સિક્યુરિટી એજન્સીના પડદા પાછળ ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ
નવસારી : દક્ષિણ ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી સામે નવસારી LCB પોલીસે મોટી કાર્યવાહી કરતાં હાઈવે પરથી 3.28 કરોડથી વધુની કિંમતનો 9.375 કિલોગ્રામ શુદ્ધ હાઈબ્રિડ ગાંજો ‘OG’ પકડી પાડ્યો છે. પોલીસે વાહનો, મોબાઈલ અને રોકડ સહિત કુલ 3.56 કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે ચાર પેડલરોની ધરપકડ કરી હતી. પકડાયેલા ડ્રગ કાર્ટેલના મુખ્ય સૂત્રધાર પ્રમોદ પાઠકના થાઈલેન્ડ-બેંગકોક કનેક્શન અને વડોદરા-દમણ-મુંબઈ સુધી ફેલાયેલા નેટવર્કની કડીઓ સામે આવી છે.
હાઈવે પર નાકાબંધી અને કરોડોના OG ગાંજાનો જથ્થો જપ્ત


મળતી માહિતી અનુસાર, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી વલસાડના વાપી જઈ રહેલી બે શંકાસ્પદ કારને, મળેલી બાતમીના આધારે નવસારી LCB અને સ્થાનિક પોલીસની ટીમે નેશનલ હાઈવે નં. 48 પર ખારેલ ઓવરબ્રીજ નજીક સર્વિસ રોડ પર ઘેરી હતી. તપાસ દરમિયાન કાળા રંગની મહિન્દ્રા થાર (GJ-15-CN-1004) અને સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા (DD-03-AL-0035) કારમાંથી કુલ 9.375 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો OG મળી આવ્યો હતો, જેની બજાર કિંમત પ્રતિ ગ્રામ 3,500 રૂપિયા લેખે 3,28,12,500 આંકવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી વિષ્ણુ મહેશ સિંગ, પ્રેમચંદ ઉર્ફે રાહુલ લાલજી યાદવ, મિકેત પ્રવીણ પટેલ અને પ્રમોદ કૃપાશંકર પાઠકની અટકાયત કરી હતી, જ્યારે વિકાસ ઉર્ફે મોક્ષ ભૈયા જયસ્વાલ ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે બંને લક્ઝરી કાર, સાત મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 3.56 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને NDPS એક્ટ હેઠળ ગણદેવી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
બાઉન્સરથી ડ્રગ્સ સપ્લાય સુધીની કાળી કહાની

પોલીસ તપાસ અને આરોપીઓની પૂછપરછમાં વાપીમાં ‘ટાઈગર ફેસિલિટી સર્વિસ’ નામે સિક્યુરિટી એજન્સી ચલાવતો પ્રમોદ પાઠક આ કારોબારની મહત્વની કડી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, મુંબઈના ક્રિષ્નાના સંપર્ક મારફતે પ્રમોદનો થાઈલેન્ડ/બેંગકોકમાં રહેતા રોની સાથે તેનો પરિચય થયો હતો, જેના થકી થાઈલેન્ડથી દિલ્હી અને મુંબઈ મારફતે હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવીને આગળ સપ્લાય કરવામાં આવતો હતો. પ્રમોદ દિવાળી પહેલાં દિલ્હીથી ટ્રેન દ્વારા આ જથ્થો વાપી લાવ્યો હતો અને વાપીથી વડોદરાના આજવા ચોકડી ખાતે જયંતી પ્રજાપતિને આપવા ગયો હતો, જેને થોડો જથ્થો આપ્યા બાદ ત્યાંથી પરત વાપી જતી વખતે ક્રેટા કારમાં ખામી સર્જાતા આરોપીઓ ખારેલ સ્થિત સર્વિસ રોડ પર ઊભા રહ્યા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
નવ વોન્ટેડ આરોપીઓ અને ઊંડી તપાસનો દોર

આ સમગ્ર કાવતરામાં ફરાર વિકાસ જયસ્વાલ, વડોદરાનો જયંતી પ્રજાપતિ, થાઈલેન્ડ/બેંગકોક સ્થિત રહેતો રોની, મુંબઈના ક્રિષ્ના, દમણ-વાપીના ગુરકરંદસિંહ બેન્સ, અબ્દુલ રહેમાન સમીમ હક, વિપુલ ખટવા, રૂત્વિક કલ્સકર અને બંટી સહિતના વોન્ટેડ આરોપીઓને પકડવા તપાસને વેગ આપવામાં આવ્યો છે. નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલે જણાવ્યું છે કે, જપ્ત કરાયેલો હાઈબ્રિડ ગાંજો કોઈ મિશ્રણ વિનાનો છે અને આ નેટવર્કના ઉપરના ‘લેયર’ તેમજ સ્થાનિક પેડલરો સુધી પહોંચવા તપાસ ચાલી રહી છે. ચીખલી DySP ભગીરથસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગણદેવી PI દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે, જ્યારે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડમાં વધુ ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
આધુનિક હાઈવે નેટવર્ક અને ડિજિટલ સંપર્કો દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસ

સરહદી અને ઔદ્યોગિક પટ્ટી ધરાવતું ગુજરાત આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના નિશાના પર છે, જ્યાં આધુનિક હાઈવે નેટવર્ક અને ડિજિટલ સંપર્કો દ્વારા માદક પદાર્થો ઘૂસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. નવસારી LCB ની આ કામગીરી દર્શાવે છે કે સતર્કતા અને ગુપ્ત બાતમીના આધારે મોટા નેટવર્કને તોડી શકાય છે, પરંતુ યુવાધનને બચાવવા માટે ડ્રગ્સના મૂળ સપ્લાયર્સ, ફાઈનાન્સર્સ અને વિદેશી કનેક્શન પર સતત અને કડક પ્રહાર જરૂરી છે.