Connect with us

અપરાધ

ડોલવણ તાલુકા વિકાસ અધિકારી 12 હજારની લાંચ લેતા ACB ના છટકામાં ભેરવાયો

Published

on

6 લાખના બીલ ઉપર સહિ કરવા 2 ટકા લાંચ માંગી હતી

નવસારી : તાપી જિલ્લાના ડોલવણ તાલુકા વિકાસ અધિકારી 6 લાખ રૂપિયાના બીલ ઉપર સહી કરવા માંગેલી 12 હજાર રૂપિયાની લાંચ લેતા ACB ના છટકામાં રંગેહાથ ભેરવાતા ચકચાર મચી જવા પામી હતી.

પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના અંતર્ગત પાણી માટેના કામનું ચુકવવાનું હતું બીલ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં વર્ષ 2021 – 22 માં પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના અંતર્ગત આપણો તાલુકો, વાઇબ્રન્ટ તાલુકો યોજના હેઠળ એક કોન્ટ્રાક્ટર દ્વારા પાણી માટેના કામો કરવામાં આવ્યા હતા. જેનું 6 લાખ રૂપિયાનું બીલ બાકી હોય, કોન્ટ્રાકટર દ્વારા ડોલવણ તાલુકા વિકાસ અધિકારી વિરેન્દ્રસિંહ ડોડીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં બીલ પાસ કરવા TDO વિરેન્દ્રસિંહ ડોડીયાના હસ્તાક્ષરની જરૂર હતી, પરંતુ વિરેન્દ્રસિંહે સહિ કરવા માટે બીલની રકમના 2 ટકા પ્રમાણે 12 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. પરંતુ કોન્ટ્રાકટરે લાંચ આપવી ન હોય, તેણે સમગ્ર મુદ્દે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી, TDO વિરેન્દ્રસિંહ ડોડીયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેને આધારે ACB ની ટીમે કોન્ટ્રાકટર સાથે મળી ડોલવણ તાલુકા પંચાયતમાં છટકુ ગોઠવ્યું હતું. જેમાં કોન્ટ્રાકટર પાસે લાંચના 12 હજાર રૂપિયા TDO વિરેન્દ્રસિંહ ડોડીયાએ સ્વિકારતા જ ACB ની ટીમે તેમને રંગે હાથ પકડી પાડ્યા હતા. ACB પોલીસે આરોપી TDO વિરેન્દ્રસિંહ ડોડીયાની લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અપરાધ

કોટનના ગાભાની આડમાં ટ્રકમાં સંતાડી લઇ જવાતો 61.92 લાખનો દારૂ પકડાયો

Published

on

By

નવસારી LCB પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી, બેને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે કોટન ગાભાની આડમાં સંતાડીને લઇ જવાતો 61.92 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂ ભરાવનાર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ભારાવાયો હતો, જેને વડોદરા તરફ લઇ જવાતો હતો

મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસને ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે, ગોવાથી એક ટ્રકમાં કોટનના ગાભાની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઇ જવાઈ રહ્યો છે, જે હાલમાં નેશનલ હાઈવે નં. 48 પરથી પસાર થઇ રહ્યો છે. જેને આધારે LCB પોલીસની ટીમે હાઇવે પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ગાભાના 50 પાર્સલ સંતાડેલ 61.92 લાખ રૂપિયાની વ્હીસ્કીની 41,280 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના માણકી ગામના 32 વર્ષીય ભગીરથરામ જાગુની ધરપકડ કરી, તેની કડકાઈથી પૂછપરછ કરતા દારૂનો જથ્થો રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોરના શ્રવણ બિશ્નોઈએ ભરાવી આપ્યો હતો. જયારે અન્ય એક અજાણ્યો પણ તેની સાથે સામેલ હતો. જેથી પોલીસે શ્રવણ સાથે બેને વોન્ટેડ જાહેર કરી, ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 20 લાખનો ટ્રક અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 81.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.  

Continue Reading

અપરાધ

સોમવારી બજાર નજીકથી રીક્ષા ચોરનાર પકડાયો

Published

on

By

ફરિયાદ નોંધતા જ પોલીસે ચોરાયેલી રીક્ષા પણ કબ્જે કરી

નવસારી : નવસારીના છાપરા ચાર રસ્તા નજીક ભરાતા સોમવારી બજાર નજીક પાર્ક કરેલી રીક્ષા ચોરી કરી ફરાર થયેલા ચોરને વિજલપોર પોલીસે બાતમીને આધારે ચોરાયેલી રીક્ષા સાથે પકડી પાડ્યો હતો.

રીક્ષા માલિક પત્ની સાથે સોમવારી બજારમાં ખરીદી કરવા ગયો અને રીક્ષા ચોરાઈ

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરના ફુવારા નજીક દાબુ હોસ્પિટલ નજીકમાં રહેતા ભીખુ નાયકાએ પોતાના જીવન નિર્વાહ માટે વર્ષ 2003 માં રીક્ષા લીધી હતી. છેલ્લા 23 વર્ષોથી રીક્ષા ચલાવતો ભીખુ ગત 19 જાન્યુઆરીના રોજ સાંજે તેની પત્ની સાથે શહેરના છાપરા ચાર રસ્તા પાસે ભરાતા સોમવારી બજારમાં ખરીદી કરવા ગયો હતો. ભીખુએ પોતાની રીક્ષા ચાર રસ્તા નજીક રસ્તાનાં કિનારે પાર્ક કરી હતી. બજારમાંથી ખરીદી કરીને બહાર આવ્યા બાદ ભીખુને રીક્ષા નહીં દેખાતા ચોરી થયાનું જણાયુ હતું. જેથી ભીખુ નાયકાએ વિજલપોર પોલીસ મથકે રીક્ષા ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ તપાસમાં જોતરાયેલી પોલીસે બાતમીને આધારે વિજલપોર વિસ્તારમાં નવદુર્ગા નગરમાં ભાડેથી રહેતા મૂળ મધ્યપ્રદેશના ૩૦ વર્ષીય સંદીપ બસદેવાને ચોરીની રીક્ષા સાથે પકડી, તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 12 હજાર રૂપિયાની રીક્ષા કબ્જે કરી આગળની તપાસ આરંભી છે.

Continue Reading

અપરાધ

2 કરોડ રૂપિયાની સાયબર ઠગીમાં સંકળાયેલો વોન્ટેડ ઠગબાજ પકડાયો

Published

on

By

ભારતનાં 15 થી વધુ રાજ્યોમાં 35 સાયબર છેતરપીંડીના ગુનાનો છે આરોપી

નવસારી : સાયબર જાળ ફેલાયા બાદ સોશ્યલ મીડિયા થકી લાખો લોકોને યેનકેન પ્રકારે ફસાવી સાયબર ઠગો કરોડો રૂપિયા ખંખેરી લે છે. ત્યારે તગડા કમીશનની લાલચે જરૂરીયાતમંદોના બેંક એકાઉન્ટ ભાડે લઇ 15 થી વધુ રાજ્યોમાં 35 સાયબર ગુનાઓને અંજામ આપી 2 કરોડ રૂપિયાની છેતરપીડીમાં વોન્ટેડ ભેજાબાજની બીલીમોરા પોલીસે ધરપકડ કરી હતી.

બીલીમોરાનાં 3 અને ગણદેવીનો 1 મળી કુલ 35 ગુનાઓનો ભેદ ઉકેલાયો

મળતી માહિતી અનુસાર, ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં સાયબર છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે. જેમાં ભેજાબાજો લોકોને હાઉસ એરેસ્ટ કરી અથવા શેર માર્કેટમાં રોકાણ કરાવવાની લાલચ સહિત અનેક તિકડમ લગાવી તેમના બેંક એકાઉન્ટમાંથી લાખો અથવા કરોડો રૂપિયા કઢાવી લેતા હોય છે. પરંતુ આ સાયબર ઠગી કરવા માટે ગુનેગારોએ ભારતના નાના મોટા દરેક શહેરોમાં જરૂરીયાતમંદોના બેંક એકાઉન્ટ મેળવવા જાળ પાથરી છે. ગુનેગારોની જાળમાં ફસાયેલા બેંક એકાઉન્ટ ધારકોના એકાઉન્ટનો ઉપયોગ કરી, સાયબર ઠગબાજો છેતરપીંડી કરી કરોડો રૂપિયા ગજવે ઘાલી જાય છે. સાયબર ઠગોને પકડવા માટે ભારત સરકારે ઓપરેશન મ્યુલ હન્ટ છેડ્યુ છે, જેમાં આવા ભાડે આપેલા એકાઉન્ટને શોધીને સાયબર ગુના સાથે સંકળાયેલા બદમાશોને પકડવામાં આવી રહ્યા છે. બીલીમોરા પોલીસે પણ બીલીમોરા પોલીસ મથકે નોંધાયેલા 3 અને ગણદેવી પોલીસ મથકે નોંધાયેલા એક સાયબર છેતરપીંડીનાં ગુનામાં વોન્ટેડ આરોપી સુરજીતસીંગ હરદેવસીંગ લબાનાની ધરપકડ કરી, સાયબરની દુનિયામાં આચરેલા 2 કરોડની છેતરપીંડીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

બીલીમોરાનો ઠગ મધ્યપ્રદેશ અને બિહારના તેના આકાઓને આપતો હતો બેંક એકાઉન્ટ

પોલીસ પકડમાં આવેલ સુરજીતસિંગ સાયબર ઠગોના હાથની કઠપુતળી હોવાનું સામે આવ્યું છે. સુરજીતસિંગ મધ્યપ્રદેશ અને બિહારમાં બેઠેલા તેના આકાઓના ઇશારે કમીશન ઉપર બેંક એકાઉન્ટ ભાડે લેતો હતો. જયારે તેને પણ બેંક એકાઉન્ટ ભાડે અપાવવા બદલ તગડું કમીશન મળતું હતું. સુરજીતસિંગ પકડાતા જ બીલીમોરા શહેરના ત્રણ અને ગણદેવીનો એક ગુના સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કશ્મીર, તાલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામીલનાડુ, કેરળ અને દિલ્હી જેવા 15 થી વધુ રાજ્યોમાં 35 સાયબર ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું ખુલ્યું છે. આ ગુનાઓમાં સુરજીતસિંગે અદાજે 2 કરોડની સાયબર ઠગીને અંજામ અપાવ્યો હતો. જેમાં ભાડેના એકાઉન્ટમાં રૂપિયા મેળવ્યા બાદ, તેમાંથી પોતાનું કમીશન કાઢી લઇ બાકીની રકમ તેના આકાઓ સુધી પહોંચાડતો હવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Continue Reading
Advertisement

Trending