6 લાખના બીલ ઉપર સહિ કરવા 2 ટકા લાંચ માંગી હતી
નવસારી : તાપી જિલ્લાના ડોલવણ તાલુકા વિકાસ અધિકારી 6 લાખ રૂપિયાના બીલ ઉપર સહી કરવા માંગેલી 12 હજાર રૂપિયાની લાંચ લેતા ACB ના છટકામાં રંગેહાથ ભેરવાતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના અંતર્ગત પાણી માટેના કામનું ચુકવવાનું હતું બીલ
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં વર્ષ 2021 – 22 માં પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના અંતર્ગત આપણો તાલુકો, વાઇબ્રન્ટ તાલુકો યોજના હેઠળ એક કોન્ટ્રાક્ટર દ્વારા પાણી માટેના કામો કરવામાં આવ્યા હતા. જેનું 6 લાખ રૂપિયાનું બીલ બાકી હોય, કોન્ટ્રાકટર દ્વારા ડોલવણ તાલુકા વિકાસ અધિકારી વિરેન્દ્રસિંહ ડોડીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં બીલ પાસ કરવા TDO વિરેન્દ્રસિંહ ડોડીયાના હસ્તાક્ષરની જરૂર હતી, પરંતુ વિરેન્દ્રસિંહે સહિ કરવા માટે બીલની રકમના 2 ટકા પ્રમાણે 12 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. પરંતુ કોન્ટ્રાકટરે લાંચ આપવી ન હોય, તેણે સમગ્ર મુદ્દે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી, TDO વિરેન્દ્રસિંહ ડોડીયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેને આધારે ACB ની ટીમે કોન્ટ્રાકટર સાથે મળી ડોલવણ તાલુકા પંચાયતમાં છટકુ ગોઠવ્યું હતું. જેમાં કોન્ટ્રાકટર પાસે લાંચના 12 હજાર રૂપિયા TDO વિરેન્દ્રસિંહ ડોડીયાએ સ્વિકારતા જ ACB ની ટીમે તેમને રંગે હાથ પકડી પાડ્યા હતા. ACB પોલીસે આરોપી TDO વિરેન્દ્રસિંહ ડોડીયાની લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.