કેન્દ્રના જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા
નવસારી : નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના કેબીનેટ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી બે વર્ષના કાર્યકાળ માટે પદભાર સંભાળ્યો હતો.
10 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવ્યાના છ મહિના પછી યોજાયો પદગ્રહણ સમારોહ
નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી છ મહિના અગાઉ યોજાઇ હતી. જેમાં મહાજન પેનલ સામે વિકાસ પેનલે મેદાનમાં ઉતરી ટક્કર આપતા 10 વર્ષ બાદ ચૂંટણીનો રંગ જામ્યો હતો. ગત 25 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી ચૂંટણીમાં મહાજન પેનલના સાતેય ઉમેદવારોની જીત થઈ હતી. પરંતુ નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો ચૂંટાયા બાદ લોકસભા ચૂંટણી જાહેર થતા, નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા અને તેમની ટીમનો પદગ્રહણ અટકી ગયો હતો. જોકે છ મહિના બાદ આજે નવસારીના સાંસદ, ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રાલયના કેબીનેટ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના નાણા અને ઊર્જા મંત્રી કનુ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે ઔદ્યોગિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા નવસારીના ઉદ્યોગકારોને શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. જેની સાથે જ નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નવનિયુક્ત ઉત્સાહિત ટીમના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયાને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે પદગ્રહણ કરાવવામાં આવ્યુ હતુ. સાથે જ સમારોહમાં ઉપસ્થિત નાણામંત્રી સહિત ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે ચેમ્બરના અન્ય હોદ્દેદારોને પણ પદગ્રહણ કરાવવામાં આવ્યા હતા.
ઉદ્યોગ ન હોવાને કારણે નવસારીનો ગ્રોથ નથીની વાત પોકળ, નવસારીના ઉદ્યોગકારો આપી રહ્યા છે હજારો રોજગાર – સી. આર. પાટીલ
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે નવસારી જિલ્લાનો ઉદ્યોગ નહીં હોવાને કારણે ગ્રોથ નહીં થતો હોવાની ચર્ચાઓને નિરર્થક ગણાવી હતી. કારણ નવસારીમાં એવા ઘણા ઉદ્યોગો આવ્યા છે અને નવસારીના સાહસી ઉદ્યોગકારો હજારો લોકોને નોકરી આપી રહ્યા છે. સાથે જ આ ઉદ્યોગકારો નવસારી અને ગુજરાત જ નહીં, પરંતુ દેશ અને દુનિયામાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે. જ્યારે નવસારીના કાંઠા વિસ્તારમાં નિર્માણ થવા જઇ રહેલા PM મિત્રા પાર્કના કાર્યરત થતા જ નવસારીમાં રોજગારીની મોટી તકો ઊભી થશે. જ્યારે નવસારી મહાનગરપાલિકા બની છે, જેથી શહેરના વિકાસ સાથે પણ નવી તકો નવસારીજનો માટે ઊભી થશે અને તેના થકી નવસારી વિકાસના પંથે ડગ માંડતું થશે, એવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે નવસારીજનો વરસાદી પાણીના સંગ્રહને ગંભીરતાથી લેતા થાય અને પાણીના બચાવ સાથે તેનો સંગ્રહ પણ કરે એ માટે હાંકલ કરી હતી.
મંત્રી, ધારાસભ્યો અને ઉદ્યોગકારો રહ્યા ઉપસ્થિત
નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, વરાછા કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન કાનજી ભાલાળા, યુરો ફૂડ્સ લિમિટેડના ચેરમેન મનહર સાસપરા, NJ ગ્રુપના કો. ફાઉન્ડર જીગ્નેશ દેસાઈ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ ભરત સુખડિયા, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિતના મહાનુભાવો, ચેમ્બરના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નવસારીના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.