નવસારી : દુનિયા જોવી હોય તો માનવ શરીરમાં આંખ અગત્યનું અંગ છે. જો આંખ ન હોય તો રંગબેરંગી દુનિયા અંધકાર જ ભાસે છે. ત્યારે જેનું જીવન અંધારપટ હોય, એના જીવનમાં રંગો ભરવા માણસ આંખનું દાન કરે એ જરૂરી છે. પરંતુ સમાજમાં હજી પણ જાગરૂકતાનો અભાવ જોવા મળે છે, જેથી આજે વિશ્વ ચક્ષુદાન દિવસે સમાજ ચક્ષુદાનની મહત્વતા સમજી ચક્ષુદાન તરફ પ્રેરાય એ જરૂરી છે. નવસારીની રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટના સંચાલિત સંત પુનિત ચક્ષુ બેંક દ્વારા 47 વર્ષોમાં 33 હજારથી વધુ આંખ મેળવી, 8127 લોકોને રંગ ભરેલી દુનિયા બતાવવામાં સફળતા મેળવી છે.
નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટની ચક્ષુ બેન્કે આ વર્ષે 260 આંખ મેળવી જેમાંથી 28 આંખ થઈ ટ્રાન્સપ્લાન્ટ
આંખો વિના દુનિયા જોવી કલ્પી શકાય પણ નહીં, ત્યારે દુનિયામાં 1.80 કરોડ લોકોમાંથી 60 લાખ લોકો સંપૂર્ણ અંધતા ધરાવે છે, જ્યારે 1.20 કરોડ લોકોને જો યોગ્ય સારવાર સાથે કોઈની આંખ મળે તો એઓ રંગબેરંગી દુનિયા જોઈ શકે છે. 10 જૂનને વિશ્વ ચક્ષુદાન દિન તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ચક્ષુદાન અંગે આજે પણ સમાજમાં જાગરૂકતાનો અભાવ જોવા મળે છે. સ્વજનના મૃત્યુ બાદ શરીરમાં સાડા છ કલાક સુધી આંખ જીવીત રહે છે, જેથી સમય રહેતા આંખોનું દાન કરવામાં આવે, તો બે અંધ વ્યક્તિને આંખ મળતા તેમનું જીવન રંગોથી ભરાઈ શકે છે. ભારતમાં 435 ચક્ષુ બેંક છે અને ગુજરાતમાં 173 ચક્ષુ બેંક કાર્યરત છે. જેમાં દેશ – વિદેશમાં નામના ધરાવતી અને વર્ષના 365 દિવસોમાં 400 થી વધુ આંખની શિબિર યોજનારી નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ સંલગ્ન 1977 માં સ્થાપિત સંત પુનિત ચક્ષુ બેંક દ્વારા 47 વર્ષોમાં 33,350 આંખોનું દાન મેળવ્યુ છે. દાનમાં મળેલી આંખ બધી રીતે યોગ્ય હોય, તો એને જરૂરિયાતમંદ અંધ અથવા ખોડખાંપણ ધરાવતી આંખને બદલી શકાય છે. રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ દ્વારા સુધીમાં 8,127 લોકોને સફળતા પૂર્વક ઓપરેશન કરી, નવી દ્રષ્ટિ બક્ષવામાં આવી છે. આ વર્ષે છ મહિનામાં 260 આંખો મેળવી, જેમાંથી 28 આંખ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યારે બાકીની દાનમાં મળેલી આંખ સંશોધનમાં ઉપયોગમાં લેવામાં આવી હતી.
એક સમયે ગુજરાતની પ્રથમ અને ભારતની બીજા નંબરની નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ દ્વારા આંખની સારવાર માટે અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે. સાથે જ રાહત દરે આંખની તપાસ કરી, મોતિયા બિંદ સહિતના આંખને લગતા 12500 ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં આ વર્ષે જ ઇન્સ્ટિટ્યુટ દ્વારા જરૂરિયાતમંદને 56 લાખ રૂપિયાની રાહત આપવામાં આવી છે. સંસ્થા દ્વારા આંખની 70 ટકા સારવાર મફતમાં કરવામાં આવે છે, ત્યારે ચક્ષુદાન માટે એક ડોકટર, એક નર્સ, ડ્રાઈવર સાથે વાહન મળી 24 કલાક 4 ટીમ સ્ટેન્ડ બાય રહે છે. જ્યારે પણ ચક્ષુદાનનો કોલ આવે, એટલે ટીમ તરત આંખ સ્વિકારવા પહોંચે છે. એક આંખને સાચવવા 5 થી 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી લોકોને આંખ આપી જીવનના રંગો બતાવવાનું ભગીરથ કાર્ય સરળતાથી પાર પાડવામાં આવે છે.
આજે પણ ચક્ષુદાન માટે સમાજમાં જાગરૂકતા અભિયાન જરૂરી
વિજ્ઞાને આજે એટલી હરણફાળ ભરી છે કે માનવ અંગોને બીજાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. ત્યારે માનવ શરીર મૃત્યુ પામે ત્યારબાદ એક આંખ જ સાડા છ કલાક સુધી જીવીત રહે છે. ત્યારે ચક્ષુદાન માટે વર્ષોથી લોકોને જાગૃત કરવામાં આવે છે, લોકોમાં જાગૃતિ આવી પણ ખરી, પરંતુ આજે પણ સમાજના ઘણા વર્ગોમાં શરીરમાંથી આંખ કાઢી નાંખવા મુદ્દે જાગરૂકતા નથી. જેના કારણે સમયે અને પૂરતી સંખ્યામાં ચક્ષુદાન મળતુ નથી. જેથી ચક્ષુદાન પ્રત્યે લોકો જાગરૂક બને તો લાખોના જીવનમાં રંગો ફેલાઈ શકે છે.
નવસારી : વિશ્વ આદિવાસી દિવસના અવસરે વાંસદા તાલુકાના આદિવાસીઓએ કુંકણા સમાજ ભવન ખાતે ભગવાન બિરસા મુંડા તેમજ પ્રકૃતિની પૂજા કરી, કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભવ્ય રેલી કાઢી હતી. આદિવાસી વાજિંત્રો, પહેરવેશ તેમજ ડીજે પર વાગતા પરંપરાગત ગીતો પર નૃત્ય કરતા આદિવાસીઓ હનુમાનબારી સર્કલ પહોંચ્યા હતા. રેલીમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થન સાથે સોશ્યલ મીડિયામાં અનામત દૂર કરવા ચાલી રહેલા કેમ્પેઇન સામે ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી વિસ્તારોમાં વન્ય અભયારણ્ય, ડેમ, કોરિડોર સહિત કોઈપણ સરકારી પ્રોજેક્ટ આવવા નહીં દેવાની સરકારને ચીમકી આપી દીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ડેલિગેશનના સભ્યોએ કરી બેઠક
ગાંધીનગર : એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા વર્લ્ડ એથ્લેટિક્સનાં પાંચ સભ્યોનું ડેલિગેશન પ્રસ્તાવિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ – 2031 યજમાની માટે ગુજરાતની સજ્જ્તા અને ઇંફ્રાસ્ક્ટ્રક્ચરના નિરિક્ષણ અર્થે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ડેલિગેશનના સભ્યો તેમજ બીડ ઈવેલ્યુએશન પેનલના ચેરમેન એંટી ફિલ્હાકોસ્કીએ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેથક કરી હતી.
વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન બે દિવસના ગુજરાતના પ્રવાસે
આગામી 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર – 20 ચેમ્પીયનશીપ તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ 2031 ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે. ત્યારે વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન આ પ્રસ્તાવિત રમતોત્સવોના સંદર્ભમાં ગુજરાતનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય આનુષાંગિક સુવિધાઓના અભ્યાસ અને નિરીક્ષણ માટે 22 અને 23 જૂન 2026 બે દિવસિય ગુજરાતના પ્રવાસે છે. જેમા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ડેલિગેશનના સભ્યોએ ગાંધીનગર ખાતે મુલાકાત કરી, એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેથક બાદ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.
ગુજરાતને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031 ની યજમાની મળે એ માટે મુખ્યમંત્રી આશાવાદી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનના સભ્યો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિરીક્ષણ – મૂલાકાતથી ડેલિગેશનને ગુજરાતની સજ્જતા અને સ્પોર્ટ્સ કલ્ચરની પ્રત્યક્ષ અનુભૂતિ થશે જ. ગુજરાત સરકાર આ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ-2031 ની યજમાની મેળે તે માટે આશાવાદી છે અને આ રમતોના સફળ આયોજનની તૈયારીઓ વેગવંતી બનાવી છે. આ મૂલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ, કોમનવેલ્થ ગેઈમ્સ – 2030 સહિત વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સના આયોજન માટે સજ્જ છે અને આ હેતુસર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કરાઈ એકેડમી જેવા સ્થળોએ આવી વિશ્વ સ્તરીય રમતોના આયોજન માટેની સુવિધાઓ ઝડપભેર વિકસી રહી છે.
બેઠકમા અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
આ મૂલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ, આદીલ સુમારીવાલા, વાઈસ પ્રેસીડન્ટ વર્લ્ડ એથ્લેટિક્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ઓમાનના દરિયામાં ડૂબેલા ટેન્કર નવસારીના દરિયા કાંઠે આવતા તપાસ શરૂ
નવસારી : નવસારીના દરિયામાં એક પછી એક ત્રણ ટેન્કરો દરિયામાં તણાઈને કાંઠે પહોંચ્યા છે. આજે જલાલપોરના દીપલા ગામના દરિયા કાંઠે ઓઈલ ભરેલ ટેન્કર તણાઈ આવતા મરોલી પોલીસ અને જલાલપોર મામલતદારની ટીમ દ્વારા તપાસ આરંભી હતી.
ફોનિક્સ 15 માલ વાહક જહાજમાંથી 48 ટેન્કર દરિયામાં પડી લાપતા થયા હતા
નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે સોમ અને મંગળ બે દિવસોમાં માલવાહક જહાજ પર લદાયેલા હોય એવા બે ટેન્કર તણાઈ આવ્યા હતા. જેમાં સોમવારે તણાઈ આવેલા ટેન્કરની તપાસમાં જોતરાયેલી જલાલપોર પોલીસ, FSL અને GPCB ની તપાસમાં ટેન્કરમાં રંગવિહીન અને બિનજ્વલનશીલ બેઝ ઓઈલ હોવાનું જણાયું હતુ. પ્રથમ વાર ટેન્કર કાંઠે આવ્યાની જાણ થતા જલાલપોર મામલતદાર મૃણાલદાન ઈશરાણી પણ દરિયાકાંઠે પહોંચ્યા હતા. મામલતદારે ટેન્કર વિશેની માહિતી મેળવી સમગ્ર મુદ્દે નવસારી કસ્ટમ વિભાગને જાણ કરી હતી. મંગળવારે પણ આ જ પ્રકારે દાંડીના દરિયા કાંઠે અન્ય ટેન્કર તણાઈ આવ્યું હતુ. જ્યારે આજે બુધવારે ઉભરાટ નજીકના દીપલા ગામના દરિયા કાંઠે ટેન્કર તણાઈ આવતા ગ્રામજનોમાં અચરજ ફેલાઈ હતી. દીપલાના તલાટી જુગલસિંહ દ્વારા મરોલી પોલીસ તેમજ જલાલપોર મામલતદારને જાણ કરવામાં આવી હતી. ટેન્કર તણાઈ આવ્યાની માહિતી મળતા મરોલી પોલીસ FSL અને GPCB ની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી. જ્યારે મામલતદાર મૃણાલદાન ઈશરાણી તેમજ તાલુકા વિકાસ અધિકારીએ પણ દીપલા દરિયા કાંઠે પહોંચી ટેન્કર વિશે માહિતી મેળવી હતી.
ફોનિક્સ 15 માલ વાહક જહાજ જેબેલ અલી UAE બંદરેથી નીકળી જેદ્દાહ પોર્ટ પર જતું હતું
નવસારીના દરિયા કાંઠે ટેન્કરો તણાઈ આવવાની ઘટના મુદ્દે તપાસમાં જોતરાયેલી જલાલપોર પોલીસની તપાસમાં ગુજરાતના દ્વારકા, પોરબંદર અને કચ્છના દરિયા કાંઠેથી પણ આ જ પ્રકારે દરિયામાં તણાઈને આવેલા ટેન્કરો મળ્યા હોવાની માહિતી મળી હતી. વધુ તપાસ કરતા કાંઠે આવેલ ટેન્કર સિલિન્ડર આકારના અને તેના ઉપર સીલ મારેલ હતુ. જયારે અંગ્રેજીમાં સીરીયલ નંબર પણ લખેલા જણાયા હતા. આ ટેન્કરો જેબેલ અલી UAE બંદરથી ફોનિક્સ 15 માલવાહક જહાજમાં લોડ કરવામાં આવ્યા હતા અને જેદ્દાહ પોર્ટ જઈ રહ્યા હતા. દરમિયાન ગત 21 જૂન, 2025 ના રોજ સલાલાહ ઓમાન બંદર નજીક દરિયામાં 48 ટેન્કર છૂટા પડી ગયા હતા. જેમાંના ત્રણ ટેન્કર નવસારીના દરિયા કાંઠે તણાઈ આવ્યા હતા. આ ત્રણેય ટેન્કરોમાં રંગવિહીન બેઝ ઓઈલ ભરેલું છે, જે એક અનુમાન મુજબ કોસ્મેટિક આઈટમ બનાવવામાં ઉપયોગમાં લેવાતું હોય છે. નવસારીના દરિયાકાંઠે મળેલ ટેન્કરો વિદેશી સંપત્તિ હોવાથી M/S YMS ટેન્ક સર્વિસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને જાણ કરવા સાથે નવસારી કસ્ટમ વિભાગને પણ સમગ્ર મુદ્દે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.