ છેવાડાના માનવીની વેદના સમજીને, તેમની જરૂરિયાતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. જેના ફળ સ્વરૂપ આજ દિન સુધીના બે દાયકામાં, આદિજાતિ સમાજના ઉત્કર્ષ માટે ચાર ગણા ઉપરાંત બજેટ ફાળવણી સાથે, આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસના ભાગીરથ પ્રયાસો હાથ ધરાયા છે.